સંઘપ્રદેશ DNH અને દમણ-દીવમાં ચૂંટણીને લઈ ડ્રાય ડે:3 થી 8 નવેમ્બર સુધી દારૂબંધી લાગુ, શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરાશે
દાદરા નગર હવેલી અને દમણ-દીવ સંઘપ્રદેશમાં આગામી 5 નવેમ્બર, 2025ના રોજ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ‘ડ્રાય ડે’ (દારૂબંધી) જાહેર કરવામાં આવી છે. પ્રશાસક પ્રફુલ્લ પટેલના આદેશ અનુસાર, આ દારૂબંધી 3 નવેમ્બરના રોજ સાંજે 6 વાગ્યાથી અમલમાં આવશે અને 4 તથા 5 નવેમ્બરના આખો દિવસ ચાલુ રહેશે. આ પ્રતિબંધ 6 નવેમ્બરના રોજ સવારે 9 વાગ્યા સુધી લાગુ રહેશે. આ ઉપરાંત, મતગણતરીના દિવસે, એટલે કે 8 નવેમ્બર, 2025ના રોજ પણ સમગ્ર સંઘપ્રદેશમાં સંપૂર્ણ ડ્રાય ડે ફરમાવવામાં આવ્યો છે. આ આદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ એક્સાઇઝ ડ્યુટી રૂલ્સ 2020ના નિયમ 111(4) હેઠળ બહાર પાડવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન દારૂનું વેચાણ, પીરસવું, ઉત્પાદન અથવા સંગ્રહ જેવી તમામ પ્રવૃત્તિઓ પર સખત પ્રતિબંધ રહેશે. તમામ લિકર શોપ, બાર, રેસ્ટોરાં, હોટેલ તેમજ ડિસ્ટિલરી અને બ્રુઅરી યુનિટોને બંધ રાખવાના આદેશો આપવામાં આવ્યા છે. વહીવટી તંત્રે જનતાને ચૂંટણી દરમિયાન શાંતિ જાળવવા અને નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.
