Gujarati News

સુરતના PSI શીતલે શાતિર ઠગને દબોચવા ‘હનીટ્રેપ’ની જાળ બિછાવી:‘ગુડ મોર્નિંગ’નો મેસેજ કરતા ગિરીશ ગાંડો થયો, હાર્ટ ઈમોજી મોકલનારીને ખાખીમાં જોઈ ધ્રાસકો પડ્યો, લીધો સકંજામાં

Published: October 30, 2025 • Language: English

તમે અત્યાર સુધી એવા અનેક કિસ્સા જોયા હશે જેમાં પોલીસે હનીટ્રેપમાં ફસાવતી મહિલાઓને ઝડપી હશે. પણ સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલા PSI શીતલ ચૌધરીએ શાતિર આરોપી ગિરીશને દબોચવા માટે ‘હનીટ્રેપ’ની જાળ બિછાવી હતી. મહિલા PSI શીતલે પૂજા બનીને એક ‘ગુડ મોર્નિગ’નો મેસેજ કર્યો ને ઠગ ગિરીશ ગાંડો થયો. રોજ-રોજ ગુડ મોર્નિગથી લઇને દિલની વાતો..એકબીજાની અંગત વાતો, દિલની ઈમોજી, I LOVE U, I MISS Uની 25 દિવસની મીઠી-મીઠી વાતો ને આખરે મુલાકાતનો સમય નક્કી થયો. ગિરીશ ઉત્સાહમાં પરવટ પાટિયા પહોંચ્યો ને દિલની ઈમોજી મોકલનારીને ખાખીમાં જોઈ તેના ‘દિલના પાટિયા’ બેસી ગયા. એક મહિલા PSI અને એક કાર-છેતરપિંડીના આરોપીની 25 દિવસની વોટ્સએપ ચેટ અને મિત્રતા આરોપીને જેલના સળિયા સુધી કેવી રીતે લઈ ગઈ? તો આવો જાણીએ ઠગને દબોચવા PSI શીતલે કેવી રીતે બિછાવી જાળ… ગિરીશ પોલીસથી બચવા ફોન બંધ રાખતો, વોટ્સએપ કોલ-ચેટ જ કરતો
ઠગ ગિરીશ મધુ દિયોરા પોલીસ માટે માથાનો દુખાવો બન્યો હતો. તેણે પોતાના મિત્ર મૂશ જાવેદના નામે સેકન્ડ-હેન્ડ ફોર્ચ્યુનર કાર ખરીદી, તેના નામે 30 લાખની લોન લીધી, અને પછી ગણતરીના હપ્તા ભરીને કારને પંજાબમાં વેચી દીધી. લોનના પૈસા મિત્રને ભરવાના આવતાં તે પોલીસ પાસે પહોંચ્યો. ગિરીશ પોલીસથી બચવા માટે પોતાનો ફોન બંધ રાખતો અને ફક્ત વોટ્સએપ કોલ/ચેટનો જ ઉપયોગ કરતો, જેથી તેને ટ્રેસ કરવો લગભગ અશક્ય હતો. તપાસ અધિકારી મહિલા PSI શીતલ ચૌધરીએ આ પડકાર ઝીલ્યો અને એક ટ્રેપ ગોઠવી. એક ‘ભૂલ’ ભરેલો મેસેજ ને ગિરીશ જાળમાં ફસાયો
25 દિવસ પહેલાં, ગિરીશના વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો: “ગુડ મોર્નિંગ”.ગિરીશના મનમાં તરત શંકા ગઈ. તેણે પૂછ્યું, ‘તમે કોણ?’ PSI શીતલ તરફથી તરત જ જવાબ આવ્યો, ‘પૂજા, માફ કરજો, ભૂલથી તમને મેસેજ મોકલાઈ ગયો છે.’ આ ‘ભૂલ’નો ઢોંગ ગિરીશને આકર્ષી ગયો. તેને લાગ્યું કે આ કોઈ નિર્દોષ મહિલા છે, અને તેણે સામેથી વાતચીત શરૂ કરી. તેને ખબર નહોતી કે તે જેની સાથે ચેટિંગ કરી રહ્યો છે, તે બીજું કોઈ નહીં પણ સુરત પોલીસની મહિલા અધિકારી છે. ‘25 દિવસની મિત્રતામાં ગિરીશ મહિલા PSI સાથે પોતાની તમામ અંગત વાતો શેર કરવા લાગ્યો’
