'307ની કલમ નહીં હટે તો ફુલઝર સુધી જવાની તૈયારી છે':અમરેલીના ફુલઝરમાં ટ્રેક્ટર ઘોડીને અડ્યાં બાદ થયેલા ધીંગાણામાં પાટીદારો સામે ખોટી ફરિયાદ થયાના આક્ષેપ, સુરતમાં પાટીદારોની બેઠક
અમરેલી જિલ્લાના ફુલઝર ગામમાં થયેલી હિંસક જૂથ અથડામણના ગંભીર પડઘા હવે સુરતમાં પડ્યા છે. ફુલઝર ગામમાં પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા કરાયેલા હિંસક હુમલા અને ત્યારબાદ ખોટી રીતે કેસ કરાયાના આક્ષેપોને લઈને સુરતમાં પાટીદાર સમાજની એક વિશાળ અને મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. અમરેલી ફુલઝર કાંડને લઈ સુરતમાં પાટીદારોની બેઠક
સુરતમાં પાટીદાર સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. આ બેઠકમાં વિજય માંગુકિયા, અભિન કળથીયા, અલ્પેશ કથીરીયા સહિત અનેક અગ્રણી પાટીદાર યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સમાજમાં ફુલઝરની ઘટનાને લઈને ભારે રોષ અને ન્યાયની માગ ઊભી થઈ છે. આ પણ વાંચો: બાબરામાં લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જતાં થયેલા જુથઅથડામણમાં એકનું મોત કાઠી દરબારોએ પાટીદાર પર હિચકારો હુમલો કર્યો હોવાનો આક્ષેપ
પાટીદાર સમાજના આગેવાનોના આક્ષેપ મુજબ, ફુલઝર ગામમાં કાઠી દરબારના યુવાનો અને પાટીદાર યુવાનો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી. આ દરમિયાન, હથિયારો સાથે કાઠી દરબારો દ્વારા પાટીદારો પર હિચકારો હુમલો કરાયાનો આક્ષેપ છે. સૌથી ગંભીર બાબત એ છે કે, જ્યારે પાટીદારો ગામના ચોકમાં ઊભા હતા, ત્યારે હુમલાખોરો દ્વારા તેમના પર ગાડી ચડાવી દેવામાં આવી હતી. આ ગંભીર હુમલામાં 7 જેટલા પાટીદારો ઈજાગ્રસ્ત થયા હતા અને બહાર ગામથી આવેલા એક કાઠી દરબારનું મોત નીપજ્યું હતું, જેનાથી ગામમાં ભારે તંગદિલી ફેલાઈ હતી. ‘પોલીસે CCTVને અવગણીને ખોટી રીતે ફરિયાદ કરી’
કાઠી દરબારના મોતનો આરોપ પાટીદારો પર લગાવીને કાઠી દરબારના આગેવાનોએ પાટીદારો પર વળતો હુમલો કર્યાનો આરોપ છે. પરંતુ, સુરતમાં એકઠા થયેલા પાટીદાર સમાજનો મુખ્ય આક્ષેપ એ છે કે, આ ઘટનામાં ખોટી રીતે પાટીદારો સામે કેસ કરાયા છે. આ ઘટનામાં 29 જેટલા પાટીદાર લોકો પર નામજોગ અને અન્ય 50 સામે ફરિયાદ નોંધાઈ છે. સાથે તેમણે દાવો કર્યો છે કે, ફરિયાદમાં એવા યુવકોના નામ લખાયા છે જે ઘટના સમયે ત્યાં હાજર નહોતા. એક યુવકનું તો સુરતની હોસ્પિટલમાં ઓપરેશન ચાલી રહ્યું હતું અને અન્ય એક યુવક તેના લગ્ન પ્રસંગમાં હાજર હતો. સમાજે એવો પણ આરોપ લગાવ્યો છે કે, તેમની પાસે CCTVના પુરાવા હોવા છતાં પોલીસ દ્વારા આ પુરાવાઓને અવગણીને ખોટી રીતે ફરિયાદ નોંધવામાં આવી છે. ન્યાય માટે પાટીદારો સુરતથી રેલીરૂપે ફુલઝર ગામ સુધી જશે
પાટીદાર સમાજ ન્યાયની માગ સાથે સુરતમાં એકત્રિત થયો અને નિર્ણય લેવાયો છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. ન્યાય મેળવવા માટે આંદોલનના ભાગરૂપે સુરતથી પાટીદારો રેલીરૂપે ફુલઝર ગામ સુધી જશે અને ન્યાયની માંગણી કરશે. સમાજે પોલીસ અને તંત્રને વિનંતી કરી છે કે, પુરાવાઓના આધારે નિષ્પક્ષ તપાસ કરીને ખોટી રીતે ફસાયેલા નિર્દોષ પાટીદારોના નામ ફરિયાદમાંથી દૂર કરવામાં આવે. સાથે સરકારને ચેતવણી આપી છે કે, જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે.
