પોલીસે સમીર શાહ સહિત 5નાં નિવેદન લીધાં:સમીર શાહ સામે ડ્રિન્ક ડ્રાઈવનો કેસ થશે, ઘરે દારૂ પી સેલ્ફ ડ્રાઈવ કરી પાર્ટીમાં ગયા હોવાની પત્નીની કેફીયત
નામચીન ઉદ્યોગપતિ અને IPS અધિકારીઓ સાથે ઘરોબો ધરાવતો સમીર શાહ દારૂ પીને ઘરેથી મિત્ર યતીન ભક્તાની કાર ચલાવીને વેસુ કેનાલ રોડના અંતરવન રેસ્ટોરાંમાં આવ્યો હોવાની વાત ખુદ તેની પત્ની હેતલ શાહે પોલીસના નિવેદનમાં લખાવી છે. પોલીસે સમીર શાહના કૂક, તેના મિત્ર તેમજ વોલેટ પાર્કિંગમાં કામ કરતા કર્મચારીનાં નિવેદનો લીધાં હતાં. તમામનાં નિવેદનોમાં સમીર કાર ચલાવતો હોવાની વાત સામે આવી છે છતાં પોલીસે રોડ પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી રહી છે, જેથી કોર્ટમાં કેસ મજબૂત બની શકે. પોલીસે જણાવ્યું કે કારમાં સમીર, તેની પત્ની અને કૂક એમ 3 જણા રેસ્ટોરાં ગયા હતા. હાલમાં પોલીસે સમીરની પત્ની, કૂક, ગાડીનો માલિક અને તેનો મિત્ર યતીન ભક્તા, વોલેટ પાર્કિંગના કર્મચારી તેમજ સમીર સહિત 5 જણાનાં નિવેદનો લીધાં છે. આગામી દિવસોમાં સમીર સામે ડ્રિંક એન્ડ ડ્રાઇવની એમવી એક્ટની 185 મુજબની કલમ ઉમેરો થઈ શકે છે. શરૂઆતમાં પોલીસ સમક્ષ સમીરે એવું રટણ કર્યું હતું કે તેણે અને પત્નીએ ઘરે પરમિટનો દારૂ પીધો હતો. ત્યાર બાદ પત્ની સાથે ભાડેથી કાર મંગાવી તેમાં બેસીને વેસુ કેનાલ રોડ પરના રેસ્ટોરાંમાં બર્થ ડે પાર્ટીમાં ગયો હતો. થોડા દિવસો પહેલાં સમીર શાહ, તેની પત્ની અને દીકરાના બ્લ઼ડ સેમ્પલમાં આલ્કોહોલનો ટેસ્ટ પોઝિટિવ આવતાં અલથાણ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ત્યાર બાદ સમીર શાહે પોતાની અને પત્નીની આલ્કોહોલની પરમિટ રજૂ કરી હતી, જેના કારણે પોલીસે બંનેને નોટિસ આપીને જવા દીધા હતા. કેસ ઉચ્ચ અધિકારી પાસે જતાં ધરપકડ શક્ય બની
વેસુમાં કે.એસ.અંતરવન રેસ્ટોરાં પાસે પાર્ક કરેલી કારમાંથી દારૂની બોટલો મળવાની ઘટનામાં 17 ઓકટોબરે સમીર શાહના પુત્રએ પીએસઆઈ સાથે ઝપાઝપી કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો. શરૂઆતમાં પોલીસનું ઢીલું વલણ હોવાથી આ મામલો ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચ્યો હતો. પછી પોલીસે સમીર શાહ અને તેના પુત્ર સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી. સમીર શાહના પુત્રનો પોલીસે વરઘોડો પણ કાઢ્યો હતો. 17 ઓકટોબરે સમીર શાહના જન્મદિવસની પાર્ટી આ રેસ્ટોરન્ટમાં રાખી હતી, જેમાં 200થી વધુ મહેમાનો પણ આવ્યા હતા. ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની કલમ માટે પોલીસની કોર્ટમાં અરજી, કોર્ટે કહ્યું પુરાવા લાવો
પોલીસ કોર્ટમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની કલમ ઉમેરાવવા માટે ગઈ હતી. જો કે, કોર્ટે અરજીની સાથે પુરાવા જોડીને આવવા માટે પોલીસને કહ્યું હતું. બચાવ પક્ષે એડવોકેટ કેતન રેશમવાલા હાજર રહ્યા હતા.
