Union Budget 2026: ડિઝાઇન ક્ષેત્રે ભારતની મોટી છલાંગ, NID સાથે દેશમાં શિક્ષણ અને નારીશક્તિનો થશે સૂર્યોદય
નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2026-27ના બજેટમાં દેશના શૈક્ષણિક અને વ્યવસાયિક માળખાને આધુનિક બનાવવાની દિશામાં અનેક ક્રાંતિકારી જાહેરાતો કરી છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી, મહિલા સશક્તિકરણ અને નાના ઉદ્યોગોને એકસાથે મજબૂત કરવાનો છે.
ડિઝાઇન ક્ષેત્રે નવી ક્રાંતિ: પૂર્વી ભારતમાં નવી NID
ભારતીય ડિઝાઇન ઉદ્યોગમાં કુશળ વ્યાવસાયિકોની વધતી જતી માંગને પહોંચી વળવા માટે, સરકારે પૂર્વી ભારતમાં નવી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) સ્થાપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, રાજ્યોને પાંચ નવી યુનિવર્સિટીઓ સ્થાપવામાં કેન્દ્ર સરકાર આર્થિક અને તકનીકી સહાય પૂરી પાડશે. ઉચ્ચ શિક્ષણમાં ખાસ કરીને STEM સંસ્થાઓના વિકાસ પર ભાર મુકાયો છે.
નારીશક્તિ અને સુરક્ષા પર ભાર
મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવેથી દેશના દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે. આ સુવિધા ખાસ કરીને STEM ક્ષેત્રમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જે તેમને સુરક્ષિત અને સુલભ રહેઠાણ પૂરું પાડીને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરશે.
MSME માટે ‘કોર્પોરેટ મિત્ર’ અને આધુનિક તાલીમ
નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ને કાયદાકીય જટિલતાઓમાંથી મુક્તિ અપાવવા માટે, સરકાર ICAI અને ICSI જેવી સંસ્થાઓના સહયોગથી ટૂંકા ગાળાના કોર્સ શરૂ કરશે. તેના દ્વારા ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં ‘કોર્પોરેટ મિત્રો’ ની નવી કેડર તૈયાર થશે. આ પેરાપ્રોફેશનલ્સ નાના ઉદ્યોગોને ઓછી કિંમતે કમ્પ્લાયન્સ પૂર્ણ કરવામાં મદદ કરશે.
ટેકનોલોજી અને પર્યટનનું ફ્યુઝન
વિજ્ઞાન અને સ્પેસ રિસર્ચ માટે એસ્ટ્રોફિઝિક્સ સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરાશે. પર્યટન ક્ષેત્રે રોજગારી વધારવા માટે હોટેલ મેનેજમેન્ટ સંસ્થાઓ અને IIM ના સહયોગથી ટ્રેનિંગ પ્રોગ્રામ્સ વિકસાવવામાં આવશે. નાણામંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. સબકા સાથ, સબકા વિકાસ ના મંત્ર સાથે રજૂ થયેલું આ બજેટ ગરીબો, ખેડૂતો અને યુવાનોને કેન્દ્રમાં રાખે છે. આત્મનિર્ભર ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે જાહેર રોકાણ અને રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ Union Budget 2026: બજેટમાં ઇન્કમટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર નહીં
