રાંદેરમાં બિનવારસી સુટકેસ મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ:બોમ્બ સ્કવોડે ખોલતા ખાલી સૂટકેસમાં લાલ કલરથી કરાયેલું સ્વસ્તિકનું નિશાન મળ્યું
દેશની રાજધાની દિલ્હીમાં તાજેતરમાં બનેલી કાર બ્લાસ્ટની ઘટનાના પગલે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આ તંગ માહોલ વચ્ચે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક ગણેશ મંદિરની માત્ર 10 મીટરના અંતરે એક બિનવારસી સુટકેસ મળી આવતા શહેર પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, બોમ્બ સ્ક્વોડ દ્વારા તકેદારીપૂર્વક તપાસ કર્યા બાદ સુટકેસમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. કંટ્રોલ રૂમમાં ફોન રણકતા જ પોલીસ એલર્ટ બની
આ ઘટનાક્રમની શરૂઆત આજે સવારે આશરે 11:00 વાગ્યે થઈ હતી. સુરત પોલીસના કંટ્રોલ રૂમને એક કોલ મળ્યો હતો કે રાંદેર વિસ્તારમાં ગણેશ મંદિરની બરાબર સામે સિગ્નલ નજીક એક કાળા રંગની શંકાસ્પદ સુટકેસ લાંબા સમયથી બિનવારસી હાલતમાં પડી છે. ધાર્મિક સ્થળની નજીક અને દેશમાં હાલ પ્રવર્તી રહેલા સુરક્ષાના માહોલને ધ્યાનમાં રાખીને, આ કોલને ગંભીરતાથી લેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસ સ્ટેશનના PI આર. જે. ચૌધરી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. કોઈપણ પ્રકારનું જોખમ ન રહે તે માટે વિસ્તારને કોર્ડન કરીને જાહેર જનતાની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. BDDS અને સ્નિફર ડોગ દ્વારા સઘન તપાસ
સ્થિતિની ગંભીરતાને જોતાં તાત્કાલિક બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને સ્નિફર ડોગ્સની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. તકેદારીપૂર્વક સ્નિફર ડોગ અને BDDS સ્ક્વોડની મદદથી સુટકેસની પ્રાથમિક તપાસ કરવામાં આવી. ત્યારબાદ સુરક્ષાના ભાગરૂપે બેગને અવાવરુ જગ્યાએ લઈ જવામાં આવી હતી, જ્યાં તેને સ્કેન કરીને ખોલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી.આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલીસ અધિકારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે તણાવ જોવા મળ્યો હતો. બેગમાંથી સ્વસ્તિક અને કુમકુમ, શંકાસ્પદ કશું નહીં
લાંબી અને સઘન તપાસ બાદ જ્યારે સુટકેસ ખોલવામાં આવી ત્યારે અંદરથી કોઈપણ વિસ્ફોટક કે શંકાસ્પદ સામગ્રી મળી ન આવતાં પોલીસે હાશકારો અનુભવ્યો હતો. રાંદેર પીઆઇ આર.જે ચૌધરીએ આ મામલે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, બેગમાંથી કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નથી. BDDS સ્ક્વોડ દ્વારા સ્કેનિંગ અને તપાસ પૂર્ણ કરવામાં આવી છે, જેમાં કોઈ જોખમ જણાયું નથી. જોકે, તપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગત પણ સામે આવી હતી. ખાલી સુટકેસની અંદરની બાજુએ લાલ રંગના કુમકુમથી સ્વસ્તિકનું નિશાન બનાવવામાં આવ્યું હતું. આ ધાર્મિક નિશાનને કારણે સુટકેસ કોણે અને શા માટે મૂકી, તે અંગેનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે. સીસીટીવીના આધારે તપાસ શરૂ
હાલમાં રાંદેર પોલીસ દ્વારા આ સુટકેસ કોણે મૂકી હતી, તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ હવે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે, જેથી બેગ મૂકી જનાર વ્યક્તિની ઓળખ થઈ શકે. પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે, જો કોઈ ટીખળખોરીના ઇરાદે કે પછી જાણી જોઈને લોકોમાં ડર ફેલાવવાના હેતુથી આ બેગ મૂકી ગયું હશે, તો તેમની સામે કાયદેસરના કડક પગલાં ભરવામાં આવશે. હાલમાં આ મામલે વધુ તપાસ ચાલુ છે.
