Gujarati News

સુરેન્દ્રનગરમાં મહિલાનું ₹83,000નું પાકીટ પરત મળ્યું:નેત્રમ CCTVની મદદથી પોલીસે રિક્ષાચાલક શોધી કાઢ્યો

Published: November 7, 2025 • Language: English

સુરેન્દ્રનગરમાં નેત્રમ પ્રોજેક્ટની મદદથી એક મહિલાનું ₹83,000ની કિંમતનું પાકીટ પરત કરવામાં આવ્યું છે. વઢવાણ તાલુકાના ખારવા ગામના અરુણાબેન જોષી ખરીદી કરવા સુરેન્દ્રનગર આવ્યા હતા ત્યારે તેમનું પાકીટ રિક્ષામાં ભૂલી ગયા હતા. આ પાકીટમાં આશરે દોઢ તોલાની ₹80,000ની કિંમતની સોનાની બુટ્ટીઓ અને ₹3,000 રોકડા મળી કુલ ₹83,000નો કીમતી સામાન હતો. અરુણાબેન જવાહર ચોકથી રિક્ષામાં બેસી એસ.ટી. બસ સ્ટેન્ડ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આ અંગે નેત્રમ કંટ્રોલ રૂમને જાણ થતાં, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એલ. ઝેઝરીયાની સૂચનાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત નેત્રમ સુરેન્દ્રનગરના સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવી. સીસીટીવી ફૂટેજની મદદથી અરુણાબેન જે રિક્ષામાં બેઠા હતા તેનો રજિસ્ટ્રેશન નંબર GJ-23-AV-0012 શોધી કાઢવામાં આવ્યો. પોલીસે વાહન માલિકનો સંપર્ક કરીને મૂળ માલિક વિજયભાઈ સોમનાથભાઈ જોષી (અરુણાબેનના પતિ)ને તેમનો કીમતી સામાન પરત કર્યો હતો. પોલીસે આ કામગીરી બદલ પ્રશંસનીય કાર્ય કર્યું છે.

Read more

← Back to Home