7.26 લાખની છેતરપિંડી કરનાર સેલ્સમેનની ધરપકડ:નવસારી LCBએ ભેંસતખાડા વિસ્તારમાંથી આરોપીને ઉઠાવ્યો, નકલી બિલ બનાવી 56 મોબાઈલ ફોન પડાવ્યા હતા
નવસારીમાં એક મોબાઈલ ડિસ્ટ્રીબ્યુટર સાથે રૂ. 7.26 લાખની છેતરપિંડીના કેસમાં પોલીસે એક સેલ્સમેનની ધરપકડ કરી છે. સેલ્સમેને નકલી બિલ બનાવી 56 મોબાઈલ ફોન પડાવી લીધા હતા. નવસારી એલસીબીએ આરોપી જેકી લક્ષ્મણભાઈ ધનવાણીને ભેંસતખાડા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. શ્યામ સેલ્યુલરના ડિસ્ટ્રીબ્યુટર રામચંદ્ર દાસભાઈ બુધાણીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ મુજબ, તેમના વિશ્વાસુ સેલ્સમેન જેકી ધનવાણીએ ‘હેપ્પી મોબાઈલ’ નામની દુકાનના નામે નકલી બિલ બનાવી કુલ 56 મોબાઈલ ફોન લઈ રૂ. 7,26,664/- ની છેતરપિંડી આચરી હતી. રામચંદ્ર બુધાણી નવસારીના છાપરા રોડ પર તુલસીવન સોસાયટીમાં રહે છે અને વર્ષ 2008થી ‘શ્યામ સેલ્યુલર’ નામે રિયલમી કંપનીના મોબાઈલનો નવસારી અને ડાંગ-આહવા જિલ્લામાં ડિસ્ટ્રીબ્યુટરશીપનો ધંધો ચલાવે છે. આરોપી જેકી લક્ષ્મણભાઈ ધનવાણી છેલ્લા દોઢ વર્ષથી બુધાણીના ત્યાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો. તેણે ફરિયાદીનો વિશ્વાસ જીતીને આ છેતરપિંડી કરી હતી. ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ એલસીબીએ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, હેપ્પી મોબાઈલ દ્વારા રિયલમી 15T 5G મોડેલના મોબાઈલની ખરીદી બાબતે પૂછપરછ કરતા ખોટી બિલીંગ સામે આવી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે જેકી ધનવાણીએ હેપ્પી મોબાઈલના નામે કુલ 56 મોબાઈલ ફોનના નકલી બિલ બનાવી તે મોબાઈલ પોતાની પાસે રાખી લીધા હતા. પોલીસે જેકી ધનવાણીને ભેંસતખાડા વિસ્તારમાંથી 18 મોબાઈલ સાથે ઝડપી પાડ્યો હતો. તેણે કબૂલ્યું છે કે અન્ય મોબાઈલ તેણે સુરતમાં કોઈ વ્યક્તિને વેચી દીધા છે. પોલીસે રિમાન્ડ મેળવી અન્ય મોબાઈલ અંગે વધુ માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી રામચંદ્ર બુધાણીએ જણાવ્યું કે, “સેલ્સમેન જેકી ધનવાણીએ અમારો વિશ્વાસ જીત્યો હતો. તેણે મોબાઈલના ઓર્ડર લઈ મોબાઈલ લઈ ગયો હતો, પરંતુ તેના પૈસા ચૂકવ્યા નહોતા. સામાન્ય રીતે અમે દુકાનદારોને દર અઠવાડિયે સ્ટેટમેન્ટ મોકલાવીએ છીએ, પરંતુ જેકીએ આ વિશ્વાસનો લાભ લઈ અમારી સાથે છેતરપિંડી કરી છે.”
