મૂર્ઘા ગેંગનો સાગરીત ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો:રાજકોટ પોલીસે 4 દિવસમાં ચાર હથિયાર કબજે કર્યા, સમીર ઉર્ફે મૂર્ઘો હજુ ફરાર; મંગળા રોડ ફાયરિંગ કેસ કુલ 13ની ધરપકડ
રાજકોટ શહેરના મંગળા રોડ પરના ફાયરિંગ કેસમાં પોલીસે અત્યાર સુધી કુલ 13 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે આ ઘટનામાં પોલીસે ફાયરિંગમાં વપરાયેલા બે હથિયાર તેમજ મૂર્ઘા ગેંગના સાગરીત મુજકકીર ઉર્ફે મુઝૂડાને ઝડપી પાડી મૂર્ઘાએ સાચવવા આપેલા ગેરકાયદે હથિયાર સહિત કુલ 4 હથિયાર કબજે કરી પૂછપરછ હાથ ધરી હતી. જોકે, સમીર ઉર્ફે સંજય ઉર્ફે મૂર્ઘો જુણેજા હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાથી તેને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, મૂર્ઘાનો સાગરીત હથિયાર સાથે ઝડપાતા અલગથી ફરિયાદ SOG દ્વારા દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત ફાયરિંગ તેમજ હથિયારના ગુનામાં પણ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવશે અને નજીકના દિવસોમાં આ બંને ગેંગ ઉપરાંત અન્ય એક ગેંગ મળી 3 ગેંગ સામે ગુજસીટોક હેઠળની કાર્યવાહી પોલીસે તેજ કરી છે. મૂર્ઘા ગેંગનો વધુ એક સાગરીત હથિયાર સાથે ઝડપાયો
રાજકોટ શહેર ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, 29 ઓક્ટોબરના રોજ મંગળા રોડ પર ફાયરિંગની ઘટના બાદ SOG દ્વારા બે ગેરકાયદે હથિયાર સાથે બે આરોપીની ધરપકડ કરી છે. SOGને ચોક્કસ બાતમી મળી હતી કે, પેંડા ગેંગના સાગરીતોને હથિયાર સંજયસિંહ ઉર્ફે ચિન્ટુ ઝાલા દ્વારા આપવામાં આવ્યું હતું. જેથી તેની તપાસ કરતા અન્ય એક હથિયાર મળી આવતા ફરિયાદ દાખલ કરી જેલહવાલે કર્યા બાદ પેંડા ગેંગને હથિયાર સપ્લાય કરવાના કેસમાં ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી ફાયરિંગ કેસમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. SOGએ ચાર ગેરકાયદે હથિયાર કબજે કર્યા
જ્યારે ગઈકાલે (3 નવેમ્બર) સમીર ઉર્ફે મૂર્ઘો ગેંગના સાગરીત મુજક્કીર ઉર્ફે મુઝૂડાને ગેરકાયદે હથિયાર સાથે ઝડપી પાડી તેની પાસેથી હથિયાર તેમજ કાર્ટીસ મળી કુલ રૂ. 30,200 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે હથિયાર અંગે પૂછતા સમીર ઉર્ફે મૂર્ઘાએ આપ્યું હોવાની કબુલાત કરતા તેની પણ ધરપકડ કરવામાં આવશે. આમ છેલ્લા 4 દિવસમાં ફાયરિંગમાં વપરાયેલા બે મળી કુલ 4 ગેરકાયદે હથિયાર SOG દ્વારા કબજે કરવામાં આવ્યા છે. પેંડા ગેંગના ભરત ડાભી અને કમલેશ મેતાની પણ ધરપકડ
ફાયરિંગ કેસમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા તેમણે આસરો આપનાર શખસો અંગે જાણવા મળ્યું હતું કે, પેંડા ગેંગના આરોપી ભયલો ગઢવી અને તેના સાથીદારો ફાયરિંગ કરી અલગ અલગ કારમાં ભાગ્યા હતા. જેમાં સ્વિફ્ટ કારમાં રહેલા શખસોને રાજકોટનો ભરત ડાભી પોતાની કારમાં દ્વારકા મૂકી આવ્યો હતો. જ્યારે I20 કારમાં નાસી છૂટેલા શખસો બાબરા નજીક કમલેશ મેતાની વાડીમાં છુપાયા હતા. જેથી પોલીસે ભરત ડાભી અને કમલેશ મેતાની પણ ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં બંને આરોપીઓ વિરૂદ્ધ પણ હત્યાની કોશિશ, રાયોટિંગ, મારામારી સહિતના અનેક ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. કમલેશ મેતા વિરૂદ્ધ તો અગાઉ હત્યાનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે. ફાયરિંગ કેસનો મુખ્ય આરોપી સમીર ઉર્ફે મૂર્ઘો હજુ ફરાર
ઉલ્લેખનીય છે કે, વારંવાર હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલા પેંડા અને મૂર્ઘા ગેંગ સામે તેમજ NDPS ના ગુનામાં સંડોવાયેલી એક ગેંગ સામે પણ પોલીસ કડક કાર્યવાહી કરવા ગુજસીટોક હેઠળ તપાસ તેજ કરી છે. ફાયરિંગ કેસના મુખ્ય આરોપી સમીર ઉર્ફે સંજય ઉર્ફે મૂર્ઘો જુણેજાને ઝડપી પાડવા અલગ અલગ દિશામાં અલગ અલગ ટીમો રવાના કરવામાં આવી છે. આ આરોપીઓ એક-બે દિવસમાં ઝડપાઈ જશે તેવો પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
