23 વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી ઝડપાયો:શહેરા પોલીસ સ્ટેશનના રાયોટિંગ ગુનામાં પંચમહાલ LCBની કાર્યવાહી
પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) 23 વર્ષથી ફરાર એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટિંગના ગુનામાં સંડોવાયેલો હતો. તેને આણંદ જિલ્લાના ડભોઉ ગામમાંથી પકડવામાં આવ્યો હતો. પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળ, LCB ગોધરાના પોલીસ ઇન્સ્પેકટર એન.એલ. દેસાઈએ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાનગી બાતમીદારોને સક્રિય કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, LCB ગોધરાના અ.હે.કો. વિક્રમ મધુરને બાતમી મળી હતી કે, શહેરા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. 24/2002 હેઠળ નોંધાયેલા ગુનાનો વોન્ટેડ આરોપી સાંમતસિંહ ઉદેસિંહ ઠાકોર (રહે. છાણીપ, તા. શહેરા, જિ. પંચમહાલ) આણંદ જિલ્લાના ડભોઉ ગામે મજૂરી કામ કરી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે, LCB સ્ટાફના માણસો આણંદ જિલ્લાના ડભોઉ પહોંચ્યા હતા. ત્યાં ખાનગી વોચ ગોઠવી તપાસ કરતા બાતમી મુજબનો આરોપી મળી આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની કાયદેસરની કાર્યવાહી કરી તેને શહેરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરીમાં દિગ્પાલસિંહ દશરથસિંહ (એ.એસ.આઈ.), વિક્રમ મધુર (અ.હે.કો.), યોગેશકુમાર સુભાષચંદ્ર (આ.પો.કો.) અને અલ્પેશ નારણ (આ.પો.કો.) સહિતની ટીમ જોડાઈ હતી.
Read more
