ખેડૂતો મુદ્દે કોંગ્રેસ હવે જાગી, શનિવારથી મેદાને પડશે:પહેલી નવેમ્બરથી તમામ તાલુકા મથકે ધરણાં, 6થી 13 નવે. સુધી 10 જિલ્લામાં ‘ખેડૂત આક્રોશ યાત્રા’
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામનગર ચોક મોટેરા સ્ટેડિયમ સુધી પદયાત્રા યોજી કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. ભાજપ સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન ખતમ કરવાનો પ્રયાસ કરી રહી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના દિવસે મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવા માટેની માગ ઉઠી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલી સરદાર પટેલ સ્ટેડિયમ કરવા માટે કોંગ્રેસ દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો છે. 2028માં નરેન્દ્ર મોદીની સ્ટેડિયમનું નામ બદલી સરદાર પટેલ સ્ટેડિયમ નામ કરવા માટે કોંગ્રેસના નેતાઓએ સંકલ્પ લીધો છે. 1થી 13 નવેમ્બર સુધી ‘ખેડૂત આક્રોશ યાત્રા’ અને ધરણાંનું આયોજન
ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અને તેમની વિવિધ માંગણીઓના સમર્થનમાં કોંગ્રેસે રાજ્યભરમાં મોટા કાર્યક્રમોની જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા 1 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી રાજ્યના તમામ તાલુકા મથકે ધરણાં કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં મામલતદાર કચેરી સુધી પદયાત્રા કરીને ખેડૂતોની માંગણીઓ સાથેનું આવેદનપત્ર આપવામાં આવશે. આ ઉપરાંત, 6 નવેમ્બરના રોજ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીને આવેદનપત્ર આપવામાં આવશે. આ સિવાય, 6 નવેમ્બરથી 13 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં ‘ખેડૂત આક્રોશ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની શરૂઆત 6 નવેમ્બરના રોજ સોમનાથથી થશે, જેમાં કોંગ્રેસના નેતાઓ ખેડૂતો સાથે સંવાદ કરીને તેમની મુશ્કેલીઓ સાંભળશે. 10 જિલ્લાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આ યાત્રાનું સમાપન 13 નવેમ્બરના રોજ દ્વારકા ખાતે થશે. ‘સૌરાષ્ટ્રમાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું’
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ખેડૂત પર દુઃખ આવે તો આખા દેશની પ્રગતિ અટકી જાય આજે ગુજરાતમાં ખેડૂતોની જે હાલ જ છે એ ખૂબ દયનીય છે. અમારા પ્રભારી મુકુલ વાસનીક સહિતના નેતાઓ સૌરાષ્ટ્રના પ્રવાસે હતા અને જે રીતે કમોસમી વરસાદ થયો. જેના કારણે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું, ખેતરનો ઉભો પાક બરબાદ થઈ ગયો અને આ પહેલી વખત નથી થયું. થોડા સમય પહેલા ઉત્તર ગુજરાતમાં પણ અતિવૃષ્ટિ થઈ એ પહેલા પણ કમોસમી વરસાદ, કુદરતી આફતોને કારણે વારંવાર ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થાય છે. જે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં ત્રણ દાયકાથી શાસન કરે છે એ સરકારે હંમેશા ખેડૂતો પ્રત્યે દુર્લભ વ્યવહાર રાખ્યો છે. બિયારણની કાળા બજારીથી ઉભી થતી તંગી અંગે તાત્કાલિક નિવારણ જરૂરી
વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા કોઈ સક્રિય યોજનાઓ લાવવાની વાત હોય કે એને મદદ કરવાની હોય હંમેશા પાછીપાની કરી છે. ભાજપની નીતિ હંમેશા ખેડૂત વિરોધી રહી છે. બીજેપીની બી ટીમની પણ તે પ્રકારની જ નીતિ રહી છે. જેના કારણે ખેડૂત અને ખેતી બંને બરબાદ થઈ ગયા છે. ગુજરાતમાં વરસાદના કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે. આજે લોહીના આંસુએ રડે છે અને જો એમાં મદદ નહીં મળે તો આત્મહત્યા કરવી પડે એવા દિવસો ઊભા થઈ શકે છે. ગુજરાત સરકાર તાત્કાલિક પાક વીમા યોજના ચાલુ કરે એ પણ માગણી કરીએ છે. ગુજરાતમાં ખાતર બિયારણની જે કાળા બજારી થાય છે જે તંગી ઊભી થાય છે એનું પણ તાત્કાલિક નિવારણ થવું જોઈએ. ખેડૂત આક્રોશ યાત્રાનું 13મી તારીખે દ્વારકા ખાતે સમાપન
