વલસાડમાં ડાંગર પાક નુકસાનીનો સર્વે પૂર્ણ:469 ગામના 73,766 હેક્ટરમાં કામગીરી, 40,950 ખેડૂતોને સહાયનો અંદાજ
વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ડાંગર સહિતના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની તાત્કાલિક સર્વે અને પંચ રોજકામની સૂચના બાદ, જિલ્લામાં પાક નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લામાં ડાંગર પાકનો કુલ વાવેતર વિસ્તાર 73,766 હેક્ટર છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો અંદાજ કાઢવા માટે 99 ટીમો કાર્યરત કરવામાં આવી હતી. આ ટીમો દ્વારા જિલ્લાના કુલ 469 અસરગ્રસ્ત ગામોમાં 73,766 હેક્ટર વિસ્તારમાં સર્વે કામગીરી પૂરી કરવામાં આવી છે. સર્વે મુજબ, 33 ટકા કે તેથી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તાર 32,613 હેક્ટર નોંધાયો છે. આ નુકસાનથી 40,950 ખેડૂતો પ્રભાવિત થયા છે. 33 ટકા કે તેથી વધુ નુકસાન ધરાવતા ખેડૂતોને આશરે 55 કરોડ રૂપિયાની સહાય ચૂકવવાનો અંદાજ છે. ડાંગર ઉપરાંત, જિલ્લામાં અડદ, રાગી, શાકભાજી અને ઘાસચારાના પાકને પણ નુકસાન થયું છે. કુલ 17,282 હેક્ટર વિસ્તારમાં વાવેલા આ કઠોળ અને શાકભાજી પાકમાંથી 14,498 હેક્ટરમાં ઊભા પાકને કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું હતું. આ પાકો માટેની સર્વે કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
