ગિરનારની લીલી પરિક્રમા મોકૂફ, કરોડોના ધંધા પર સંકટ:સાધુ-સંતો સાથે માત્ર પ્રતીકાત્મક યાત્રા; કમોસમી વરસાદથી 36 કિમીના રૂટ પર કાદવ-કીચડના કારણે નિર્ણય
હિન્દુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની આસ્થા સમા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદને કારણે મોકૂફ કરવાનો વહીવટી તંત્ર અને સાધુ-સંતોએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે. સતત વરસેલા વરસાદના કારણે 36 કિલોમીટરનો પરિક્રમા રૂટ સંપૂર્ણપણે બિસ્માર અને કાદવ-કીચડથી ભરપૂર બની ગયો છે, જેના પગલે સામાન્ય શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુવિધા તેમજ સલામતીને ધ્યાને રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ નિર્ણય જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, સાધુ-સંતો અને ઉપસ્થિત સાંસદ તેમજ ધારાસભ્યની હાજરીમાં લેવાયો હતો. જોકે, ધાર્મિક મુહૂર્ત જાળવવા માટે માત્ર સાધુ-સંતો અને મર્યાદિત સંખ્યામાં ભાવિકો સાથે પ્રતીકાત્મક પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ 1લીના રાત્રિના મુહૂર્તમાં યોજાશે. ઇન્દ્રભારતી બાપુનો ભાવિકોને ખાસ સંદેશ: ‘ઘરે જ પરિક્રમા કરો’
આ નિર્ણયની ઘોષણા કરતા ઇન્દ્રભારતી બાપુએ ખાસ કરીને પરિક્રમાથીઓને સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર અને સાધુ-સંતો દ્વારા રૂટનું નિરીક્ષણ કરાયું, જેમાં વાહનો પણ કાદવમાં ફસાઈ જાય તેવી ગંભીર સ્થિતિ જોવા મળી છે. ગિરનાર પરિક્રમા રૂટની હાલની પરિસ્થિતિ અને વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, તેમ જ પરિક્રમા રૂટમાં થયેલા કાદવ-કીચડના કારણે ભાવિકોની સુવિધા અને સુરક્ષાને ધ્યાને લઈ, દર વર્ષે પરિક્રમામાં આવતા ભાવિકોને ખાસ અપીલ છે કે આ વર્ષે પરિક્રમામાં ન આવે. પરિક્રમા રૂટ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય
જે રૂટ પર પરિક્રમા યોજાય છે તે 36 કિમીના રોડ પર કમોસમી વરસાદના કારણે રોડ રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને રોડ તૂટેલી હાલતમાં છે. જેના કારણે ભારે વાહનોને જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જેના કારણે આ વર્ષે તંત્ર દ્વારા પરિક્રમા ભાવિકો માટે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. તો બોરદેવી જતાં રસ્તા સુધી પણ વાહનોનું પસાર થવું અશક્ય બન્યું છે. રસ્તાઓ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય એટલું વ્યાપક છે કે પગપાળા ચાલવું પણ અત્યંત મુશ્કેલ છે. લાખો ભાવિકો પોતાના પરિવાર, બાળકો અને વૃદ્ધો સાથે આ 36 કિમીની કઠિન યાત્રા કરતા હોય છે, પરંતુ રૂટની આ હાલત જોતા તેમની સુરક્ષા જોખમાય તેવી સ્થિતિ હતી. જંગલ સંપૂર્ણપણે ભીનું થઈ જતાં રાત્રિ રોકાણ કરનારાને ઠંડી, ભીનાશ અને અગવડતાનો સામનો કરવો પડે
