હિંમતનગરમાં વંદે માતરમનું સમૂહગાન અને શપથ:ભાજપ કાર્યાલય અને કલેક્ટર કચેરીમાં સ્વદેશી સંકલ્પ સાથે ઉજવણી
હિંમતનગરમાં વંદે માતરમ ગીતના સર્જનને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપ કાર્યાલય અને કલેક્ટર કચેરી ખાતે સમૂહગાન અને સ્વદેશી શપથનું આયોજન કરાયું હતું. શુક્રવારે યોજાયેલા આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વંદે માતરમ સમૂહગાન અને સ્વદેશી શપથવિધિ યોજાઈ હતી. આ પ્રસંગે કાર્યકર્તાઓએ સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગનો સંકલ્પ લઈને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, તાલુકા સંગઠન પ્રમુખ હિતેન્દ્ર પટેલ, શહેર સંગઠન પ્રમુખ કુલદીપ પાઠક, મહામંત્રી ભગીરથસિંહ ઝાલા, પરીક્ષિત વખારિયા સહિત શહેર સંગઠનના સભ્યો, મહિલા મોરચાના કાર્યકર્તાઓ અને નગરપાલિકાના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત, હિંમતનગરની જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પણ વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે સમૂહગાનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી. ઝાલા અને સાંસદ શોભના બારૈયાએ જિલ્લાના અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે મળીને વંદે માતરમનું સમૂહગાન કર્યું હતું. આ ગીત ભારતની અખંડિતતા, સંસ્કૃતિ અને માતૃભૂમિ પ્રત્યેના અતૂટ પ્રેમનું પ્રતીક છે.
