સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજે ભાજપ પ્રમુખને આવેદનપત્ર આપ્યું:સરકાર અને સંગઠનમાં અવગણના સામે આક્રોશ વ્યક્ત કર્યો
સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ – ગીર સોમનાથ જિલ્લા દ્વારા ભારતીય જનતા પાર્ટીમાં બ્રહ્મ સમાજની સતત અવગણના સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પરમારને એક વિસ્તૃત આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં બ્રહ્મ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ ન મળવા અંગે ગંભીર નારાજગી દર્શાવવામાં આવી છે. સમાજના પ્રતિનિધિઓએ આક્ષેપ કર્યો કે ભાજપના સંગઠનમાં પણ બ્રહ્મ સમાજના સભ્યોને પૂરતું સ્થાન આપવામાં આવ્યું નથી. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીથી અત્યાર સુધી સમાજની સતત અવગણના થતી આવી છે. બ્રહ્મ સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, સમાજ ભાજપ પ્રત્યે વફાદાર રહ્યો હોવા છતાં તેની અવગણના થઈ રહી છે, જેના કારણે સમાજમાં ભારે અસંતોષ ફેલાયો છે. આ આવેદનપત્ર સુપરત કરતી વખતે સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ – ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ તુષારભાઈ પંડ્યાની અધ્યક્ષતામાં વેરાવળ બ્રહ્મ સમાજ પ્રમુખ સુજલભાઈ પાઠક, કોડીનાર પ્રમુખ મુકેશભાઈ મહેતા, તાલાળા પ્રમુખ રાજેન્દ્રભાઈ વ્યાસ, સુત્રાપાડા પ્રમુખ પરેશભાઈ પંડ્યા સહિત જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મ સમાજે રજૂઆત કરી છે કે આ મુદ્દાને ભાજપના કેન્દ્રીય નેતૃત્વ – પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સુધી પહોંચાડવામાં આવે. સમાજે માંગ કરી છે કે, આગામી સમયમાં સરકાર તથા સંગઠનમાં બ્રહ્મ સમાજને યોગ્ય અને સન્માનજનક સ્થાન આપવામાં આવે જેથી સમાજમાં પેદા થયેલી નારાજગી દૂર થાય. હવે જોવાનું એ રહ્યું કે ભાજપનું સંગઠન અને સરકાર બ્રહ્મ સમાજના આ આક્રોશને કેવી રીતે સંબોધે છે, તે આવનારા સમયમાં સ્પષ્ટ થશે.
