રેન્જ આઈજી સ્ક્વોડનો ઓપરેશન 'ભોયરું':બુટલેગરોનો અનોખો કિમીયો : રસોડાના પ્લેટફોર્મ નીચે ગુપ્ત 'ભોયરું' બનાવી ₹17.93 લાખનો દારૂ છુપાવ્યો,જુનાગઢમાં રેન્જ આઈજી સ્ક્વોડનો સપાટો
પોલીસ અને કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે બુટલેગરો કેવી કેવી યુક્તિઓ અજમાવે છે, તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો જુનાગઢમાં સામે આવ્યો છે. જુનાગઢ રેન્જ આઈજી સ્ક્વોડે શહેરના રાજીવનગરમાં દરોડો પાડીને એક કુખ્યાત બુટલેગરના મકાનમાંથી આશરે ₹17.93 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, આ દરોડામાં સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે બુટલેગરોએ દારૂના આટલા મોટા જથ્થાને છુપાવવા માટે ઘરમાં, ખાસ કરીને રસોડામાં, એક ગુપ્ત ભોયરું બનાવીને જાણે જાસૂસી ફિલ્મોને પણ ટક્કર મારે તેવો કીમિયો અપનાવ્યો હતો. બુટલેગરનો માસ્ટર પ્લાન: રસોડામાં બનાવ્યું અંડરગ્રાઉન્ડ બંકર રેન્જ આઈજી સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી હતી કે રાજીવનગરમાં રહેતા રાણા લાખાભાઈ ચાવડા અને તેના ભાઈ હીરા લાખાભાઈ ચાવડાના કબજાવાળા મકાનોમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંગ્રહાયેલો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક પંચોને સાથે રાખીને દરોડાની કાર્યવાહી શરૂ કરી. પ્રથમ મકાનમાં તપાસ કરતાં, ઘર વખરીનો સામાન્ય સામાન અને ખુલ્લી ઓસરી, બે રૂમ અને રસોડું જોવામાં આવ્યું. સામાન્ય તપાસમાં કંઈ મળ્યું નહીં, પરંતુ પોલીસની નજર રસોડામાં ગઈ.રસોડામાં વોશબેસિનની નજીક બનાવેલા પ્લેટફોર્મની નીચેના ભાગમાં લાકડાના ડ્રોઅરવાળું ફર્નિચર (કબાટ) બનાવેલું હતું. આ ફર્નિચરમાં કુલ ત્રણ અલગ-અલગ પાર્ટ હતા. પોલીસે જ્યારે આ પાર્ટ્સની ઝીણવટભરી તપાસ કરી, ત્યારે તેમની શંકા સાચી પડી. બુટલેગરોનો માસ્ટરપ્લાન અહીં જ છુપાયેલો હતો ડ્રોઅરની ગોઠવણ કરી કબાટના ત્રણ પાર્ટમાંથી, વચ્ચેનો પાર્ટ સંપૂર્ણપણે બહાર નીકળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.આ વચ્ચેનો પાર્ટ દૂર થતાં જ, નીચેના ભાગમાં ફોલ્ડિંગ કરેલી એક ટાઇલ્સ નજરે પડી.આ ટાઇલ્સને ઉપરની તરફ ખેંચતા જ નીચે અંડરગ્રાઉન્ડ (અંડર સાઉન્ડ) ભોયરું જોવામાં આવ્યું. આ ભોયરું જ બુટલેગરોનો ‘ગોડાઉન’ હતો.પોલીસે ટોર્ચની મદદથી ભોયરામાં તપાસ કરતાં, અંદર પાંચ ખાનાં પડેલા હતા, જેમાં પ્લાસ્ટિકના કોથળાઓમાં વીંટાળેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. આ જગ્યા ખાસ કરીને નાની બોટલો છુપાવવા માટે બનાવવામાં આવી હતી.પોલીસ સ્ટાફે અંદર ઉતરીને તપાસ કરતાં, માત્ર આ ગુપ્ત ભોયરામાંથી જ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો, જેણે પોલીસ ટીમને પણ આશ્ચર્યચકિત કરી દીધા. કુલ ₹ 19.38 લાખનો મુદ્દામાલ જપ્ત આ દરોડામાં પોલીસે બે અલગ-અલગ મકાનો અને એક કારમાંથી મળીને કુલ 3,348 દારૂની બોટલો/કવાર્ટરીયા જપ્ત કરી, જેની કિંમત ₹17,93,200/- થાય છે.પ્રથમ મકાનમાંથી દારૂ ઉપરાંત એક રીક્ષા (GJ 07 AT 0877) કિંમત ₹45,000/- અને બાજુના બંધ મકાનમાંથી મારૂતી સુઝુકી સ્વીફ્ટ કાર (GJ 15 PP 9925) કિંમત ₹1,00,000/- પણ જપ્ત કરવામાં આવી, જે કાર માલિક ચાવડા લાખાભાઈના નામે રજીસ્ટર્ડ હતી. પોલીસે વીજળીના મીટર વગર, સીધા વાયરો નાખીને પાવર ચોરી થતો હોવાનું પણ શોધી કાઢ્યું હતું. ફરાર આરોપીઓ સામે ગુનો દાખલ આ ગુનામાં પોલીસે મુખ્યત્વે રાણા લાખાભાઈ ચાવડા,હીરા લાખાભાઈ ચાવડા,નીલેશ ઉર્ફ ભદો મહેશભાઇ કટારા સામે ગુનો દાખલ કર્યો છે, જેઓ દરોડા દરમિયાન હાજર મળી આવ્યા ન હતા.જુનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટની કલમ 65 (A), 65(C), 65(E), 81, 98(2) મુજબ ગુનો નોંધીને, રેન્જ આઈજી સ્ક્વોડે ફરાર બુટલેગરોને ઝડપી પાડવા માટે વિશેષ શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોના અન્ય ગુપ્ત ઠેકાણાઓ પણ બહાર આવે તેવી સંભાવના છે.