ભારે વરસાદના કારણે ઊભી થયેલી અન્ય મુશ્કેલીઓની વાત કરીએ તો જંગલ સંપૂર્ણપણે ભીનું થઈ જતાં રાત્રિ રોકાણ કરનારા ભાવિકોને ઠંડી, ભીનાશ અને અગવડતાનો સામનો કરવો પડે છે. ભીના જંગલમાં ભોજન બનાવવા માટે સૂકા લાકડા મળવા અતિ મુશ્કેલ છે, જેના કારણે અન્નક્ષેત્રોને મુશ્કેલી પડે છે. અન્નક્ષેત્રો અને વેપારીઓ પર આર્થિક સંકટ
આ નિર્ણયથી જૂનાગઢ શહેરના અર્થતંત્રને મોટો ફટકો પડશે. શિવરાત્રી મેળો અને લીલી પરિક્રમા જૂનાગઢ માટે કરોડો રૂપિયાનું આર્થિક બૂસ્ટર સમાન છે. પરિક્રમા રદ થવાથી સ્થાનિક વેપારીઓ અને ગુજરાત બહારથી ‘પેટીયું’ રળવા આવતા લોકોને મોટું નુકસાન થશે. દાણાપીઠના વેપારીઓએ હજારો કિલો અનાજ, દાળો અને ખાદ્ય સામગ્રીનો સ્ટોક કરી દીધો
દાણાપીઠના વેપારીઓએ હજારો કિલો અનાજ, દાળો અને ખાદ્ય સામગ્રીનો સ્ટોક કરી દીધો હતો. પરિક્રમાથી કરોડોનો આર્થિક ફાયદો થતો, પરંતુ આ વર્ષે વેપારીઓને નુકસાની ભોગવવાનો વારો આવશે. પરિક્રમામાં વિનામૂલ્યે સેવા આપતા ઉતારા મંડળો અને અન્નક્ષેત્રો દ્વારા લાખો રૂપિયાની ખાદ્ય સામગ્રી ખરીદી લેવામાં આવી છે. જંગલમાં પ્રવેશ ન મળતા તેમનો માલ-સામાન ભવનાથ ક્ષેત્રમાં જ અટવાયેલો છે. વહેલી તકે મંજૂરી ન મળતા લાખો ભાવિકોને સુવિધા આપવામાં મુશ્કેલી ઊભી થતી હતી: કિશોર વાડોદરિયા
વર્ષોથી અન્નક્ષેત્ર ચલાવતા ખોડીયાર રાસ મંડળના કિશોર વાડોદરિયાએ જણાવ્યું હતું કે, વહેલી તકે મંજૂરી ન મળતા લાખો ભાવિકોને સુવિધા આપવામાં મુશ્કેલી ઊભી થતી હતી. હાલ તેઓ ભવનાથ ક્ષેત્રમાં જ ભાવિકોને ભોજન પ્રસાદી પીરસી રહ્યા છે. આસ્થા અને આધ્યાત્મના માર્ગ પર આ વર્ષે સંકટ
ગિરનારની લીલી પરિક્રમા માત્ર એક શારીરિક યાત્રા નથી, પરંતુ આસ્થા અને આધ્યાત્મિક શક્તિનો માર્ગ છે. શ્રદ્ધાળુઓ ગિરનારના પવિત્ર પર્વત પર બિરાજમાન નવનાથ સિદ્ધ, ચોરાસી સિદ્ધ, બાવન વીર અને ચોસઠ જોગણીઓના આશીર્વાદ લેવા માટે 36 કિમીનું કઠિન વ્રત પૂર્ણ કરે છે. એવું માનવામાં આવે છે કે કારતક મહિનામાં જ્યારે જંગલની હરિયાળી ચરમસીમા પર હોય છે, ત્યારે આ પવિત્ર પ્રકૃતિ વચ્ચે પરિક્રમા કરવાથી લાખો ભાવિકો પુણ્યનું ભાથું બાંધે છે અને મોક્ષના દ્વાર ખૂલે છે. તંત્ર દ્વારા લેવાયેલો આ નિર્ણય લાખો ભાવિકોની આસ્થાને ઠેસ પહોંચાડે તેવો છે, પરંતુ તે તેમની સલામતી અને સુવિધા જાળવવા માટે લેવાયેલો છે. શિવરાત્રી મેળો અને લીલી પરિક્રમા જેવા કાર્યક્રમો શહેર માટે આર્થિક બુસ્ટર સમાન
સૌરાષ્ટ્ર સ્થિત જૂનાગઢ શહેર માત્ર ધાર્મિક આસ્થાનું જ નહીં, પરંતુ એક મજબૂત સ્થાનિક અર્થવ્યવસ્થાનું પણ કેન્દ્ર છે, જેનો આધાર ગિરનારની તળેટીમાં યોજાતા ધાર્મિક ઉત્સવો છે. અહીં દર વર્ષે યોજાતા શિવરાત્રી મેળો અને લીલી પરિક્રમા જેવા કાર્યક્રમો શહેર માટે આર્થિક બુસ્ટર સમાન છે. જોકે, આ વર્ષે અણધાર્યા વરસાદી માહોલના કારણે આગામી લીલી પરિક્રમા રદ થતાં જૂનાગઢના વેપારી વર્ગમાં મોટી આર્થિક ચિંતા પ્રસરી ગઈ છે. અર્થતંત્રનો મુખ્ય આધાર પરિક્રમા
