કમોસમી વરસાદથી જગતને રાતાપાણીએ રોવાનો વખત આવ્યો:ગાંધીનગર પંથકના ખેડૂતોએ ટ્રેક્ટરમાં ઢોલ નગારા સાથે રેલી કાઢી, તાત્કાલિક સહાયની માંગ સાથે કલેકટરને આવેદન
ગાંધીનગર તાલુકાના ખેડૂતો ઉપર કમોસમી વરસાદ ‘માવઠા’ બનીને તૂટી પડ્યો છે. સતત બે દિવસમાં બે ઈંચથી વધુ વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે, જેને પગલે પંથકમાં “લીલા દુકાળ” જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોને થયેલા ભારે નુકસાન અંગે સરકારી સહાયની તાત્કાલિક માંગણી સાથે આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોએ ઢોલ નગારા સાથે કલેકટર કચેરીએ આવીને ચાર દિવસમાં પાક નુકશાની વળતર ચૂકવવા માંગ સાથે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. દસથી વધુ ગામના ખેડૂતોએ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું
ગાંધીનગર તાલુકાના ગામો જેવા કે છાલા, કાનપુર, માતા પુરા, મહાદેવ પુરા, ગિયોડ, ધણપ, દશેલા, વાસણા ચૌધરી, આતમપુરા સહિત દસથી વધુ ગામના ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો ટ્રેક્ટરમાં બેસી ઢોલ-નગારા વગાડતા વગાડતા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. અહીં તેમણે ભારે સૂત્રોચ્ચાર કરીને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છિનવાયો
આ પંથકમાં અંદાજે બે-એક હજાર વીઘા જમીનમાં મગફળી અને ડાંગરનું વાવેતર થયું હોવાનો અંદાજ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, ભારે વરસાદના કારણે મગફળી, ડાંગર, કપાસ, અડદ અને મઠ જેવા તમામ પાકો સંપૂર્ણ નાશ પામ્યા છે અને ઓછામાં ઓછું પચાસ ટકા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેતરોમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે. જે પાક તૈયાર થઈ ગયો હતો, તેને વાઢીને ખેતરોમાં મૂક્યો હતો તે પણ પલળી ગયો છે. આ તૈયાર પાક ઉપર વરસાદે પાણી ફેરવી દીધું છે. પાકની સાથે પશુઓનો ઘાસચારો પણ પલળ્યો
પાક નુકસાનની સાથે સાથે પશુપાલન પર પણ મોટી અસર પડી છે. ડાંગરના ગટ્ટા, પુળીયા તેમજ મગફળીનું પનુર (પશુઓનો ઘાસચારો) પણ વરસાદમાં પલળી ગયા છે. આ ઘાસચારો આખું વર્ષ પશુઓના ખોરાક માટે સંગ્રહ કરવામાં આવે છે, જે નષ્ટ થવાથી ખેડૂતોને પશુઓ માટે પણ આજીવિકાનું સંકટ ઊભું થયું છે. સરકાર વહેલીતકે સર્વે કરાવી વળતર ચૂકવે- ખેડૂત
ભારે વરસાદથી ખેતીપાકોમાં થયેલા નુકસાનને કારણે ખેડૂતો દેવાદાર બન્યા છે. કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં ખેડૂતોએ ભારપૂર્વક માંગ કરી છે કે, સરકાર વહેલી તકે નુકસાનીનો સર્વે કરાવે અને આગામી ચાર દિવસમાં પાક નુકસાનીનું વળતર ચૂકવી ખેડૂતોને આ આર્થિક સંકટમાંથી ઉગારે. આ અંગે કાનપુર ગામના ખેડૂત રાકેશભાઈ પટેલે જણાવ્યું કે, અમે ગામે-ગામના ખેડૂતો અને આગેવાનો આજે સરકારને જે કમોસમી માવઠાના લીધે અમને નુકસાન થયું છે, તેની રજૂઆત કરવા આવ્યા છીએ. વર્ષ 2022 – 2023 માં પણ નુકસાન થયું હતું. ઉનાળાની સીઝનમાં રવિ પાકો બાજરી તેમજ જુવારને પણ નુકસાન થયું હતું અને આ વર્ષે ચોમાસામાં પણ ભારે નુકસાન થયું છે. એટલે સરકારને અને કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છીએ કે, અમને જે નુકસાનીનો ભારોભાર વળતર આપો અને દેવા નાબૂદી અમારા માટે જાહેર કરો. જો સરકાર રાત્રે 12 વાગ્યે કેબિનેટ બદલી શકતી હોય અને રાત્રે 12 વાગ્યે જાહેરાત કરી શકતી હોય તો અમને નુકસાન માટે હજી સર્વે પણ નથી થયો. સર્વે કરવાની પણ કોઈ જરૂર નથી. જો સરકાર કેબિનેટમાં સર્વે ના કરાવતી હોય અને મંત્રી ફાળવી દેતી હોય, તો ખેડૂતોના ખેતરમાં શું સર્વે કરવાનું? ભારતના વડાપ્રધાન પણ અત્યારે ગુજરાતમાં છે. તેઓને પણ વિનંતી કે તેઓ પણ આવીને જોવે અને અમારા નુકસાનનું વળતર આપો.
