Gujarati News

Ahmedabad News: રોજગાર મેળામાં 29 મહિલાઓ સહિત 155 યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરાયા

Published: October 24, 2025 • Language: English

આજે સમગ્ર દેશમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ સહિત દેશભરના 40 સ્થળોએ યોજાયેલા રોજગાર મેળામાં સરકારી વિભાગોમાં નવી નિમણૂક મેળવનાર ઉમેદવારોને 51,000 થી વધુ નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતાં. અમદાવાદના સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક સભાગૃહ ખાતે પોસ્ટ વિભાગના નેજા હેઠળ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં આયોજિત રોજગાર મેળામાં પોસ્ટ,રેલ્વે,આવકવેરા,નાણાકીય સેવાઓ,સીઆઈએસએફ, સીઆરપીએફ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા વગેરે વિભાગોના નવા ભરતી થયેલા યુવા ઉમેદવારોએ ભાગ લીધો હતો.

29 મહિલા ઉમેદવારો સહિત કુલ 155 ઉમેદવારોને નિમણૂક પત્રો અપાયા

ભારત સરકારના રાજ્ય મંત્રી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાએ નવી નિમણૂક મેળવનાર ઉમેદવારોને નિમણૂક પત્રો આપીને તેમના સુખદ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. સમારોહ દરમિયાન 29 મહિલા ઉમેદવારો સહિત કુલ 155 નવનિયુક્ત ઉમેદવારોને નિયુક્તિ પત્ર આપ્યા હતાં.નિમુબેન જયંતિભાઈ બાંભણિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આજે દેશભરમાં યોજાયેલ આ ‘રોજગાર મેળા’એ યુવાઓના જીવનમાં નવી રોશની લાવી છે અને તેમને દિવાળીના પર્વ પર એક અનમોલ ઉપહાર આપ્યો છે.દેશના યુવાઓનો આત્મવિશ્વાસ મજબૂત કરવો એ અમારું સંકલ્પ છે.

દેશમાં 11 લાખથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું

આ પ્રસંગે એક વીડિયો સંદેશમાં વડાપ્રધાન મોદીએ નવનિયુક્ત કર્મચારીઓને ‘નાગરિક દેવો ભવ’ ના મંત્રને ભૂલશો નહીં અને સેવા અને સમર્પણની ભાવના સાથે કામ કરવા અપીલ કરી.છેલ્લા 11 વર્ષથી રાષ્ટ્ર એક વિકસિત ભારતનું નિર્માણ કરવા તરફ આગળ વધી રહ્યું છે, જેમાં યુવાનોની ભૂમિકા સર્વોચ્ચ રહી છે. યુવાનોને સશક્ત બનાવવું એ તેમની સરકારની ટોચની પ્રાથમિકતા છે.રોજગાર મેળા યુવાનોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે એક શક્તિશાળી માધ્યમ બની ગયા છે અને તાજેતરમાં, આ મેળાઓ દ્વારા 11 લાખથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. સરકારે ‘પીએમ વિકાસિત ભારત રોજગાર યોજના’ શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય 3.5 કરોડથી વધુ યુવાનોને રોજગાર પૂરો પાડવાનો છે.

Read more

← Back to Home