Gujarati News

'વંદેમાતરમ'ના 150 વર્ષ પૂર્ણ:અમદાવાદની એચ.એ. કોલેજમાં વંદે માતરમ ગીતની ઐતિહાસિકતા પર વક્તવ્ય યોજાયું, વિદ્યાર્થીઓએ શપથ લીધા

Published: November 12, 2025 • Language: English

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા ‘વંદેમાતરમ્’ ગીતને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે ગીતના મહત્વ વિશે વાત કરી હતી. પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત આ ગીત સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન એક શક્તિશાળી સૂત્ર બન્યું હતું. સાહિત્યના નોબેલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોરે પણ આ ગીતની પ્રશંસા કરી હતી. આઝાદીની ચળવળમાં ‘વંદેમાતરમ્’ રાષ્ટ્ર ચેતનાનું પ્રતીક બની ગયું હતું અને અંગ્રેજોના અત્યાચાર સામે સ્વાતંત્ર્ય સેનાનીઓને જુસ્સો પૂરો પાડતું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બાલ ગંગાધર તિલક અને શ્રી અરવિંદ ઘોષે આ ગીતને રાષ્ટ્ર મંત્ર અને રાષ્ટ્રીય પ્રાર્થનાનો દરજ્જો આપ્યો હતો. મહાત્મા ગાંધીએ પણ ‘વંદેમાતરમ્’ને રાષ્ટ્રગીત તરીકે અપનાવ્યું હતું. બંકિમચંદ્રએ તેમની નવલકથા ‘આનંદમઠ’માં આ ગીત રજૂ કર્યું હતું, જેનો ઉદ્દેશ 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સાધુ-સંતોના યોગદાનને દર્શાવવાનો હતો. આ ગીત રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રચેતના અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરે છે. કાર્યક્રમના અંતે, કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા. શપથમાં કહેવામાં આવ્યું હતું કે, “હું મારી માતૃભૂમિ ભારતને હૃદયપૂર્વક નમન કરી દેશની એકતા, અખંડિતતા તથા સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ રહીશ.” આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Read more

← Back to Home