Divya Bhaskar Gujarat

સ્કૂલમાં મોડા આવનાર વિદ્યાર્થીઓને બહાર બેસાડી રાખવાનો મામલો:વાલીઓની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત, કહ્યું- 'જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરો'

Published: November 20, 2025 • Language: English

આણંદ જિલ્લાના ખંભાત ગામમાં પાંચ હાટડી વિસ્તારમાં રહેતાં અનવરહુસેન હુસેનમીયા મલેકની પુત્રી અને ભત્રીજો ગામમાં જ આવેલ એસ.બી વકીલ ઇંગ્લીશ મીડીયમ હાઇસ્કુલમાં અભ્યાસ કરે છે. અનવરહુસેન ગતરોજ સવારે સાડા સાત વાગ્યાના અરસામાં પોતાની પુત્રી અને ભત્રીજાને સ્કૂલે મુકવા ગયાં હતાં. તે વખતે શાળામાં પ્રાર્થના ચાલુ થઈ ગઈ હતી. જેથી સ્કૂલના સંચાલકોએ અનવરહુસેનની પુત્રી અને ભત્રીજાને વર્ગખંડમાં પ્રવેશવા દીધા ન હતા અને મોડા આવનાર અન્ય વિદ્યાર્થીઓ સાથે આ બંનેને પણ કડકડતી ઠંડીમાં બહાર ખુલ્લામાં બેસાડી રાખ્યા હતાં. પોતાના બાળકોને બહાર ખુલ્લામાં બેસાડી રાખ્યા હોવા અંગેની જાણ અનવરહુસેનને થતા તેઓ સ્કૂલે ગયા હતા અને પ્રિન્સિપાલ તેમજ સ્કૂલના સંચાલકોને આવું ન કરવા જણાવ્યું હતું. દરમિયાન સ્કૂલના પ્રિન્સિપાલ એકાએક ઉશ્કેરાઈ જઈ ગમેતેમ બોલવા લાગ્યાં હતાં. જેથી અનવરહુસેનએ પોતાનો મોબાઈલ કાઢી વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. ત્યારે પ્રિન્સિપાલે અનવરહુસેનનો મોબાઈલ છીનવી લીધો હતો અને હવે તારી છોકરી-ભત્રીજાનું શું થાય છે તે જોઈ લેજે તેવી ધમકીઓ આપી હતી. આ અંગે અનવરહુસેન અને તેમના પરિવારજનો આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે અને પ્રિન્સિપાલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી છે. પ્રિન્સિપાલે અભદ્ર વર્તન કરી મારો મોબાઇલ લઈ લીધો:વાલી
આ અંગે અનવરહુસેન જણાવે છે કે, મારી પુત્રી અને ભત્રીજો આજે સ્કૂલમાં થોડા મોડા પહોંચ્યાં, તો પ્રિન્સિપાલ મંજરીબેન નિખિલ ગોરડીયાએ તેઓને 17 ડિગ્રી ઠંડીમાં આખો દિવસ ક્લાસની બહાર ખુલ્લી જગ્યામાં બેસાડી રાખ્યાં. આ બાબતે હું મેડમને રજૂઆત કરવા ગયો હતો તેઓએ મારી સાથે અભદ્ર વર્તન કર્યું અને મારો મોબાઇલ પણ લઈ લીધો. શોકોઝ નોટીસ આપવામાં આવી છે:જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉ.અર્ચનાબેન પ્રજાપતિ જણાવે છે કે, આ અંગેની રજૂઆત સંદર્ભે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તે શાળાની મુલાકાત લીધી છે. આ બાબતે શોકોઝ નોટીસ આપી દેવામાં આવી છે અને જવાબદાર સામે પગલાં પણ લેવામાં આવશે. ઠંડીમાં બાળકોને આવી રીતે બહાર બેસાડી રાખવા તે યોગ્ય નથી.

Read more

← Back to Home