Gujarati News

રાજકોટ મનપાનાં સિવિક સેન્ટર બહાર અરજદારોની લાંબી લાઈનો:જુદા-જુદા પોર્ટલથી જન્મ-મરણ વિભાગ મૂંઝવણમાં, અધિકારીએ કહ્યું, અલગ અલગ ત્રણ જગ્યાએ ડેટાબેઝ હોવાથી મુશ્કેલી

Published: November 4, 2025 • Language: English

રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હાલ મનપા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના એમ 3 અલગ-અલગ પોર્ટલ ઉપર ડેટા વિભાજિત હોવાને લઈ જન્મ-મરણના દાખલા કઢાવવા માટેની પ્રક્રિયા અત્યંત ધીમી પડી ગઈ છે. જેનાથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે અધિકારીએ લાઈનોનું કારણ તેમજ ત્રણેય પોર્ટલની જાણકારી આપી હતી. અને ટૂંક સમયમાં લાઈનો ઓછી થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. લાંબી લાઈનો થવા પાછળ તહેવારની રજાઓ
રાજકોટ મહાપાલિકાના અધિકારી પ્રેરિત જોશીએ આ અંગે જણાવ્યું હતું કે, લાંબી લાઈનો થવા પાછળનું મુખ્ય કારણ તાજેતરમાં ગયેલી દિવાળીના તહેવારની 9 દિવસની રજાઓ છે. રજાઓના કારણે જે અરજદારો દાખલા કઢાવી શક્યા નહોતા, તે તમામ લોકો એકસાથે આવતા આ પ્રશ્ન ઉભો થયો છે. હાલમાં સ્થિતિ લગભગ સામાન્ય જેવી જ છે અને આગામી 15 દિવસમાં આ પેન્ડન્સી પૂરી થઈ જશે અને ત્યારબાદ કામગીરી રૂટિન થઈ જશે. ‘ડેટા શિફ્ટ કરવામાં સમય લાગે છે’
કેન્દ્ર સરકારનું સીઆરએસ નામનું પોર્ટલ નવું એડોપ્ટ કર્યું હોવાનું જણાવીને અધિકારીએ ઉમેર્યું કે, કેન્દ્ર સરકારની લિંક મળ્યા બાદ ડેટાબેઝ શિફ્ટ કરવામાં થોડો સમય લાગશે. જોકે, કેન્દ્ર સરકારના આ પોર્ટલ પર મહાપાલિકા કોઈ ફેરફાર (સુધારો) કરી શકતી નથી અને તેના પર માત્ર 2020 પછીની એન્ટ્રી થઈ શકે છે. આ ઉપરાંત, 2020 પહેલાનો ડેટા રાજ્ય સરકારના પોર્ટલ ઉપર હોવાથી તેનો પણ ઉપયોગ કરવો પડે છે. જોકે આ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. અને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તેનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ત્રણ જુદી જુદી જગ્યાએ ડેટાબેઝથી પરેશાની
વધુમાં તેમણે જણાવ્યું કે, જ્યારે જન્મ-મરણની કામગીરી ડિજિટાઇઝ થઈ, ત્યારે સૌપ્રથમ કોર્પોરેશને પોતાનો સોફ્ટવેર બનાવ્યો હતો. ત્યારબાદ રાજ્ય સરકારે 2020માં ‘ઈ ઓળખ’ પોર્ટલ બનાવ્યું અને હવે 2025ના સપ્ટેમ્બર મહિનાથી મનપા કેન્દ્ર સરકારના પોર્ટલ પર કામ કરી રહી છે. આમ, ત્રણ જુદી જુદી જગ્યાએ ડેટાબેઝ હોવાથી જે અરજદારનો ડેટા જે પોર્ટલમાં હોય તેમાંથી કાઢીને આપવો પડે છે. જોકે આ સમસ્યા ઉકેલવા પ્રયાસ ચાલી રહ્યા છે. જેને લઈને ગણતરીના દિવસોમાં આ સમસ્યા હલ થવાની શક્યતા છે. અઠવાડિયાના 6 દિવસ ‘વારો’ સિસ્ટમ લાગુ
જન્મ-મરણ વિભાગે કામગીરીને સરળ બનાવવા માટે અઠવાડિયાના 6 દિવસ માટે વર્ષવાઈઝ કામગીરીનો ‘વારો’ નક્કી કર્યો છે. જેમાં સોમ અને મંગળવારે 2020 પહેલાના દાખલાનું કામ થાય છે. તો બુધ અને ગુરુવારે 2020થી 2025 વચ્ચેના દાખલાનું કામ કરવામાં આવે છે. જ્યારે શુક્ર અને શનિવારે 2025 એટલે કે હાલના તમામ જન્મ-મરણની નોંધણીનું કામ કરવામાં આવી રહ્યું છે. જોકે આ નિયમથી અજાણ અરજદારો કોઈપણ દિવસે આવી જતા હોવાથી પણ લાઈનો લાગે છે. ત્રણ પોર્ટલને કારણે અકળામણ
ઉલ્લેખનીય છે કે, જન્મ-મરણના દાખલા કઢાવવા માટે આવી રહેલા અરજદારોને લાંબા સમય સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. મહાપાલિકા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પોર્ટલ થકી દાખલા કાઢવામાં આવી રહ્યા છે, પરંતુ આ ટેકનિકલ ગુંચવણને કારણે અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. લાંબા સમયથી સ્ટાફ અને કિટની જરૂરિયાત હોવા છતાં પદાધિકારીઓ આ દિશામાં કાર્યવાહી કરવાને બદલે ધ્યાન પણ આપતા ન હોવાનો ભોગ પણ અરજદારો બની રહ્યા છે. ત્યારે આ મામલે ક્યારે અને શું પગલાં લેવાશે તે તો આવનારો સમય જ બતાવશે.

Read more

← Back to Home