આણંદમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવાશે:14 નવેમ્બરે આદિજાતિ રમતવીરો, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન
રાજ્ય સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ ‘જનજાતિય ગૌરવ વર્ષ’ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. આ અંતર્ગત આણંદ જિલ્લામાં પણ 14 નવેમ્બર, 2025ના રોજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના સુચારુ આયોજન માટે આણંદ કલેકટર કચેરી ખાતે કલેકટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાર્યક્રમના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કલેકટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિની ઉજવણી અમૂલ ડેરી ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના આદિજાતિ સમાજના રમતવીરો અને તેજસ્વી વિદ્યાર્થીઓ સહિતના વિશેષ વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવશે. તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓને સોંપવામાં આવેલી ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સૂચના આપી હતી. આણંદ જિલ્લામાં રહેતા જનજાતિય સમાજના લોકોને આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે. ઉજવણીના ભાગરૂપે, કોલેજો ખાતે ભગવાન બિરસા મુંડાજીના જીવનચરિત્ર પર વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવશે. આ ઉપરાંત, વક્તાઓ દ્વારા તેમના જીવન અને યોગદાન પર પ્રવચનો પણ આપવામાં આવશે. આ બેઠકમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેકટર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
