Gujarati News

વૃદ્ધ દંપતી પર હુમલો:ચાર શખ્સોએ ઘરમાં ઘૂસી માર મારી ધમકી આપી

Published: October 23, 2025 • Language: English

ભાવનગર શહેરના નવા બંદર રોડ પર રહેતા વૃદ્ધ દંપતી ને ચાર શખ્સોએ ઘરમાં ઘૂસીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે વૃદ્ધાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ નવાબંદર રોડ ફાટ પાસે, રામાપીરના મંદિર પાસે રહેતા 55 વર્ષીય નાનીબેન પાંચાભાઈ ગોહેલે ફરિયાદ નોંધાવી હતી કે, ગત 22 ઓક્ટોબરના રોજ સાંજે સાડા છ વાગ્યાની આસપાસ તેઓ અને તેમના પતિ ઘરમાં હાજર હતા. તે સમયે રાહુલ ઉર્ફે ઓધડ વિનુભાઈ સોલંકી, મેહુલ ઉર્ફે મેદો ચાંગુભાઈ ઝખવાડીયા, મંગુબેન ઉર્ફે ગુડીબેન વિનુભાઈ સોલંકી અને પરબત બાબુભાઈ વિસાડીયા તેમના ઘરે આવ્યા હતા. આ ચારેય શખ્સોએ નાનીબેનને પૂછ્યું હતું કે, “તમે સોનલબેનને અમારા વિરુદ્ધ શા માટે ચડાવો છો?” નાનીબેને આ વાતનો ઇનકાર કરતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે નાનીબેન અને તેમના પતિને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ ઉપરાંત, ઘરમાં રહેલો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા. સોનલબેન નાનીબેનના બહેનના દીકરાની પત્ની છે અને અગાઉ નાનીબેનના ઘર પાસે રહેતા હતા, પરંતુ હાલ ધોધા ખાતે રહે છે. આ ચારેય આરોપીઓ સોનલબેનના સંબંધી હોવાથી નાનીબેન તેમને ઓળખતા હતા. ઘટના બાદ નાનીબેને તેમના દીકરા સુરેશભાઈ, વહુ મંજુલાબેન અને ભાણીયા કિશનભાઈને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ આજે તેમણે આ ચારેય શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read more

← Back to Home