રાજકોટ ક્રાઇમ ન્યુઝ:રેલનગરમાં ભુર્ગભ ગટરનું કામ કરતી વખતે નીચે પટકાયેલ યુવકનું સારવાર દરમિયાન મોત, મૂળ જામનગરનો વતની સેન્ટ્રીંગ કામની મજૂરી કરતો હતો
મૂળ જામનગરનો વતની અને હાલ રાજકોટના રેલનગરમાં ફાયરબ્રીગેડ પાસે રહેતો મનીષ મોહનભાઇ ડાભી ગત તા.16 નવેમ્બરના રોજ ઘર નજીક ભુર્ગભ ગટરનું કામ ચાલતું હોય ત્યારે સેન્ટ્રીંગ કામ કરતો હતો દરમિયાન ગટરના દસેક ફુટ ઉંડા ખાડામાં ખાબક્યો હતો જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં આજે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા પ્રદ્યુમનનગર પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મનીષ ત્રણ ભાઇઓમાં નાનો અને અપરણિત હતો પોતે રાજકોટમાં સેન્ટ્રીંગ કામની મજૂરી કરતો હતો. નેપાળી યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત ગોંડલ રોડ પર આવેલ એક કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર ઓરડીમાં રહેતા અને ત્યાં જ કોમ્પલેક્ષની ચોકીદારી કરતા પુરનસીંગ પ્રતાપસીંગ સુનાર (ઉ.વ.45)એ આજે વહેલી સવારે અગાશી પર પાળી સાથે વાયર બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. રાત્રે ઓરડીમાં પુરનસીંગ પત્ની સાથે સુતો હતો ત્યારબાદ સવારે જોવા ન મળતા પત્ની જાલુબેન તેની શોધખોળ કરવા નીકળી હતી. દરમિયાન અગાશી પર પહોંચતા પતિ પુરનસીંગ લટકતો જોવા મળ્યો હતો જેથી દેકારો કરતા ટોળુ એકઠું થઇ ગયું હતું અને પુરનસીંગને ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પુરનસીંગને સંતાનમાં બે દીકરા અને એક દીકરી હોવાનું સામે આવ્યું છે છે. યુવકે ક્યાં કારણસર આપઘાત કર્યો તે અંગે પરિવારજનો પણ અજાણ હોય જેથી ભક્તિનગર પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ઇમિટેશનના ધંધાર્થી યુવકનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ ભાવનગર રોડ પર થોરાળા પોલીસ સ્ટેશન સામે મેરામબાપાની વાડીમાં રહેતા ગોપાલ જીલાભાઇ શીંગાળા (ઉ.22)એ ગત મોડી રાત્રે પોતાના ઘરે પંખામાં ચુની બાંધી ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તેની નાની બહેન જોઇ જતા પરિવારના અન્ય સભ્યો દોડી આવ્યા હતા તેઓએ ગોપાલને ઉતારી સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ગોપાલ બે ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજા નંબરનો અને અપરિણીત છે. તે ઇમીટેશનનું કામ કરી પરિવારને મદદરૂપ થાય છે. ક્યાં કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેનાથી પરિવારજનો અજાણ હોય જેથી બનાવ અંગે થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જયારે બીજા બનાવમાં યુનિવર્સીટી કેમ્પસની અંદર આવેલી સરકારી સમરસ હોસ્ટેલમાં રહેતા અને અભ્યાસ કરતા 18 વર્ષના યુવકે કોઇ કારણસર ફીનાઇલ પી જતા સારવાર માટે તેને સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જે અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 21 વર્ષીય યુવાનનું બેભાન હાલતમાં મોત ગોડાઉન રોડ પર આરાધના સોસાયટીમાં રહેતો મુન્ના સુખદેવ ઝરીયા (ઉ.વ.21) નામનો યુવક વહેલી સવારે ઘરે બેભાન થઇ જતા સારવાર માટે તેને સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલા જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ ડિવીઝન પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મુન્નો ટીબીની બીમારીથી પીડાતો હતો અને દારૂ પીવાની ટેવ ધરાવતો હતો પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. 19 વર્ષીય યુવાનનું અચાનક બેભાન હાલતમાં થયું મોત ઘાંચીવાડ શેરી નંબર 7માં રહેતો સાદીફુલ ઇસ્લામભાઈ મંડલ (ઉં.વ.19) ગઈકાલે રાત્રે 2.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતો ત્યારે બેભાન થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોક્ટરે તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો. મૃતક મૂળ પશ્ચિમ બંગાળના વતની છે અને પિતા ઘરેણાં ઘડવાનું મજૂરી કામ કરે છે. પુત્ર સાદીફુલ ચાંદી પોલીસનું કામ શીખતો હતો અને તે માતા પિતાનો એકનો એક પુત્ર હતો. મોડી રાત્રે બધા સુતા હતા ત્યારે સાદીફુલ અચાનક જોર જોરથી શ્વાસ લેવા લાગ્યો હતો જેથી પરિવાર દ્વારા પૂછ્યું શું થાય છે પૂછ્યું પરંતુ કંઈ બોલે તે પહેલા બેભાન થઈ ગયો હતો. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.