ધીમે ધીમે, PSI શીતલના ટ્રેપમાં આરોપી ગિરીશ ફસાતો ગયો. તેમની વાતચીત એટલી હદે વધી ગઈ કે ગિરીશ પોતાની દરેક પ્રવૃત્તિઓ PSI સાથે શેર કરવા લાગ્યો. આ 25 દિવસની મિત્રતામાં ગિરીશ મહિલા PSI સાથે પોતાની તમામ અંગત વાતો શેર કરવા લાગ્યો હતો. નાસ્તો કર્યો, પણ સળિયાની ટિકિટ કન્ફર્મ થઈ
આ જાળમાં ફસાયેલો ગિરીશ એટલો બેધ્યાન બની ગયો હતો કે તે પોતાની દૈનિક પ્રવૃત્તિઓના પુરાવા પણ સામેથી મોકલતો હતો. એક ચેટ પર ગિરીશે મેસેજ કર્યો, ‘નાસ્તો કરું છું’ PSI શીતલે તરત જ તેને મેસેજ કર્યો, ‘શું ખાઓ છો?’ ગિરીશે કોઈ સંકોચ કર્યા વિના, પોતાના નાસ્તાનો ફોટો પાડીને PSIને મોકલી આપ્યો. આ ફોટોગ્રાફ્સ પોલીસ માટે એક મજબૂત પુરાવા અને આરોપીની માનસિકતાનો પુરાવો બની ગયા. વાત આગળ વધી અને ગિરીશે PSIને રૂબરૂ મળવા માટે બોલાવી. તેણે મેસેજ પણ કર્યો. જ્યારે PSI શીતલે લખ્યું કે ‘મને કલાક જેવું થશે’, ત્યારે ગિરીશે અધીરાઈ સાથે રિપ્લાય કર્યો: ‘જેટલું વહેલું થાય એટલું કરજે…’ ‘પૂજા’ નહીં, ખાખી વર્દીમાં PSI
25 દિવસની મીઠી-મીઠી વાતો પછી આખરે મુલાકાતનો સમય નક્કી થયો. ગિરીશ ઉત્સાહમાં પરવટ પાટિયા પાસે પહોંચ્યો, પણ ત્યાં તેનું સ્વાગત કોઈ મિત્રએ નહીં, પણ ખાખી વર્દીમાં ઊભેલા મહિલા સબ ઇન્સ્પેક્ટર શીતલ ચૌધરી અને કોન્સ્ટેબલોના કાફલાએ કર્યું. અંગત વાતો-નાસ્તાના ફોટા શેર કરતો હતો, તે મહિલા અધિકારી નીકળી
પોતાની સામે પોલીસને જોઈને ગિરીશની હાલત પાંજરામાં પુરાયેલા ચોર જેવી થઈ ગઈ. તેના હોશ ઉડી ગયા. જેની સાથે તે અંગત વાતો અને નાસ્તાના ફોટા શેર કરતો હતો, તે જ મહિલા અધિકારીએ તેને ગણતરીની સેકન્ડોમાં ઝડપી પાડ્યો. ‘આરોપીએ છેતરપિંડીની કબૂલાત કરી અન્ય સાગરીતનું નામ પણ આપ્યું’
DCP આલોક કુમારે જણાવ્યું હતું કે, પોલીસે ગિરીશની પૂછપરછ કરી, જેમાં તેણે સમગ્ર છેતરપિંડીની કબૂલાત કરી અને અન્ય એક સાગરીત કુલદીપ રમેશ સોલંકીનું નામ પણ આપ્યું. પોલીસે તાત્કાલિક તેની પણ ધરપકડ કરીને આ ગુનાનો પર્દાફાશ કર્યો. સુરત પોલીસની આ અનોખી અને સફળ કામગીરીએ સાબિત કરી દીધું કે ગુનેગારો ગમે તેટલો ભાગવાનો પ્રયાસ કરે, પણ કાનૂન કે હાથ લંબે હોતે હૈ.

← Back to Home