Divya Bhaskar Gujarat

સંતાનો સુરતમાં ને ગામડે પાટીદાર વૃદ્ધ દંપતી પર હુમલો:દીકરાએ કહ્યું- અસામાજિક તત્વોએ પ્લોટ પચાવવા ઘરની દીવાલ તોડી, ભલે જેલમાં રહેવું પડે કહી મારી નાખવાની ધમકી આપી

Published: November 18, 2025 • Language: English

ભાવનગરના દેવળીયા ગામ ખાતે પાટીદાર ખેડૂત વૃદ્ધ દંપતી પર અસામાજિક તત્વોએ પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કર્યો હતો. સંતાનો સુરતમાં રહે છે અને ગામડે રહેતા વૃદ્ધ દંપતી પર હુમલો થતાં સંતાનોમાં પણ ડરનો માહોલ છે. દંપતી દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે પાટીદાર સમાજ આ વૃદ્ધ દંપતીની પડખે ઊભો રહી લડત આપી રહ્યો છે. ‘મારા પપ્પાનું ગળું દબાઈને મારી નાખવાની કોશિશ કરી’
પીડિત વૃદ્ધ ધનજીભાઈ ધોરાજીયાના પુત્ર ભરતભાઈએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં અમુક અસામાજિક તત્વો જે અમારા ઘરની એક્ઝેટ સામેવાળો પ્લોટ છે, એની ઉપર કબજો કરવા માંગતા હતા અને એ બાબતની અદાવત રાખીને એ લોકોએ અમારા પ્લોટની જે દીવાલ હતી, એ દીવાલ તોડી પાડી અને અમારા ઘરમાં ઘૂસી ગયા. મારા પપ્પાને માર્યા, ગળું દબાઈ દીધું અને ગળું દબાઈને મારી નાખવાની કોશિશ કરી હતી. ‘મમ્મીને બે-ત્રણ લાફા મારી દીધા અને ગળાનો ચેઇન તોડી નાખ્યો’
મારા મમ્મી બચાવવા માટે વચ્ચે પડ્યા તો એને બે-ત્રણ લાફા મારી દીધા, એનું પણ ગળું દબાઈ દીધું અને ગળાનો ચેઇન તોડી નાખ્યો અને લૂંટનો પ્રયાસ હતો. પછી મારા બા વચ્ચે પડ્યા જે 80 વર્ષનાં દાદીમા છે. તો એમને મન ફાવે એમ અપશબ્દો કહ્યા અને ધમકી આપી કે, જો આ પ્લોટ મને નહીં આપે તો હું તારા છોકરાને મારી નાખીશ, ભલે મારે 25 વર્ષ જેલમાં રહેવું પડે. એ પ્લોટનો કબજો તો અમે લઈને જ રહેશું. તમે આપો કે ન આપો. દસ્તાવેજો ભલે તમારી પાસે રહ્યા, કાગળિયા ભલે તમારી પાસે રહ્યા પણ એ પ્લોટનો કબજો અમે લઈને જ રહીશું. સુરતમાં પાટીદાર સમાજની તાત્કાલિક બેઠક મળી હતી
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામમાં એક જમીનના વિવાદને લઈને પાટીદાર સમાજના એક વૃદ્ધ પરિવાર પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે ગામડાંઓમાં રહેતા સમાજના લોકોની સુરક્ષા અને સમરસતાના મુદ્દે વિચાર-વિમર્શ કરવા માટે સુરતમાં પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા એક મહત્વપૂર્ણ મીટિંગ યોજવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ ‘ગામડાંઓને જીવંત કરવા’ અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોનો ભય દૂર કરવાનો હતો. ‘કમ્યુનિટી કિચન’ શરૂ કરવાની યોજના પર વિચારણા કરાઈ
પાટીદાર સમાજે ગ્રામ્ય વિસ્તારોમાં સલામતી અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સરકાર અને પોલીસ તંત્ર સમક્ષ કેટલીક મહત્વની માંગણીઓ અને સૂચનો રજૂ કર્યા હતા. ગામડાઓમાં રહેતા વયોવૃદ્ધ પાટીદાર વડીલો માટે ‘કમ્યુનિટી કિચન’ (સામુદાયિક રસોડું) શરૂ કરવાની યોજના પર વિચારણા કરવામાં આવી, જેથી વૃદ્ધોને નિયમિત અને પોષક ભોજન મળી રહે. ગામડાઓમાં ગુનાખોરી અટકાવવા અને પુરાવા માટે સરકારી અથવા સ્વખર્ચે (સમાજના ખર્ચે) CCTV કેમેરાઓ મૂકવાની તાત્કાલિક વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગ
અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરાઈ. સાથે જ, પોલીસ તંત્રના સહયોગથી સરઘસ કાઢીને ગામડાના લોકોને ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણ પૂરું પાડવા ભાર મૂકવામાં આવ્યો. ગામડાઓમાં દરેક સમાજ એક થઈને રહે અને સમરસતા જળવાઈ રહે તે માટે જાગૃતિ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો. સમાજે નક્કી કર્યું કે, જો કોઈ લુખ્ખા તત્વો સળી કરશે, તો આખો સમાજ એકજુટ થઈને ફરિયાદ કરવા માટે પોલીસ સમક્ષ આગળ આવશે. ગામડાના લોકોને સુરક્ષાની ખાતરી આપવી આવશ્યક
મીટિંગમાં જણાવવામાં આવ્યું કે, સરકાર અને પોલીસ તંત્ર દ્વારા સપોર્ટ કરવામાં આવતો હોવા છતાં, હજુ પણ ગામડાંઓમાં રહેતા લોકો ફરિયાદ કરતા ડરે છે. આ ભય દૂર કરવા અને કાયદાનું શાસન સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્રએ વધુ મજબૂત અને તાત્કાલિક કાર્યવાહી કરીને ગામડાના લોકોને સુરક્ષાની ખાતરી આપવી આવશ્યક છે. આ બેઠક દ્વારા સમાજે ગ્રામ્ય સ્તરે શાંતિ અને ન્યાય માટે એક થવાનો સંદેશ આપ્યો છે.

Read more

← Back to Home