રાજ્ય સરકાર ખેડૂતો માટે આજે મોટો નિર્ણય લઈ શકે છે:CM ભૂપેન્દ્ર પટેલે સાંજે સમીક્ષા બેઠક બોલાવી, પાક સહાય પેકેજની જોગવાઈઓને અંતિમ રૂપ અપાશે
રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ નિર્ણાયક સાબિત થઈ શકે છે. કમોસમી વરસાદ અને કુદરતી આફતોના કારણે પાકને થયેલા ભારે નુકસાન બાદ સરકારે ખેડૂતોને રાહત આપવા માટે તૈયારીઓ તેજ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે અતિ મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે, જેમાં કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કૃષિમંત્રી અને નાણાંમંત્રી પણ ઉપસ્થિત રહેશે. સાંજે કૃષિ રાહત પેકેજની અંતિમ સમીક્ષા બેઠક
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ રાહત પેકેજની અંતિમ સમીક્ષા કરવાનો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર પેકેજના માપદંડો, સહાયની રકમ અને નાણાકીય જોગવાઈઓને અંતિમ રૂપ આપશે, જેથી ખેડૂતોને ઝડપથી સહાય મળી શકે. રાજ્ય સરકાર ખેડૂતોને ઐતિહાસિક રાહત આપવા માટે તૈયાર હોવાનું માનવામાં આવી રહ્યું છે અને જરૂરી હોય તો નિયમોમાં ફેરફાર કરીને પણ સહાય આપવાનો નિર્ણય લેવાઈ શકે છે. માવઠાંથી 16 હજાર ગામ અને 42 લાખ હેક્ટરના વાવેતરને નુકસાન
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સર્વેનો રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ ચૂક્યો છે. એસડીઆરએફના ધોરણો મુજબ ખેડૂતોને સહાય ચૂકવવા માટે કેન્દ્ર સરકારને જાણ કરવામાં આવી છે અને રાજ્ય સરકારના ભંડોળમાંથી પણ સહાય ચૂકવવાની વિચારણા ચાલી રહી છે. લગભગ 42 લાખ હેક્ટરથી વધારે અને 16 હજાર ગામથી વધારે ગામોમાં નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે. આ પણ વાંચો:ખેડૂતો માટે 7,000 કરોડથી વધુનું રાહત પેકેજ જાહેર થઇ શકે પાક નુકસાનીનો સર્વે પૂર્ણ
સરકાર દ્વારા પહેલેથી જ પાકના નુકસાનનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. હવે આ બેઠક બાદ રાહત પેકેજની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. લાંબા સમયથી રાહ જોતા ખેડૂતો માટે આ પેકેજ આર્થિક હૂંફરૂપ બનશે એવી આશા વ્યક્ત થઈ રહી છે. કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે જીતુ વાઘાણીની બેઠક
આજે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કૃષિવિભાગ દ્વારા જે પંચકામ કરવામાં આવ્યું છે જેમાં ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તે જાણી શકાય તે માટે આ બેઠક કરવામાં આવી હતી. ખેડૂતોની નજર આજની બેઠક પર
ગાંધીનગરમાં હાલ ઉચ્ચ સ્તરીય ચર્ચાઓનો ધમધમાટ છે. જો આ પેકેજ જાહેર થાય છે તો લાખો ખેડૂતોને તેનો સીધો લાભ મળશે અને તેઓ ફરીથી પાક વાવણી માટે પ્રેરણા મેળવી શકશે. આજની બેઠક બાદ જો તમામ વિભાગોમાં સહમતી બને, તો રાજ્ય સરકાર આવનારા દિવસોમાં રાહત પેકેજ જાહેર કરી શકે છે. એટલે ખેડૂતોની નજર આજની બેઠક પર ટકેલી છે. સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ફટકો
