માથાકૂટમાં પથ્થરમારાથી યુવકનું મોત:ભાવનગરમાં બે શખ્સોના ઝઘડામાં નિર્દોષ વસીમભાઈને ઈજા થતાં મૃત્યુ
ત્રણ દિવસ પહેલા શહેરના વડવા નેરા પાસે બે શખ્સો વચ્ચે થયેલી માથાકૂટ દરમિયાન પથ્થરમારામાં નિર્દોષ યુવક વસીમભાઈ ઝાકાને માથાના ભાગે ગંભીર ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગત મોડીરાત્રે સારવાર દરમિયાન તેનું મોત નિપજતા ગુન્હો હત્યામાં પરિણમ્યો હતો, આ બનાવ અંગે નીલમબાગ પોલીસે મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદી ફેઝલ રઝાકભાઈ ઝાકા ઉ.વ.25, રહે.વડવા નેરા, ભાવનગર વાળાએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.16 નવેમ્બરની રાત્રે લગભગ 10:30 વાગ્યે તેમના ભાઈ વસીમ વડવા નેરાથી વિજય ટોકીઝ તરફ ચાલીને જઈ રહ્યા હતા. બાવાગોર ચોક અને વડવા નેરા વચ્ચે અદનાન ઉર્ફે બાદશાહ અસ્લમભાઈ મકવા અને અલબક્ષ ઉર્ફે અબો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. આ ઝઘડા દરમિયાન અદનાન ઉર્ફે બાદશાહે શેરીમાં પડેલો એક મોટો પથ્થર ઉઠાવીને ફેંક્યો હતો. આ પથ્થર સીધો વસીમના માથામાં વાગ્યો હતો, જેના કારણે તેઓ બેભાન થઈને પડી ગયા હતા અને તેમના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આસપાસના લોકો ભેગા થતાં શહેઝાદ ઝાંકા અને નદીમ ઝાકા તેમને મોટરસાયકલ પર સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતા. સરકારી દવાખાનામાં વસીમની ટ્રોમા સેન્ટરમાં પ્રાથમિક સારવાર કરાયા બાદ તેમને જૂના બિલ્ડીંગના બીજા માળે આવેલા ICU વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. માથામાં ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર માટે તેમને મેરૂ નર્સિંગ હોમ હોસ્પિટલમાં બે દિવસ રાખવામાં આવ્યા. ત્યારબાદ 18 નવેમ્બર 2025ના રોજ સાંજે તેમને બજરંગદાસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 19 નવેમ્બર 2025ના રોજ રાત્રે લગભગ 10 વાગ્યે ફરજ પરના ડોકટરે વસીમને મૃત જાહેર કર્યા હતા. ફરિયાદી ફેઝલભાઈએ જણાવ્યું કે, શરૂઆતમાં ઈજાના કારણે ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી, પરંતુ ભાઈના અવસાન બાદ આજે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
