23 વર્ષે ચોર ઝડપાયો:સુરતમાંથી ચોરી કરી શ્રીનાથજીના ચરણે ગયો ને ટ્રેક્ટર ચલાવવા લાગ્યો, પોલીસે ત્રણ દિવસ વોચ ગોઠવી પકડી પાડ્યો
છેલ્લા 23 વર્ષથી મહિધરપુરા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને રાજસ્થાનના નાથદ્રારા ખાતેથી સુરત પોલીસે પકડી પાડ્યો છે. આરોપી ચોરી કરીને છેલ્લા 23 વર્ષથી શ્રીનાથજીના ચારને પહોંચી ગયો હતો અને ટ્રેક્ટર ચલાવી ગુજરાન ચલાવતો હતો. જેને પોલીસે ત્રણ દિવસ વોચ ગોઠવી પકડી પાડવામાં સફળતા મેળવી છે. મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2000માં આરોપી શંકર પન્નાલાલ ગાયરીએ અન્ય ત્રણ આરોપીઓ સાથે મળીને એકબીજાની મદદગારીથી એક કાળા કલરની સ્પેલન્ડર પ્લસ મોટર સાયકલ ચોરી કરી હતી. બાઈક (GJ-19-7075)ની બેલ્જીયમ ટાવર મહિધરપુરા ખાતેથી ચોરી કરીને આરોપીએ પોતાના ગામ બાગોલ ખાતે લઈ ગયો હતો. અન્ય ત્રણ આરોપીઓને અગાઉ પકડીને અટક કરીને કાર્યવાહી કરી હતી. જ્યારે આરોપી શંકર વોન્ટેડ હતો. દરમિયાન આરોપી સામે સી.આર.પી.સી. 70 મુજબના વોરંટ પણ ઇન્શ્યૂ થયું હતું. આરોપી શંકર છેલ્લા 23 વર્ષથી રાજસ્થાનના બાગોલ એટલે કે શ્રીનાથજીના ચરણમાં જતો રહ્યો હતો. આરોપી બાગોલ ખાતે હોવાની બાતમી મહીધરપુરા પોલીસને મળી હતી. ત્યારબાદ એક ટીમ બનાવીને રાજસ્થાન આરોપીને પકડી પાડવા માટે મોકલવામાં આવી હતી. જ્યાં ત્રણ દિવસ આટીમે વોચ ગોઠવી હતી અને આરોપીને પકડી પાડ્યો હતો. આરોપી છેલ્લા 23 વર્ષથી ટ્રેક્ટર ચલાવીને મજૂરી કામ કરતો હતો. હાલ તો મહિધરપુરા પોલીસ આરોપીને લઈને સુરત આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
