હિંમતનગર કોંગ્રેસે નગરપાલિકામાં વિરોધ પ્રદર્શન કર્યું:પ્રમુખની ચેમ્બર આગળ રામધુન બોલાવી, આવેદનપત્ર ચોંટાડ્યું
હિંમતનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે નગરપાલિકામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરમાં ઊભરાતી ગટરો, રસ્તા પરના ખાડા, વરસાદી પાણીના નિકાલની અયોગ્ય વ્યવસ્થા અને બંધ સ્ટ્રીટ લાઇટ જેવી લાંબા સમયથી પ્રવર્તતી સમસ્યાઓ અંગે રજૂઆત કરાઈ હતી. શુક્રવારે સવારે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રજૂઆત કરવા નગરપાલિકા પહોંચ્યું હતું. જોકે, નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર હાજર ન હોવાથી કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે પ્રમુખની ચેમ્બર આગળ બેસીને રામધુન બોલાવી હતી. કોંગ્રેસે પાલિકાના કર્મચારીને આવેદનપત્ર અને ખરાબ પાણી ભરેલી બોટલો સુપરત કરી હતી. પ્રતીકાત્મક રીતે રામધુન કર્યા બાદ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. આવેદનપત્ર પાલિકા પ્રમુખની ચેમ્બરના દરવાજા પર ચોંટાડવામાં આવ્યું હતું. કોંગ્રેસે ચેતવણી આપી હતી કે જો શહેરમાં પાલિકાની ખરાબ કામગીરીથી સર્જાતી સમસ્યાઓ દૂર નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ અશોક પટેલ, સંગઠન મહામંત્રી પ્રિયવદન પટેલ, વિપક્ષ નેતા ઇમરાન બાદશાહ, પૂર્વ કોર્પોરેટર જ્યોતિ દવે, કમળા પરમાર, જયેશ દવે, ઈશ્વર દેસાઈ, કુમાર ભાટ, મુકેશ પટેલ, કાંતિ ગામેતી, કોર્પોરેટર રઝાક, આસિફ, જાહીદા, મહિલા પ્રમુખ બિંદુબા, હીરા મકવાણા, રણછોડ પરમાર, ઇશાક શેખ સહિતના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
