144 દિવસથી તાપી પરનો કોઝવે ટૂંક સમયમાં ખુલશે:સપાટી ભયજનકથી નીચે, વાહનવ્યવહાર ચાલુ થતા રાંદેર અને કતારગામના લોકોને રાહત થશે
આ વર્ષે ઉપરવાસમાં સતત વરસાદના પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાના લઈને સુરતનો એકમાત્ર કોઝવે છેલ્લા 144 દિવસથી વાહન વ્યવહાર માટે બંધ છે. હાલ કોઝવે ખાતે તાપી નદીને સપાટી ભયજનક 6 મીટરથી નીચે જતા ટૂંક સમયમાં જ કોઝવેને વાહન વ્યવહાર માટે ખોલવામાં આવે તેવી શક્યતા છે. જેથી રાંદેર અને કતારગામના લોકોને એક થી દોઢ કિલોમીટરનો ફેરાવો લેવામાંથી રાહત મળશે. 20 નવેમ્બરે ઉકાઈ ડેમની સપાટી 344.57 ફૂટ
દક્ષિણ ગુજરાતની જીવનદોરી ગણાતો ઉકાઈ ડેમ આ વર્ષે પણ છલોછલ ભરાઇ ગયો છે. 1 નવેમ્બર 2025થી ડેમની સપાટી 345 ફૂટ નોંધાઈ છે, જે ભયજનક 345 ફૂટની સપાટી છે. હાલ પણ ઉકાઈ ડેમની અંદર 6000 ક્યુસેકથી વધુ પાણી આવી રહ્યું છે અને તેટલું જ પાણી છોડી દેવામાં આવી રહ્યું છે. 20 નવેમ્બર 2025 આજની ઉકાઈ ડેમની સપાટી 344.57 ફૂટ છે. ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાવવાના પગલે તાપી નદી પર આવેલા કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે. છેલ્લા ચાર મહિનાથી કોઝવે વાહનવ્યવહાર માટે બંધ
તાપી નદીની સપાટીમાં વધારો થતા સુરતમાં કતારગામ અને રાંદેરને જોડતો કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ જાય છે. 23 જુન ના રોજ તાપી નદીના કોઝવે ખાતેની સપાટી 6 મીટર કે જે ભયજનક છે તેનાથી વધુ થતાં કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સતત એક મહિનો બંધ રહ્યા બાદ કોઝવેને સાત દિવસ માટે ખોલવામાં આવ્યો હતો. જોકે ફરી ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું શરૂઆત કરવામાં આવતા તાપી નદીની સપાટીમાં વધારો થતાં ફરી કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. જેથી સતત છેલ્લા ચાર મહિનાથી કોઝવે વાહન વ્યવહાર માટે બંધ છે. કોઝવે ખાતે પાણીની સપાટી 6 મીટરથી નીચે જતા ટૂંક સમયમાં વાહનો માટે ખોલી દેવાશે
ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરવામાં આવતા હાલ કોઝવે ખાતે પાણીની સપાટી ભયજનક 6 મીટરની સપાટીથી નીચે આવી ગઈ છે. હાલ કોઝવે ખાતે 5.56 મીટર પર પહોંચી ગઈ છે. જેના પગલે ઉપરથી પસાર થતું પાણી બંધ થઈ ગયું છે. જેથી તંત્ર દ્વારા હાલ કોઝવેની બંને તરફ સમારકામ કરવામાં આવી રહ્યું છે અને લોખંડની પાઇપ લગાવવામાં આવી રહી છે. ટૂંક સમયમાં કોઝવે ને વાહન વ્યવહાર માટે ખોલી દેવામાં આવશે. જેથી કતારગામ અને રાંદેરના લોકોને એકથી દોઢ કિલોમીટરનો ફેરાવામાંથી રાહત મળશે.
