Gujarati News

Editor's View: ખાલી થવા લાગ્યો USનો ખજાનો:ટ્રમ્પની રાજહઠ ને અમેરિકામાં શટડાઉન, વિશ્વની મહાસત્તા મુશ્કેલીમાં; વગર પગારે કામ કરવા મજબૂર અમેરિકનો

Published: October 23, 2025 • Language: English

ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ, વિદેશ નીતિ અને જીદ્દી સ્વભાવના કારણે અમેરિકામાં જ તેનો વિરોધ થવા લાગ્યો છે. સ્થિતિ એવી થઈ છે કે અમેરિકાની સંસદે સરકાર ચલાવવા પૈસા આપવાની ના પાડી દીધી છે. આનાથી થયું છે એવું કે અમેરિકામાં મોટાભાગની સરકારી ઓફિસો બંધ છે. લાખો કર્મચારીઓને વગર પગારે ઘરે મોકલી દેવાયા છે. ખાનગી કંપનીઓએ 32 હજાર કર્મચારીની છટણી કરી નાખી છે. લોકો રસ્તા પર ઉતરીને વિરોધ કરવા લાગ્યા છે. પણ આ બધું ટ્રમ્પ માટે નવું નથી. કારણ કે તેના પહેલા કાર્યકાળમાં ત્રણ વખત શટડાઉન થયું હતું. હા, સમસ્યા ત્યારે સર્જાશે જ્યારે શટડાઉન લાંબુ ચાલશે. અત્યારે જે શટડાઉન ચાલે છે તે અમેરિકાના ઈતિહાસનું બીજું સૌથી મોટું શટડાઉન છે. નમસ્કાર, આખી દુનિયાને ટેરિફની દમદાટી આપીને પોતાને ‘મહાન’ ગણાવનાર ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના જ દેશમાં બરાબરના ફસાયા છે. અમેરિકી સરકારને વર્ષે ખર્ચ કરવા માટે વ્યાજે પૈસા લેવાના હોય છે અને તેના માટેનું ટેમ્પરરી ફંડીંગ બિલ સંસદના બંને ગૃહમાં પાસ કરવાનું હોચ છે. ભારતની જેમ અમેરિકામાં બે ગૃહ છે. પહેલા ગૃહમાં જ આ બિલ પસાર થયું નહિ અને દેશ ચલાવવા અમેરિકા પાસે પૈસા બચ્યા નથી. આ બિલ પાસ ન થવાનું કારણ રિપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટી વચ્ચેનો મતભેદ છે. શટડાઉન એટલે શું? શટડાઉન એટલે અમેરિકાની તમામ સરકારી અતિઆવશ્યક સેવાઓ ન હોય તેવી ઓફિસો બંધ રહેવી. કર્મચારીઓને પગાર ન મળે અને રજા આપીને ઘરે મોકલી દેવાય. અત્યારે નેશનલ પાર્ક્સ, મ્યુઝીયમ, જાહેર પબ્લિક સુવિધાઓ સદંતર બંધ છે, પણ મેડિકલ, બોર્ડર સિક્યોરિટી, બેન્ક, કોર્ટ, ફ્લાઈટ જેવી વ્યવસ્થા ચાલુ રહે છે. હા, જે સેવા ચાલુ રહે છે તેના કર્મચારી કે ઓફિસરોને પગાર તો મળતો જ નથી. વગર પગારે કામ કરવું પડે છે. અમેરિકી સરકારના ફંડ સાથે જોડાયેલું કોઈપણ બિલ પાસ કરાવવા માટે અમેરિકી સાંસદો પાસે અધિકાર હોય છે. અમેરિકાને વ્યાજે પૈસા લેવા હોય તો તેની એક મર્યાદા હોય છે. નક્કી કરેલી મર્યાદાથી વધારે દેવું ન કરી શકે. આના કારણે સરકાર ચલાવવા પૈસા ન મળે. અમેરિકાની સરકારી એજન્સીઓ અસ્થાયીરૂપે બંધ થઈ કરી દેવાઈ છે. અમેરિકામાં દર વર્ષે 1 ઓક્ટોબરથી નવું નાણાકીય વર્ષ શરૂ થતું હોય છે એટલે આ બિલ ઓક્ટોબરના પહેલા વિકમાં પાસ થઈ જવું જોઈએ. પણ થયું નહિ એટલે શટડાઉન લાગી