Gujarati News

15,366 બાળકોએ સત્સંગ દીક્ષાના 315 શ્લોક કંઠસ્થ કર્યા:જામનગરમાં મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં બાળ દિન ઉજવાયો

Published: November 12, 2025 • Language: English

જામનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં બાળ દિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ‘મિશન રાજીપો’ કાર્યક્રમ અંતર્ગત હજારો બાળકો અને બાલિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહંત સ્વામી મહારાજે સર્વ શાસ્ત્રના સાર સ્વરૂપે લખેલા ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના 315 શ્લોકો 10,000 બાળકો અને બાલિકાઓ મુખપાઠ કરે તેવો સંકલ્પ કર્યો હતો. તેમના આશીર્વાદ, સંતો, કાર્યકરો, વાલીઓ અને બાળ-બાલિકાઓના અપાર પુરુષાર્થથી BAPS સંસ્થામાં 3 થી 13 વર્ષ સુધીના કુલ 15,366 બાળ-બાલિકાઓએ આ શ્લોકો મુખપાઠ કરીને વિશ્વવિક્રમ સર્જ્યો છે. આ સિદ્ધિમાં જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના 150 જેટલા બાળ-બાલિકાઓએ પણ સત્સંગ દીક્ષાના શ્લોકો મુખપાઠ કરીને યોગદાન આપ્યું છે. વિશેષરૂપે, જામનગરના જન્મથી અંધ બાળકે પણ મહંત સ્વામી મહારાજને પ્રસન્ન કરવા માટે સંસ્કૃતમાં સત્સંગ દીક્ષાના 315 શ્લોક મુખપાઠ કર્યા હતા. અભ્યાસની સાથે સંસ્કૃતના 315 શ્લોકો મુખપાઠ કરનાર બાળકોને પાલખીમાં બિરાજમાન કરીને સંતોએ તેમના પર પુષ્પવર્ષા કરી હતી. આ રીતે બાળકોના પુરુષાર્થને બિરદાવવામાં આવ્યો હતો. 92 વર્ષીય મહંત સ્વામી મહારાજે બાળકો સાથે ક્વિઝ, શબ્દ પરથી અને ચિત્ર પરથી શ્લોક પૂછીને તેમની કસોટી કરી હતી. તેમણે ઉપસ્થિત બાળકો અને બાલિકાઓને આશીર્વાદ આપતા જણાવ્યું કે, “પુનરાવર્તન કરતા રહો, ન કરો તો ભૂલી જવાય. માટે દરરોજ 46 શ્લોકનું પુનરાવર્તન કરવું, તો મુખપાઠ તાજો અને તાજો જ રહેશે.” તેમણે મુખપાઠ કરનાર તમામ બાળ-બાલિકાઓને આપેલી ભેટ વસ્તુઓને પ્રસાદીભૂત કરી હતી. આજના ટીવી, મોબાઈલ, સોશિયલ મીડિયા અને વ્યસનોના આક્રમણ વચ્ચે શિક્ષણ, સંસ્કાર અને સનાતન ધર્મથી દૂર થઈ રહેલા બાળકો અને યુવાનો માટે મહંત સ્વામી મહારાજે નાના બાળકો અને બાલિકાઓને સંસ્કૃતના 315 શ્લોકો કંઠસ્થ કરાવીને સંસ્કાર, સદાચાર અને સનાતન સંસ્કૃતિ સાથે જોડવાનું ભગીરથ કાર્ય કર્યું છે.

Read more

← Back to Home