આ વખતે સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં કેટલાંય ગામડાંમાં કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. એને કારણે નુકસાન વધ્યું છે. જાણકારોનું માનવું છે કે આ વર્ષે 22 લાખ હેક્ટરથી વધુની જમીનમાં માત્ર મગફળીનું જ વાવેતર થયું હતું. એમાં પણ માત્ર સૌરાષ્ટ્રમાં જ 16 લાખ હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું હતું. એનું કારણ એવું છે કે ગત વર્ષે કપાસના ભાવો ઊપજ્યા નહોતા, આથી ખેડૂતોએ કપાસને બદલે મગફળી વધુ વાવી હતી. આ વધુ વાવેતર જ ખેડૂતોની આંખોમાં વધુ પાણી લાવી રહ્યું છે. આ પણ વાંચો:માવઠાંથી 16 હજાર ગામ અને 42 લાખ હેક્ટરના વાવેતરને નુકસાન,સરકાર પ્રતિ ખેડૂત 125 મણ મગફળી ખરીદશે 2020 અને 2024 કરતાં આ વખતે સ્થિતિ વધારે ખરાબ
2020માં કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન પેટે એ સમયે સરકારે 3795 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ અગાઉ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આવેલા ભારે વરસાદને કારણે પણ પાકને નુકસાન થતાં સરકારે ખેડૂતો માટે 947 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું, જોકે એ વખતે પંચમહાલ, કચ્છ, વાવ-થરાદ, પાટણ અને જૂનાગઢ એમ માત્ર 5 જ જિલ્લાના માત્ર 18 તાલુકાનો જ સમાવેશ કર્યો હતો. એ અગાઉ પણ ગત વર્ષે ઓક્ટોબર-2024માં કમોસમી વરસાદથી 20 જિલ્લાના 136 તાલુકાનાં 6112 ગામમાં પાકને નુકસાન થયું હતું, જેને કારણે સરકારે 1462 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જ્યારે આ વખતની સ્થિતિ વધુ ખતરનાક હોવાથી પેકેજની રકમ વધારવી પડે એમ છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં રાહત પેકેજ વખતે કઈ રીતે ગણતરી થઈ હતી?
ગત ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં અતિવૃષ્ટિની સ્થિતિમાં સરકારે પાક નુકસાનીની ટકાવારી અને પાકના પ્રકારને આધારે સહાયની રકમ નક્કી કરી હતી. એમાં બિનપિયત ખેતી પાક માટે 33% કે તેથી વધુ નુકસાન માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર 12 હજાર રૂપિયાની સહાય નક્કી કરાઇ હતી. જ્યારે પિયત પાકો માટે 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર 22 હજાર રૂપિયાની તેમજ બાગાયતી પાકો માટે 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર 27500 રૂપિયાની સહાય જાહેર કરાઇ હતી. ઉપરાંત વાવ થરાદ અને પાટણ જિલ્લાના ખેડૂતોને જમીની સુધારણા કામગીરી માટે પણ વિશેષ સહાય આપવાનું જાહેર કરાયું હતું. જે પ્રતિ હેક્ટર 20 હજાર રૂપિયા નક્કી કરાઇ હતી. રાહત પેકજ જાહેર કરવામાં સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખશે
વ્યાપક નુકસાન અને ખેડૂતોના રોષ વચ્ચે રાહત પેકેજ તૈયાર કરવાનું કામ સરકાર માટે અઘરું છે, કેમ કે જો રકમ ઓછી હશે તો ખેડૂતોમાં સરકાર સામેનો રોષ વધશે, જે સરકારને પોષાય એમ નથી, આથી જ સરકારે ટોચના અધિકારીઓને સૂચના આપી છે કે વાસ્તવમાં જે નુકસાન થયું હોય એની મહત્તમ ભરપાઈ થઇ શકે એ રીતનું વળતર ખેડૂતોને મળે એવું પેકેજ તૈયાર કરવું. આગામી મહિનાઓમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સરકારને ચિંતા છે, કેમ કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કદાચ આ રાહત પેકેજની કોઇ સકારાત્મક કે નકારાત્મક અસર નહીં થાય, પણ ગામડાંમાં એની વિશેષ અસર થઇ શકે છે. ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ કોંગ્રેસનું તેમજ આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ છે, જેથી આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેકેજ તૈયાર કરાઈ રહ્યું છે.