લીલી પરિક્રમા જૂનાગઢની અર્થવ્યવસ્થામાં કરોડો રૂપિયાનો બૂસ્ટર ડોઝ આપે છે. આ પરિક્રમા સામાન્ય રીતે કારતક પૂર્ણિમાના પાંચ દિવસ દરમિયાન યોજાય છે, જે આ વર્ષે 2 નવેમ્બરથી 5 નવેમ્બર દરમિયાન યોજાવાની હતી. ગત વર્ષે 7.25 લાખથી વધુ ભક્તોએ આ પરિક્રમામાં ભાગ લીધો હતો. આ શ્રદ્ધાળુઓ માત્ર ગુજરાતમાંથી જ નહીં, પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી પણ આવે છે. આ લાખો શ્રદ્ધાળુઓના આગમનથી હોટેલ, રેસ્ટોરાં, પરિવહન, હસ્તકલા અને ખાસ કરીને દાણાપીઠ જેવા મુખ્ય વેપાર કેન્દ્રોને સીધો ફાયદો થાય છે. એક અંદાજ મુજબ, માત્ર પરિક્રમા દ્વારા જ શહેરના મુખ્ય અનાજ માર્કેટ ‘દાણાપીઠ’ ને કરોડો રૂપિયાનો આર્થિક ફાયદો થાય છે. અહીંના વેપારીઓ વાર્ષિક કમાણીનો મોટો હિસ્સો આ સમયગાળા દરમિયાન જ મેળવે છે. વેપારીઓ અને અન્ય રાજ્યોના લોકો નિરાશ
વરસાદની અનિશ્ચિતતાએ સ્થાનિક વેપારીઓને મોટી મૂંઝવણમાં મૂક્યા છે. દાણાપીઠના વેપારીઓએ શ્રદ્ધાળુઓ માટે હજારો કિલો અનાજ, દાળો, મસાલા અને ફળોનો સ્ટોક પહેલેથી જ ભરી દીધો છે.ત્યારે હવે પરિક્રમા મોકૂફ રહેતા આ તમામ વેપારીઓને મોટું નુકસાન વેઠવું પડશે. નાના વેપારીઓ અને કારીગરો પણ નિરાશ
આ ઉપરાંત, અનેક નાના વેપારીઓ અને કારીગરો જે ગુજરાતની બહારથી આવે છે અને આ મેળાને પોતાના વાર્ષિક ‘પેટીયું’ (આખા વર્ષની કમાણી) તરીકે જુએ છે, તેઓ પણ નિરાશ થાય છે. તેમનો આખો વર્ષનો ધંધો આ પરિક્રમા પર જ નિર્ભર હોય છે. વહીવટી તંત્ર અને સાધુ-સંતોએ રૂટનું નિરીક્ષણ કર્યું તેની કેટલીક તસવીરો તોફાની વરસાદન કારણે પરિક્રમાનો રૂટ ધોવાયો
ગિરનારની લીલી પરિક્રમામાં ભજન, ભક્તિ અને ભોજનનો સંગમ જોવા મળતો હોય છે. દર વર્ષે પરિક્રમા માટે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોઈ, તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવતી હોય છે. આ વર્ષે પણ જૂનાગઢ વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો, પરંતુ કમોસમી વરસાદના કારણે પરિક્રમાનો 36 કિમીનો રૂટ ધોવાઈ જતાં અનેક જગ્યાએ રસ્તાઓ જોખમી બન્યા છે. આ પણ વાંચો: મોસમી વરસાદથી 36 કિમીના રૂટ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય ભારે વાહનો જઈ શકે એવી સ્થિતિ નહીં
વન વિભાગના અધિકારીના મતે ભારે વરસાદને કારણે પરિક્રમાનો રૂટ ધોવાઈ જતાં અંદર ભારે વાહનો જઈ શકે એમ નથી. જો વાહનો લઈ જવામાં આવે તો ફસાઈ જવાની સંભાવના છે અને એને બહાર કાઢવા મુશ્કેલ થશે. પરિક્રમા શરૂ થાય એ પહેલા અન્નક્ષેત્ર ચલાવતા લોકો વ્યવસ્થા માટે અંદર જતા હોય છે, પરંતુ તંત્ર તરફથી તેમને લીલી ઝંડી મળી નહોતી. પરિક્રમાનો સમયગાળો
