Gujarat News: માવઠાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યુ, આવતીકાલથી નહીં શરૂ થાય ટેકાના ભાવે ખરીદી
સરકાર દ્વારા આવતીકાલથી ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા ચારેક દિવસથી થઈ રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મગફળીનો પાક પલળી ગયો છે. જેના કારણે આવતીકાલે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય એક દિવસ પહેલા જ બદલી દેવામાં આવ્યો છે. હવે આવતીકાલે સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી નહીં કરે.
સરકારે ટેકાના ભાવે કરી હતી ખરીદીની જાહેરાત
સરકારે પહેલી નવેમ્બર 2025ના રોજ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી થયેલા માવઠાને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખેતરમાં ઉભો પાક નષ્ટ થઈ ગયો છે. ઘણા ખેડૂતોની મગફળી માવઠાને કારણે ધોવાઈ ગઈ છે. જેના કારણે આવતીકાલે મગફળીની ટેકાના ભાવે ખરીદી નહીં થાય. મગફળી ખરીદવી કે નહીં તે અંગે હજુ સુધી નિર્ણય નથી લેવાયો.
મગફળી, અડદ, સોયાબીન, મગની ખરીદી કરવાની હતી
રાજ્ય સરકારે આવતીકાલે પહેલી નવેમ્બરથી મગફળી, અડદ, સોયાબીન અને મગની ટેકાના ભાવે ખરીદી કરવા જાહેરાત કરી હતી. જેમાં 9.32 લાખ ખેડૂતોએ મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ ઉપરાંત 73 હજાર ખેડૂતોએ સોયાબિન, 6100 ખેડૂતોએ અડદ અને 1935 ખેડૂતોએ મગ વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું. રાજ્યમાં માવઠાને કારણે જણસી પલળી ગઈ હોવાથી આવતીકાલે ટેકાના ભાવે ખરીદી નહીં થઈ શકે.
