માત્ર 9 કલાકમાં બે પરિવારનો પોતાના સ્વજનના અંગદાનનો નિર્ણય:છ દર્દીઓને નવા જીવનની ભેટ, બંને દર્દીઓના કિડની અને લીવર દાન કરવા મંજૂરી આપી
શહેરની સિવિલ હોસ્પિટલમાં માત્ર 9 કલાકમાં 2 અલગ અલગ પરિવારોએ પોતાના સ્વજનોના અંગદાનનો નિર્ણય લીધો જેનાથી કુલ 6 અંગો મળ્યા અને આ 6 અંગોથી 6 લોકોને નવું જીવનદાન મળ્યું. પહેલા કિસ્સામાં વિરમગામના ખેંગારીયા ગામના 35 વર્ષીય સંજયભાઈને 14 નવેમ્બરે મગજમાં હેમરેજ થતાં શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસની સારવાર બાદ 17 નવેમ્બરે તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા. અંગદાન ટીમનાં ડો. મોહિત ચંપાવત દ્વારા સમજાવ્યા બાદ સંજયભાઈની પત્ની સજનબેને પતિના બે કિડની અને એક લિવર દાન કરવા મંજૂરી આપી. 4 કિડની અને 2 લિવરનું પ્રત્યારોપણ કરાશે
બીજા બનાવમાં 48 વર્ષીય મહિલા દર્દીને પણ ICUમાં સારવાર દરમિયાન 17 નવેમ્બરે બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. અંગદાન ટીમના ડો. ભાવેશ પ્રજાપતિની સમજણ બાદ પરિવારજનોએ બે કિડની અને એક લિવર દાન કરવાનો નિર્ણય લીધો. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યા મુજબ, આ બન્ને દાનોમાંથી મળેલા 4 કિડની અને 2 લિવરનું પ્રત્યારોપણ સિવિલ મેડિસિટી કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે. કુલ 182 પેશીઓનું દાન પ્રાપ્ત થયું
વધુમાં જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં અંગદાન કાર્યક્રમ શરૂ થયા પછી અત્યાર સુધી 220 અંગદાતાઓ દ્વારા કુલ 911 અંગો અને પેશીઓનું દાન મળ્યું છે. તેમાં 404 કિડની, 194 લિવર, 71 હૃદય, 34 ફેંફસા, 18 સ્વાદુપિંડ, 6 હાથ અને 2 નાનાં આંતરડાં સહિતનાં અગત્યનાં અંગોનો સમાવેશ થાય છે. તેમજ 156 ચક્ષુ અને 26 ચામડી સહિત કુલ 182 પેશીઓનું દાન પણ પ્રાપ્ત થયું છે. અંગદાતા પરિવારોનો આભાર વ્યક્ત કર્યો
સિવિલ હોસ્પિટલનું કહેવું છે કે, આ માત્ર આંકડા નથી, પરંતુ ગુજરાતમાં વધી રહેલી અંગદાન જાગૃતિનો જીવંત પુરાવો છે. હોસ્પિટલએ તમામ અંગદાતા પરિવારોનો આભાર વ્યક્ત કર્યો છે અને વધુમાં વધુ લોકો આ કાર્યમાં જોડાય તેવી અપીલ કરી છે.
