25 લાખની FD કરાવી 50 લાખની લોન લઈ આરોપી ફરાર:ફરિયાદીને કોઈપણ વસ્તુ મોર્ગેજ મૂક્યા વગર લોન આપવાની લાલચ આપી, મશીનરી ન આપતા છેતરપિંડી સામે આવી
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો છે, જેમાં બે શખસોએ એક વેપારીને મોર્ગેજ વગર આટામિલના ધંધા માટે લોન અપાવવાની લાલચ આપીને પૈસા પડાવીને ફરાર થઈ ગયા હતા. આ મામલે ફરિયાદીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફેક્ટરી માટે મોર્ગેજ મૂક્યા વગર લોન આપવાની લાલચ ફરિયાદીને આપી
ફરિયાદી અને તેના મામાનો ચિંતન પરમાર નામના શખસ સાથે સંપર્ક થયો હતો. વાતચીત દરમિયાન ચિંતન પરમારે લઘુ ઉદ્યોગના ધંધા માટે લોન જોઈતી હોય તો બેંકમાંથી કોઈપણ વસ્તુ મોર્ગેજ મૂક્યા વગર લોન કરી આપવાની લાલચ આપી હતી. ચિંતને પોતાની આટામિલની ફેક્ટરી કઠવાડામાં ચાલી રહી હોવાનો દાવો કર્યો અને જો તે લોકો આટામિલની ફેક્ટરી નાખવા ઈચ્છતા હોય અને જમીન, લોન કે બીજી કોઈપણ પ્રકારનું સેટઅપ ઊભું કરવું હોય તો તે કરાવી આપશે એવી ફરિયાદીને લાલચ આપી હતી. જેથી, ફરિયાદીએ ચિંતન પરમાર પર વિશ્વાસ રાખી આટામિલની ફેક્ટરી નાખવાની હા પાડી હતી. ફરિયાદીના મામાના નામે ફર્મ બનાવી લોન માટે અરજી કરી
જે બાદ આરોપી ચિંતન પરમારે ફરિયાદીના મામાને ફોન કરીને લઘુ ઉદ્યોગ માટે લોન લેવા આટામિલની ફેક્ટરીની મશીનરી લગાવવા માટે 7 વર્ષના ભાડા પેટે એક શેડ લેવો પડશે એવું જણાવ્યું હતું. ચિંતન પરમારે ફરિયાદીની બેંક ઓફ બરોડાના મેનેજર સાથે લોન લેવા માટે એક મિટિંગ પણ કરાવી હતી. જે દરમિયાન હાજર સંદીપ પટેલ પોતાનો ભાગીદાર હોવાની પણ ઓળખ આપી હતી. જેના બે દિવસ બાદ બાકરોલમાં એક શેડ ભાડે રાખી દીધો હોવાનું કહી ડિપોઝિટ માટે 40,000 રૂપિયા ફરિયાદીના મામા પાસેથી લીધા હતા. આરોપી ચિંતને ફરિયાદીના મામાના નામથી એક ફર્મ બનાવી બેન્ક ઓફ બરોડામાં એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું. લોન લેવા માટે કોરા ચેક, આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ લઈને આટામિલના પ્લાન્ટ માટે 75,52,000નું પ્રમુખ એન્ટરપ્રાઇઝ નામની કંપનીનો કોટેશન બનાવી બેંકમાં જમા કરાવ્યો હતો. બેંક મેનેજરે લોન પાસ કરવા માટે 25 લાખની FD કરાવવા કહ્યું
લોન માટે બેંકમાં ડોક્યુમેન્ટ જમા કરાવ્યા બાદ બેંક મેનેજરે લોન પાસ કરવા માટે 25 લાખની FD કરાવવા કહ્યું હતું. જેથી, લોનની જરૂર હોવાથી મહાલક્ષ્મી એન્ટરપ્રાઇઝના ખાતામાંથી બેંક ઓફ બરોડામાં 25 લાખની FD કરાવી કોટેશન બનાવનાર પ્રમુખ એન્ટરપ્રાઇઝ નામની કંપનીના એકાઉન્ટમાં 50 લાખ ટ્રાન્સફર કરાયા હતા. પૈસા ટ્રાન્સફર થયા બાદ આરોપી ચિંતન પ મારે પાંચમ પછી મશીનરી આપવા વચન આપ્યું હતું. જે બાદ લાંબો સમય સુધી મશીનરી ન મળતા ફરિયાદીએ ચિંતનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.જે દરમિયાન તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. ચિંતનના ઘરે જઈને ફરિયાદીએ તપાસ કરતા તેનું ઘર પણ બંધ હાલતમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ ચિંતનની ઓફિસે જઈને તપાસ કરતા ચિંતન ઘણા લોકો સાથે છેતરપિંડી કરીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
જેથી ફરિયાદીએ બેન્ક પાસે લોનના ડોક્યુમેન્ટ માંગતા પ્રમુખ એન્ટરપ્રાઇઝના કોટેશનની નકલમાં ભાડા કરારમાં ખોટી સહી કરાવી હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદીને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી એ ચિંતન પરમાર અને સંદીપ પટેલ સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નવરંગપુરા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