આગામી આંદોલનને લઈને અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે તકલીફ છે અને આક્રોશ પણ છે. સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જેથી સરકાર તાત્કાલિક મદદ કરે અને સરકાર જો મદદ કરવા માટે સામેથી તૈયાર નહીં થાય તો એની સામે રસ્તા પર ઉતરીને આંદોલન કરીશું. જેમાં સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાઓને સાંકળી લેતી ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કોંગ્રેસ પાર્ટી દ્વારા 6 નવેમ્બરે સોમનાથથી શરૂ કરવામાં આવશે. સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં ગામે ગામ જનજાગૃતિ સાથે ખેડૂતોના પ્રશ્નો સાંભળીશું. ખેડૂતો સાથે સંવાદ કરીશું એના પ્રશ્નોને તકલીફોને વાચા આપીશું અને ગામે ગામ ફરી ખેડૂતોના પ્રશ્નો દૂર થાય તે માટે સરકાર પાસે માંગણી કરીશું. આ ખેડૂત આક્રોશ યાત્રા 13મીએ તારીખે દ્વારકા ખાતેનું સમાપન કરવામાં આવશે. કોંગ્રેસ લડત લડીને પણ ખેડૂતોને એનો હક અને અધિકાર અપાવશે એટલા માટે સૌ લોકોએ ખેડૂતના તકલીફના સમયમાં મદદરૂપ થાય એવી અપીલ પણ કરું છું અને કોંગ્રેસ પાર્ટી ખેડૂતો માટે હંમેશા લડી છે અને આવનારા દિવસોમાં પણ લડીશું. અમિત ચાવડાએ ભાજપ સરકાર અને નેતાઓ પર પ્રહાર કર્યા
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે સમગ્ર દેશમાં અલગ અલગ કાર્યક્રમ થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ પ્રદેશ કોંગ્રેસ દ્વારા સરદાર સાર્ધ પદયાત્રા યોજવામાં આવી છે. રામનગર ચોકથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી પદયાત્રા યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. જે બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સામે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કાર્યકર્તાઓને સંબોધન પણ કર્યું હતું. કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન અમિત ચાવડાએ ભાજપના નેતાઓ પર અને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. RSSની વિચારધારાના લોકો સરદાર સાહેબનું યોગદાન અને તેમના વિચારોને ખતમ પોતાના સાહેબને મોટા બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. ‘સરદાર સાહેબની વિચારધારાને ખતમ કરવાનો પ્રયત્ન’
ભાજપ સરકાર પર પ્રહાર કરતા ગુજરાત કોંગ્રસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસના કાર્યકરોએ સંકલ્પ લીધા છે. દેશમાં RSSની ભાગલાવાદી વિચારધારા પર બેન્ડ મૂકવા માટે જે સરદાર સાહેબે આદેશ કર્યા હતા, એ વિચારધારાનું શાસન આજે ગુજરાત અને દેશમાં ચાલી રહ્યું છે. આ શાસકો સરદાર સાહેબની વિચારધારા ખતમ કરી એમના યોગદાનને બોલાવી પોતાનું યોગદાન અને પોતાની વિચારધારાને દેશ પર થોપવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેશના ગૃહમંત્રી શાહ બિહારમાં બેફામ ભાષણો કરી રહ્યા છે. સરદાર સાહેબ ગુજરાત કોંગ્રેસના 25 વર્ષ સુધી પ્રમુખ રહ્યા હતા. આ એ સરદાર સાહેબ છે જે ખેડૂતોના સત્યાગ્રહની આગેવાની લેવાને કારણે સરદારનું બિરુદ મળ્યું હતું. આજે સરદાર સાહેબની વિચારધારાને ખતમ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ સરદાર પટેલ કરવા સંકલ્પ લીધો
વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જે સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હતું એ નામ ઉખાડી ફેંકવામાં આવ્યું છે. જે બાદ તેનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે. એ સ્ટેડિયમના ગેટ સામે આજે કોંગ્રેસના કાર્યકર્તા હોય શપથ લીધા છે. 2028માં જે સરદાર સાહેબની વિચારધારાને ખતમ કરવા માગે છે, સરદાર સાહેબના યોગદાનને ખતમ કરી પોતાના સાહેબને મોટો કરવા માગે છે. એ વિચારધારા સામે અમે લડીશું. ગુજરાતમાં ન્યાય પણ અન્યાય થતો હોય ત્યાં પણ અત્યાચાર થતા હશે તેની સામે કોંગ્રેસનો કાર્યકર મજબૂતાઈથી લડશે. ગુંજરાતના ખેડૂતો માટે યુવાનો માટે અને સામાન્ય માણસ માટે ગુજરાત કોંગ્રેસ હંમેશા અવાજ બનશે. જેમને સરદાર સાહેબનું અપમાન કર્યું છે સરદાર સાહેબના બદલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ આપવામાં આવ્યું છે. 2028માં આજ સ્ટેડિયમમાં આવીને નરેન્દ્ર મોદીની તકતી ઉખાડી ફેંકીને કોંગ્રેસના કાર્યકરો ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ નામ પ્રસ્થાપિત કરશે તેઓ સંકલ્પ લેવામાં આવ્યો છે.
