સુરત ક્રાઇમ ન્યૂઝ:DGVCL ઓફિસ સામે ઓવર બ્રિજ નીચે છુપાવેલો ગાંજો જપ્ત, થાઈલેન્ડથી મંગાવી ઈ-સિગારેટનું વેચાણ અને જૂની અદાવતમાં જીવલેણ હુમલો
સુરતના કાપોદ્રા વિસ્તારમાં નશાના કારોબારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાપોદ્રા DGVCL ઓફિસ સામે આવેલા બ્રિજ નીચે ગાંજો છુપાવીને તેનું છૂટક વેચાણ કરતા એક ઇસમને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.દિવાળી વેકેશન દરમિયાન કાપોદ્રા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે સમયે બાતમી મળી કે DGVCL ઓફિસ સામે બ્રિજ નીચે એક વ્યક્તિ ગાંજાનું વેચાણ કરી રહ્યો છે. પોલીસે કુલ 9,750નો મુદ્દામાલ જપ્ત કર્યો
આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી દિપક ઉર્ફે સુખો અનિલભાઈ સોનવણેને પકડી પાડ્યો હતો. પોલીસે બ્રિજ નીચે છુપાવેલી જગ્યાની તપાસ કરતાં ત્યાંથી 9,000ની કિંમતનો 184 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ગાંજો નાની-નાની ઝીપ બેગ્સમાં ભરીને છૂટક વેચાણ માટે તૈયાર કરાયો હતો. આરોપી પાસેથી વેચાણના 750 રોકડા પણ મળી આવ્યા હતા. આમ, પોલીસે કુલ 9,750નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી કોઈ અજાણ્યા સપ્લાયર પાસેથી આ ગાંજો મેળવતો હતો અને પોતે નાની પેકેટ્સ બનાવી છૂટક વેચતો હતો. પોલીસે અજાણ્યા સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થાઈલેન્ડથી લવાયેલી 60,000ની ઈ-સિગારેટ સાથે ત્રણ યુવકો ઝડપાયા
સુરતમાં પ્રતિબંધિત ઈ-સિગારેટના વેચાણ પર પણ પોલીસે સપાટો બોલાવ્યો છે. સારોલી પોલીસે સિમાડા ચેકપોસ્ટ પરથી થાઈલેન્ડથી વેચાણ માટે લવાયેલી 60,000ની કિંમતની ઈ-સિગારેટ સાથે ત્રણ યુવકોની ધરપકડ કરી છે. ASI સાગરભાઈ વિનોદભાઈ અને તેમની ટીમ સિમાડા ચેકપોસ્ટ પર ફરજ પર હતી ત્યારે તેમને ગુપ્ત બાતમી મળી કે ત્રણ વ્યક્તિઓ એન્થેમ સર્કલથી ચેકપોસ્ટ તરફ પ્રતિબંધિત ઈ-સિગારેટ લઈને આવી રહ્યા છે. પોલીસે વોચ ગોઠવીને ત્રણેય યુવકોને કોર્ડન કરીને રોકી લીધા હતા. તેમની પૂછપરછમાં તેઓ મનોજકુમાર જયંતિલાલ ગેવરીયા (ઉ.વ. 32, મોટા વરાછા), પ્રદીપભાઈ મગનભાઈ સેંજલીયા (ઉ.વ. 30, યોગી ચોક) અને ચિરાગભાઈ અશોકભાઈ કરકર (ઉ.વ. 27, યોગી ચોક) હોવાનું બહાર આવ્યું હતું. પંચો રૂબરૂ તેમની અંગઝડતી લેતાં ચારેયની બેગમાંથી અલગ અલગ ફ્લેવરવાળી પ્રતિબંધિત ઈ-સિગારેટ્સ મળી આવી હતી, જેની કુલ કિંમત આશરે 16,000 થાય છે. પૂછપરછમાં ત્રણેય યુવકોએ કબૂલ્યું કે, તેઓ થાઈલેન્ડ ફરવા ગયા હતા અને ત્યાંથી આ ઈ-સિગારેટ્સ ખરીદી લાવ્યા હતા, જે તેઓ સુરતમાં વેચાણ કરવાના હતા. પોલીસે આ યુવકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂની અદાવતમાં યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલો, આરોપી ઝડપાયો
ગોડાદરા વિસ્તારમાં જૂની અદાવતને પગલે એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સ્મીમેર હોસ્પિટલના ICUમાં ખસેડવામાં આવ્યો છે.ગોડાદરાની સાંઈબાબા સોસાયટીમાં રહેતા મૂળ ઝારખંડના 19 વર્ષીય અજિત પર તેના જ મિત્રોએ હુમલો કર્યો હતો. અજિતના મિત્ર ધીરજે તેના અન્ય મિત્ર સોનુ અર્જુન ગોસ્વામીને ફોન કરીને જાણ કરી કે, ગોલુ અને ચામડ નામના બે વ્યક્તિઓએ અજિત પર ચપ્પુથી હુમલો કરીને ભાગી ગયા છે. અજિતને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો છે. સોનુ હોસ્પિટલ પહોંચ્યો ત્યારે અજિતને ICU વોર્ડમાં સારવાર અપાતી હતી. અજિતની પીઠના ડાબા ભાગે, જડબામાં, બંને હાથની આંગળીઓમાં અને જમણા ઘૂંટણ પાસે ચપ્પુના ગંભીર ઘા વાગ્યા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું કે લગભગ ત્રણ માસ પહેલાં અજિત અને આરોપી ગોલુ વચ્ચે ઝઘડો થયો હતો. આ જૂની અદાવતની રંજિશ રાખીને ગોલુ અને ચામડાએ અજિત પર હુમલો કર્યો હતો.ગોડાદરા પોલીસે સોનુ અર્જુન ગોસ્વામીની ફરિયાદના આધારે ગોલુ અને ચામડા વિરુદ્ધ જીવલેણ હુમલાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ એક આરોપી મિતેષ ઉર્ફે ચામડ ભીખુભાઈ પટેલ (ઉ.વ. 28, રહે. ગોડાદરા, મૂળ વલસાડ)ને ઝડપી પાડ્યો છે અને બીજા આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઘાયલ યુવક અજિતની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.
