જામનગર સ્ટેન્ડિંગ કમિટીએ રૂ. 6.88 કરોડના કામો મંજૂર કર્યા:2121 ચો.મી. જમીન વેચાણથી રૂ. 13.40 કરોડની આવક થશે
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે બપોરે મળી હતી. આ બેઠકમાં કુલ રૂ. 6.88 કરોડના જુદા-જુદા વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, 2121 ચોરસ મીટર જમીનના વેચાણથી રૂ. 13.40 કરોડની આવક થવાનો અંદાજ છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં કુલ 12 સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા અને સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સમયે જામનગર સિટી ક્લીન એર એક્શન પ્લાન બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. શહેરના જુદા જુદા વિસ્તારોમાં બોર કરીને સબમર્સિબલ પમ્પ ફીટ કરવા (2 વર્ષ માટે)ના કામ અંગે કમિશનરની રજૂ થયેલી દરખાસ્તને પેન્ડિંગ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બેઠકમાં રણમલ લેક અને ખંભાળિયા ગેટ ખાતે ત્રણ વર્ષ માટે સિક્યોરિટી ગાર્ડ, કમ્પ્યુટર ઓપરેટર અને અન્ય સ્ટાફ માટે રૂ. 18.67 લાખના ખર્ચને મંજૂરી અપાઈ હતી. જ્યુબિલી ગાર્ડનમાં ત્રણ વર્ષ માટે ગાર્ડનિંગ સ્ટાફના બીજા વર્ષના ખર્ચ રૂ. 4.45 લાખને પણ મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, રણમલ લેક, લાખોટા કોઠા મ્યુઝિયમ ખાતે સીસીટીવી, સાઉન્ડ સિસ્ટમ, લાઈટ એન્ડ સાઉન્ડ શો સિસ્ટમનું ઓપરેશન અને મેઈન્ટેનન્સ વર્ક તેમજ પંચેશ્વર ટાવર ક્લોક અને રણમલ લેક ખાતેના લેન્ડસ્કેપ ક્લોકના ઓપરેશન અને મેઈન્ટેનન્સ વર્ક માટે ત્રણ વર્ષનો ખર્ચ રૂ. 27.61 લાખ મંજૂર કરાયો હતો. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તકના વોર્ડ ઓફિસ, ઢોર ડબ્બા તથા શાખા લગત સિવિલ સ્ટ્રેન્થનિંગ અને અપગ્રેડેશન બિલ્ડિંગ વર્કના કામ માટે રૂ. 10 લાખનો ખર્ચ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા તથા એસ્ટેટ શાખા માટે પાંચ લોબેડ ટ્રેલર ખરીદવા માટે રૂ. 38.05 લાખના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની ટી.પી. સ્કીમ નં.–2 (જે.એમ.સી.) ફાઇનલ પ્લોટ નં.-67 પૈકીની 2121 ચોરસ મીટર જગ્યા શ્રીજી ઇન્ફ્રા. (ભાગીદારી પેઢી)ને વેચાણથી આપવા અંગે કમિશનરની રજૂ થયેલી દરખાસ્તને મંજૂર રાખીને ભલામણ સાથે જનરલ બોર્ડમાં મોકલવાનો નિર્ણય લેવાયો હતો. આ જમીનના વેચાણથી મહાનગરપાલિકાને રૂ. 13.40 કરોડની આવક થશે.