દર વર્ષે કારતક સુદ એકાદશી (દેવઉઠી એકાદશી)થી શરૂ થઈને કારતક પૂર્ણિમા (દેવ દિવાળી)ના દિવસે આ પરિક્રમા પૂર્ણ થાય છે. આ યાત્રા પાંચ દિવસ ચાલે છે.ગીર જંગલનો આ માર્ગ વન વિભાગ દ્વારા વર્ષમાં આ 5થી 7 દિવસ માટે જ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લો મુકાય છે. આ પરિક્રમા લગભગ 36 કિલોમીટર લાંબી હોય છે. જે પગપાળા પૂર્ણ કરવાની હોય છે. પરિક્રમાની શરૂઆત જૂનાગઢના ભવનાથ મંદિરથી થાય છે. આ યાત્રામાં ત્રણ મુખ્ય મુશ્કેલ ચઢાણ આવે છે, જેને ‘ઘોડી’ કહેવામાં આવે છે જેમાં ઇટવા ઘોડી, માળવેલા ઘોડી, નળપાણી ઘોડી. લીલી પરિક્રમાનો ઈતિહાસ
એક માન્યતા પ્રમાણે, ભગવાન શ્રીકૃષ્ણના સમયથી પર્વતોની પરિક્રમાની શરૂઆત થઈ છે એવું કહી શકાય. ભગવાન શ્રીકૃષ્ણએ પર્વતની પૂજા અને પર્વતને ઈશ્વર સ્વરૂપ માની એની પ્રદક્ષિણા કરવાનું કહેલું. અન્ય એક માન્યતા પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાને શ્રાપ મુક્તિ માટે ગિરનારની પરિક્રમા કરેલી. પુરાતનકાળમાં ગિરનારની પરિક્રમાના યાત્રિકો દેવ દિવાળીના રોજ ભવનાથ તળેટી ખાતે રાતે રોકાતા હતા, બીજા દિવસે ઝીણા બાવાની મઢી, સરકડિયા હનુમાન, સૂરજકુંડ, પાટનાથ થઈ માળવેલા પહોંચી રાતવાસો કરતા હતા. ત્રીજા દિવસે સવારે શ્રવણવડ, વાસંતીનાગ હેમાજળિયા કુંડ થઇ બોરદેવી માતાજીની જગ્યામાં રાત રોકાઈને ચોથે દિવસે બોરદેવીથી ભવનાથ પહોંચી પરિક્રમા પૂરી કરતા. મધ્ય યુગમાં લાંબા ગાળા સુધી પરિક્રમા બંધ રહેલી
અર્વાચીનકાળમાં યાત્રિકો કારતક સુદ અગિયારસના દિવસે ભવનાથ ખાતે દર્શન કરી અડધી રાતે યાત્રા શરૂ કરતા, ઝીણા બાવાની મઢીએ પહોંચી રાત રોકાય છે, બીજા દિવસે સરકડિયા હનુમાન, સૂરજકુંડ થઈ માળવેલાની જગ્યામાં પહોંચીને રાતવાસો કરે છે અથવા તો ઝીણા બાવાની મઢીથી માળવેલાની ઘોડી ચઢી સીધા માળવેલાની જગ્યાએ પહોંચે છે. ત્રીજા દિવસે શ્રવણવડ, વાસંતીનાગ, નળપાણીની જગ્યામાં થઇ બોરદેવી ખાતે રાત રોકાય છે. ચોથે દિવસે દૂધવન ખોડિયાર ઘોડી ચઢી ભવનાથ તળેટીમાં પરિક્રમા પૂર્ણ કરે છે. મધ્ય યુગમાં લાંબા ગાળા સુધી પરિક્રમા બંધ રહેલી, એ કાળમાં સોમનાથ પર અનેક આક્રમણો થયાં હતાં અને જૂનાગઢ-સોમનાથ તરફ જવાના મુખ્ય માર્ગમાં જૂનાગઢ આવતું હોવાના કારણે પરિક્રમા બંધ થઈ ગઈ હતી. ગિરનારનો ઈતિહાસ
ગિરનારના પાંચ પર્વત પર કુલ 866 મંદિર આવેલાં છે. ગિરનાર પર્વત એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઊતરે આવેલા પર્વતોનો સમૂહ છે. અહીં સિદ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ પર્વતમાં પાંચ ઊંચાં શિખરો આવેલાં છે, જેમાં ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 અને માળી પરબ 1800 ફૂટની ઊંચાઈ ધરાવે છે, જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઊંચામાં ઊંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વત પર કુલ થઇને 866 મંદિર આવેલાં છે. પથ્થરોના બનાવેલા દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે.
