અંજારમાં અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી:વીજ ચોરી, હથિયારધારા, NDPS કેસમાં કડક પગલાં લેવાયા
અંજાર પોલીસે છેલ્લા 30 વર્ષથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આવા ઈસમોની યાદી તૈયાર કરીને તેમના ડોઝિયર્સ ભર્યા છે અને તેમની વર્તમાન પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત, અંજાર પોલીસ વિભાગે હથિયારધારા, એન.ડી.પી.એસ. એક્ટ, બનાવટી ચલણી નોટો અને પેટ્રોલિયમ ધારા સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોના રહેણાંક અને આશ્રય સ્થાનોની તપાસ કરી હતી. તેમની નોકરી, ધંધો અને અન્ય પ્રવૃત્તિઓની પણ ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન, વિજય કરશન ગઢવી (રહે. વિજયનગર, અંજાર) ના કબજા ભોગવટાના મકાનમાં ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યું હતું. પી.જી.વી.સી.એલ. ટીમ સાથે રાખીને આ વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું અને રૂપિયા 20,10,000ની કાર્યવાહી કરવામાં આવી હતી. તેવી જ રીતે, રામ કરશન ગઢવી (રહે. વિજયનગર, અંજાર) ના મકાનમાં પણ ગેરકાયદેસર વીજ જોડાણ પકડાયું હતું. પી.જી.વી.સી.એલ. ટીમની મદદથી વીજ કનેક્શન કાપીને રૂપિયા 10,000ની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત, હથિયારધારાના 10 કેસ અને એન.ડી.પી.એસ. એક્ટના 10 ગુના સહિત બનાવટી ચલણી નોટો અને પેટ્રોલિયમ ધારાના ગુનાઓમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને રૂબરૂ ચેક કરીને તેમની વર્તમાન પ્રવૃત્તિઓ અંગે તપાસ કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલ અને અંજાર પોલીસ કર્મચારીઓ દ્વારા પાર પાડવામાં આવી હતી.
