Gujarati News

સરદાર પટેલની 150મી જન્મજયંતી પર ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી:અમદાવાદમાં CM અને રાજકોટમાં મંત્રી કુંવરજી બાવળીયાએ ‘યુનિટી માર્ચ’ને ફ્લેગ ઓફ કરાવ્યું

Published: October 31, 2025 • Language: English

આજે 31મી ઑક્ટોબરના રોજ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે અમદાવાદ અને રાજકોટમાં ‘યુનિટી માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નારણપુરા ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને માર્ચને ફ્લેગ ઓફ કરાવી હતી. જ્યારે રાજકોટમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે ‘રન ફોર યુનિટી’ યોજાઈ હતી. અમદાવાદની યુનિટી માર્ચમાં મેયર પ્રતિભા જૈન, મંત્રી દર્શનાબેન વાઘેલા, પોલીસ કમિશનર જી.એસ. મલિક, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને પોલીસ તેમજ ફાયર બ્રિગેડના જવાનો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘ફીટ ઇન્ડિયા’ના નારા સાથે જોડાયા હતા, જે આશ્રમ રોડ પર આવેલા ઇન્કમટેક્સ ખાતે પૂર્ણ થઈ હતી. CM ભૂપેન્દ્ર પટેલ પદયાત્રામાં 100 મીટર સુધી ચાલ્યા
સરદાર પટેલી 150મી જન્મજયંતી નિમિત્તે આજે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં આયોજીત યુનિટી માર્ચમાં ફાયર અને પોલીસના જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. CM ભૂપેન્દ્ર પટેલે આ પદયાત્રાનું ફ્લેગ ઓફ કરી પોતે 100 મીટર સુધી ચાલ્યા હતા. જ્યારે આ યાત્રામાં ભાજપના નેતા, મેયર અને ગુજરાત વિદ્યાપીઠના સ્ટૂડન્ટો પણ જોડાયા હતા. ‘સરદાર વલ્લભભાઈને ભાવાંજલિ અર્પણ કરું છું’: CM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ અને દેશની એકતા અને અખંડિતતાના પ્રણેતા એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીએ આપણા સૌ વતી સરદાર વલ્લભભાઈને ભાવાંજલિ અર્પણ કરું છું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ફીટ ઇન્ડિયાના નારાને સાર્થક બનાવવા મોટી સંખ્યામાં લોકો જોડાયા
મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, ભારતના અખંડ શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આજે ભેગા થયા છીએ. દેશની એકતા અને અખંડિતતા માટે સંકલ્પ લઈ એક ભારત અને શ્રેષ્ઠ ભારતની ભાવનાને પ્રબળ બનાવવા માટે ફીટ ઇન્ડિયાના નારાને સાર્થક બનાવવા માટે આજે રનફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું છે. શહેરીજનો આ યુનિટી માર્ચને સફળ બનાવવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા છે. રાષ્ટ્રભાવનાની ચેતનામાં વધારો કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત યુનિટી માર્ચમાં મેદસ્વિતા મુક્ત અભિયાનમાં લોકો જોડાઈ અને સાર્થક કર્યું છે. રાજકોટમાં રન ફોર યુનિટી યોજાઈ હતી
રાજકોટમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે રન ફોર યુનિટીનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. જેમાં પણ કુંવરજી બાવળીયા અને ભાજપના નેતાઓ સહિત મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓએ દોડ લગાવી હતી. જો કે, કાર્યક્રમ શરૂ થયા પહેલા ખુરશીઓ ભીની હોવાથી શરૂઆતમાં મહાનુભાવોએ ઊભું રહેવું પડ્યું હતું. AAPની કોળી સમાજની બેઠકની કોઈ અસર નહીં થાય: કુંવરજી બાવળિયા
રાજ્યના કેબિનેટમંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે એકતાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી તે રીતે આજે રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બહુમાળી ભવન ચોક ખાતે રન ફોર યુનિટીમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ એકતાનું પ્રતીક બતાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદને કારણે મગફળી અને કપાસને નુકસાન થયું છે તેના સર્વે માટે રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી દ્વારા સર્વેનો આદેશ આપવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સર્વેના આધારે ખેડૂતોને વધુમાં વધુ સહાય આપવામાં આવશે. જ્યારે બોટાદ બાદ સાયલામાં આમ આદમી પાર્ટીની સભા બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના અમારા સમાજના અમુક લોકો ગેરમાર્ગે દોરાયા હતા, પરંતુ તેઓને પણ ખબર પડી કે જેમનું મથાળું જ અહીં નથી તેની પાછળ જવાથી કોઈ મતલબ નથી. AAPના મિત્રો ફર્યા કરે તેનાથી કોઈ અસર નહીં થાય. ‘ભાજપ કોર્પોરેટરના પતિ લાલચને વશ થઈ AAPમાં ગયા’
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં 12ના મહિલા કોર્પોરેટર અસ્મિતા દેલવાડિયાના પતિ મૌલિક દેલવાડિયા AAPમાં જોડાવવા મામલે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જણાવ્યું હતું કે, જે પાર્ટીએ મોટા કર્યા તેને છોડીને તેઓ ગયા છે તે સારી બાબત નથી, પરંતુ આમ છતાં અમે તેમના સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. અમારા સુધી એવી વાત પહોંચી છે કે ભાજપ કોર્પોરેટરના પતિ લાલચને વશ થઈને આમ આદમી પાર્ટીમાં ગયા છે. અસ્મિતાબેનના જોડાવવા બાબતે અમને કઈ ખ્યાલ નથી.

← Back to Home