ગયું. શટડાઉનની અસર શું થઈ? 20 લાખથી વધારે કર્મચારીઓને પગાર આપ્યા વગર રજા આપી દેવામાં આવી છે. ફરજિયાત સેવા જેમ કે પોલીસ, ફાયર બ્રિગેડમાં કામ કરનારા લોકો પગાર વગર કામ કરવા મજબૂર છે. અમેરિકાના સરકારી વિભાગોમાં નવી જોબનું ઓપનિંગ બંધ થઈ ગયું છે. અમેરિકાની તમામ એરલાઈન્સ કંપનીઓએ જાહેરાત કરી છે કે તેના 13 હજારથી વધારે ટ્રાફિક એર કંટ્રોલર પગાર વગર કામ કરશે. નાના બિઝનેસ શરૂ કરવા લોન નહિ મળે. ટ્રમ્પ સરકારમાં કામ કરનારા સેક્રેટરી ક્રિસ્ટી નોએમે મીડિયાને કહ્યું હતું કે બે લાખથી વધારે કર્મચારીઓને પગાર નહિ મળે. દોઢ લાખથી વધારે અધિકારી અને 50 હજારથી વધારે સૈનિકો પગાર વગર કામ કરશે. સંસદમાં જે બિલ પાસ કરવા મૂકવાનું હોય છે તે શું છે? અમેરિકાની સરકાર ટેમ્પરરી ફંડીંગ બિલ નામનું બિલ સંસદમાં પાસ કરવા મૂકે છે. આ બિલમાં એ હિસાબ-કિતાબ હોય છે કે દેશને ચલાવવા કેટલા રૂપિયા જોઈશે, કોની પાસેથી વ્યાજે લેવાના છે, કેટલું વ્યાજ ચૂકવવું પડશે… એ તમામ બાબતો તેમાં હોય છે. ભારતની જેમ અમેરિકાની સંસદમાં પણ બે ગૃહ છે. જેમાં આપણી રાજ્યસભા જેવા નીચલા ગૃહને સેનેટ કહે છે અને લોકસભા જેવા ઉપલા ગૃહને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ કહે છે. પહેલાં બિલ નીચલા ગૃહ સેનેટમાં જાય છે. જ્યાં આ બિલ પાસ કરવા માટે 60 વોટ જરૂરી છે. પણ બિલના સમર્થનમાં 55 વોટ મળ્યા ને વિરોધમાં 45 વોટ મળ્યા. આ બિલ સેનેટમાં પાસ થયું નહિ એટલે ઉપલા ગૃહમાં પહોંચ્યું નહિ. બિલ પાસ ન થાય એટલે અમેરિકાની સરકાર દુનિયામાંથી કોઈ પાસેથી ઉધાર પૈસા લઈ શકે નહિ અને દેશ ચલાવી શકે નહિ. ટેમ્પરરી ફંડીંગ બિલ સંસદમાં પાસ કેમ ન થયું? અમેરિકામાં બે મુખ્ય પોલિટિકલ પાર્ટી છે. રિપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટી. આ પાર્ટીઓમાં હેલ્થકેરના મામલે મતભેદ છે. આ મતભેદના કારણે જ સંસદમાં ટેમ્પરરિ ફંડિંગ બિલ પાસ થયું નહિ. ડેમોક્રેટ્સ ઈચ્છે છે કે હેલ્થકેર પરની સબસિડી વધારવામાં આવે. પણ રિપબ્લિકન આનો વિરોધ કરેછે. આ જ મુદ્દે ડેમોક્રેટ્સે ફંડીંગ બિલનો વિરોધ કર્યો છે. 29 સપ્ટેમ્બરે વાતચીત કરવા બંને પાર્ટીએ બેઠક કરી પણ કોઈ નિષ્કર્ષ નીકળ્યો નહિ. આના કારણે બિલ અટકી પડ્યું. અમેરિકાને ચલાવવા પૈસા ખાલી થઈ ગયા ને દેશમાં શટડાઉન કરવાની ફરજ પડી. અમેરિકામાં ક્યારે, કેટલા દિવસનું શટડાઉન થયું હતું? અમેરિકામાં છેલ્લા 50 વર્ષમાં 20 વખત આ પ્રકારના શટડાઉન થઈ ચૂક્યા છે. 1980ના દાયકામાં રોનાલ્ડ રીગનના કાર્યકાળમાં 8 વાર શટડાઉન થયું હતું. ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં ત્રણ વખત શટડાઉન થયા હતા. જેમાં ડિસેમ્બર 2018માં 35 દિવસ માટે સૌથી લાંબું શટડાઉન પણ ટ્રમ્પના કાર્યકાળમાં જ થયું હતું. આ પહેલાં જાન્યુઆરી 2018માં માત્ર ત્રણ દિવસનું શટડાઉન હતું તો ફેબ્રુઆરીમાં પણ અઠવાડિયાં માટે શટડાઉન થયું હતું. બિલક્લિન્ટનના કાર્યકાળમાં ડિસેમ્બર 1995થી જાન્યુઆરી 1996 સુધી 21 દિવસનું શટડાઉન હતું. ઓબામા રાષ્ટ્રપતિ હતા ત્યારે ઓક્ટોબર 2013માં 16 દિવસનું શટડાઉન થયું હતું. USમાં ક્યારે, કેટલા દિવસનું શટડાઉન? એરલાઈન્સ સેક્ટરને શટડાઉનની સૌથી ખરાબ અસર CNNના રિપોર્ટ મુજબ, એર ટ્રાફિક કંટ્રોલર શટડાઉનની સૌથી ખરાબ અસરનો સામનો કરી રહ્યા છે. તેમને મહત્વના કર્મચારી ગણવામાં આવે છે છતાં તેમને સતત કામ કરવાની ફરજ પાડવામાં આવી છે અને પગાર મળતો નથી. પગાર ન મળવાના કારણે ઘર ચલાવવા માટે એર કંટ્રોલરો સંઘર્ષ કરી રહ્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ઘણા કંટ્રોલરોને તેમની નિયમિત શિફ્ટ પછી બીજી નોકરી લેવાની ફરજ પડી રહી છે. તેઓ ટેક્સી ચલાવી રહ્યા છે, ડિલિવરી બોયનું કામ કરે છે. અથવા રેસ્ટોરન્ટમાં વેઈટર બનીને કામ કરે છે. એર ટ્રાફિક કંટ્રોલરો રોજની બેથી ત્રણ કલાકની ઊંઘ માંડ કરી શકે છે. આ પણ જાખમી છે. આની અસર એ થઈ કે સ્ટાફના અભાવે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં 23 હજાર ફ્લાઈટ મોડી પડી હતી. શટડાઉન લાંબુ ચાલશે તો પરિણામ વિનાશક આવશે 1 ઓક્ટોબરથી અમેરિકામાં શટડાઉન છે. એટલે 23 દિવસ તો થઈ ગયા છે. આના કારણે અમેરિકાના કરોડો લોકોની નિંદર ઊડી ગઈ છે. ટ્રમ્પના આર્થિક સલાહકારોએ ભય વ્યક્ત કર્યો છે કે શટડાઉન લાંબુ ચાલશે તો પરિણામ વિનાશકારી હશે. વ્હાઈટ હાઉસના મેમો મુજબ જો શટડાઉન ચાલુ રહે છે તો અમેરિકાની જીડીપીને દર અઠવાડિયે 15 અબજ ડોલરનું નુકસાન થશે. શટડાઉન એક મહિના સુધી ચાલશે તો અમેરિકાના 43 હજાર લોકો એક ઝાટકે બેરોજગાર બની જશે. ટ્રમ્પ સરકારના કાઉન્સિલ્સ ઓફ ઈકોનોમિક એડવાઈઝર્સના રિપોર્ટમાં કહેવાયું છે કે એક મહિનાના શટડાઉનથી ખરીદ શક્તિ ઘટશે અને તેમાં 30 અબજ ડોલરની ઘટ થશે. આની અસર અમેરિકાન માર્કેટના તમામ સેક્ટરમાં થશે. શટડાઉનની સૌથી ખરાબ છતાં અદ્રશ્ય અસર આર્થિક ડેટા પર થશે. તેના કારણે અમેરિકાનો રોજગાર રિપોર્ટ અને જીડીપીના આંકડા સામે નહિ આવી શકે. આ ડેટા વગર રોકાણકારો રોકાણ નહિ કરી શકે અને સરકાર પણ કોઈ નીતિગત નિર્ણયો નહિ લઈ શકે. આનાથી માર્કેટમાં અનિશ્ચિતતા વધશે. રાજનીતિના દાવપેચ અને ટેરિફ નીતિ શટડાઉનના કારણે ટ્રમ્પની નીતિ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. આંકડા એવું કહે છે કે સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રાઈવેટ સેક્ટરમાંથી 32 હજાર લોકોએ નોકરી ગુમાવી છે. ટ્ર્મ્પ સરકાર શટડાઉન માટે ડેમોક્રેટિક પાર્ટીને જવાબદાર ઠેરવે છે. શટડાઉન એક પ્રક્રિયા નથી પણ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા માટે ચેતાવણી છે. શટડાઉન એક જ શરતે ખતમ થશે કે સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ બંને ગૃહમાં બિલ પાસ થાય. પછી રાષ્ટ્રપતિ આ બિલ પર સહી કરીને કાયદો બનાવે છે. રાષ્ટ્રપતિ એકલા આ શટડાઉન ખતમ કરી શકતા નથી. શટડાઉન થવાથી શું શું અસર થઈ MAGAનું સૂત્ર એકબાજુએ રહી ગયું ટ્રમ્પ દુનિયાભરના દેશો પર ટેરિફ લગાવીને મેક અમેરિકા ગ્રેટ અગેઈનનો ઢોલ પીટે છે પણ આજે ટ્રમ્પની નીતિના કારણે અમેરિકાની આર્થિક હાલત ખરાબ છે. અમેરિકામાં મોંઘવારી વધી છે. અર્થ વ્યવસ્થાનો રેટ ધીમો છે અને દુનિયામાં સૌથી વધારે દેવું અમેરિકા પર છે. આખી દુનિયાના દેશો પર જેટલું દેવું છે તેના 35% એકલા અમેરિકા પર છે. 35% એટલે 3200 લાખ કરોડ રૂપિયા !! અમેરિકા પર દેવું વધતું જ ગયું 23 દિવસના બંધની અસર શટડાઉનથી ટ્રમ્પને ફાયદો કે નુકસાન? શટડાઉન દરમિયાન ટ્રમ્પ સરકારની ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ (OMB) શું ચાલુ રાખવું ને શું બંધ, તે નક્કી કરે છે. આનાથી તેઓ શિક્ષણ, પર્યાવરણ અને આરોગ્ય સબસિડીને ઓછી કરી શકે છે. જ્યારે ડિફેન્સ અને ઇમિગ્રેશનને આવશ્યક ગણાવી શકે છે. ટ્રમ્પે પોતે કહ્યું છે કે શટડાઉનથી ઘણા પોઝિટિવ રિઝલ્ટ આવશે. શટડાઉનથી લાખો લોકોએ નોકરી છોડવી પડી શકે છે. 2025 સુધીમાં 3 લાખ ફેડરલ નોકરીઓમાં કાપ મૂકવામાં આવ્યો છે. આ ટ્રમ્પની નીતિનો એક ભાગ છે. ટ્રમ્પ આનો ઉપયોગ ડેમોક્રેટ્સ પર દોષ ઢોળવા માટે કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસે ફેડરલ એજન્સીઓને આદેશ આપ્યો છે કે આ બધા માટે ડેમોક્રેટ્સને જવાબદાર ઠેરવો. ટૂંકા ગાળાના શટડાઉનથી ટ્રમ્પને તેમના એજન્ડાને આગળ વધારીને વધુ ફાયદો થશે, પરંતુ લાંબા ગાળાના શટડાઉનથી આર્થિક નુકસાનને કારણે તેમની છબીને નુકસાન થઈ શકે છે. છેલ્લે, અમેરિકામાં આટઆટલી અંધાધૂંધી છે. લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. અમેરિકનોને જીવવું દુષ્કર બની રહ્યું છે તો પણ ટ્રમ્પની તંગડી ઊંચી ને ઊંચી રહે છે. તેમણે પાંચમી વાર એવું કહ્યું છે કે ભારત રશિયા પાસેથી ઓઈલ નહિ ખરીદે. ડિસેમ્બર સુધીમાં તો સાવ બંધ કરી દેશે. ટ્રમ્પ જાતજાતના નિવેદનો કરીને અમેરિકાની મૂળ સમસ્યાથી ધ્યાન ડાયવર્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે પણ ટ્રમ્પ એ ભૂલે છે કે જનતાથી મોટું કોઈ નથી. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચઃ યશપાલ બક્ષી)
Read more

← Back to Home