દહેગામના શિયાવાડામાં શ્રેષ્ઠ આરોગ્ય સેવા:આરોગ્ય સહિતની 12 સેવામાં 92.27% ગુણ સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ રાષ્ટ્રીય ક્વોલિટી એક્રિડિટેશન મળ્યું
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સુવિધાઓમાં એક નવું મોર પિચ્છ ઉમેરાયું છે. દહેગામ તાલુકાના શિયાવાડા આયુષ્માન આરોગ્ય પેટા કેન્દ્રને ભારત સરકાર દ્વારા ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડનું રાષ્ટ્રીય એક્રિડિટેશન એનાયત કરવામાં આવ્યું છે. આરોગ્ય સહિતની 12 સેવામાં 92.27 ટકા ગુણ સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન રાષ્ટ્રીય ક્વોલિટી એક્રિડિટેશન આપવામાં આવ્યું છે. આયુષ્માન આરોગ્ય મંદિર શિયાવાડાએ રાષ્ટ્રીય કક્ષાના આ મૂલ્યાંકનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા કુલ 92.27 % ગુણ પ્રાપ્ત કર્યા છે. ભારત સરકારના આરોગ્ય વિભાગની બે સભ્યોની ટીમે ગત 27 ઓક્ટોબરના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી કેન્દ્રની કામગીરીનું ઝીણવટભર્યું અવલોકન કર્યું હતું. શિયાવાડા કેન્દ્રની કામગીરીનું ઓપીડી, રસીકરણ, કુટુંબ કલ્યાણ, OEEE, EMPNS, એનસીડી (NCD – બિનચેપી રોગો) તથા અન્ય એમ કુલ 12 પ્રકારની સેવાઓના સર્વિસ પેકેજમાં સુક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રને આ સફળતા મળી છે. શિયાવાડા પેટા આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનો ક્વોલિટી સર્ટિફિકેશન પ્રાપ્ત થવા બદલ કેન્દ્ર સરકાર તરફથી આગામી ત્રણ વર્ષ માટે રૂપિયા 2 લાખ 18 હજારની ગ્રાન્ટ મળવા પાત્ર થશે. આ ગ્રાન્ટ કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા સતત જાળવી રાખવામાં મદદરૂપ થશે.કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એન.કયુ.એ.એસ. અંતર્ગત દેશભરના આરોગ્ય કેન્દ્રોની ગુણવત્તાલક્ષી ચકાસણી કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં સ્વચ્છતા અને ગુણવત્તાલક્ષી કામગીરીના આધારે ગુણાંક આપી રાષ્ટ્રીય માન્યતા એનાયત કરવામાં આવે છે. શિયાવાડા પેટા કેન્દ્રને આ માન્યતા મળતા ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય આરોગ્ય માળખા માટે ગૌરવની લાગણી જન્મી છે.
