મહીસાગરમાં PI અને મહિલા કોન્સ્ટેબલનું ઈલુ-ઈલુ:કથિત પ્રેમ પ્રકરણમાં મહિલા કોન્સ્ટેબલ સસ્પેન્ડ, PIને લીવ રિઝર્વ પર મૂકાયા
મહીસાગરમાં PI અને મહિલા કોન્સ્ટેબલના કથિત પ્રેમ પ્રકરણમાં જિલ્લા પોલીસવડા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મહીસાગર જિલ્લા પોલીસમાં કોઠંબા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની સાથી મહિલા કોન્સ્ટેબલ વચ્ચેના કથિત લગ્ન બહારના (આડા) સંબંધોનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલો જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સુધી પહોંચતા તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવ્યા છે. SP સફીન હસન દ્વારા કાર્યવાહી
મહીસાગર SP સફીન હસન દ્વારા મુંબઈ પોલીસ (શિક્ષા અને અપીલ) નિયમો 1956ના નિયમ-3(1-અ)(1) આધારે તાત્કાલિક અસરથી મહિલા કોન્સ્ટેબલને ફરજ મોકુફ (સસ્પેન્ડ) કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, સાથે પોલીસ ઇન્સ્પેક્ટરને લીવ રિઝર્વ પર મૂકાયા છે. મહીસાગર SP સફીન હસન દ્વારા 29-10-2025 તારીખે જાહેર કરવામાં આવેલા હુકમમાં જણાવવામાં આવ્યું છે કે જો આ ગેરવર્તણૂંક ખાતાકીય તપાસના અંતે પુરવાર થાય તો ફરજિયાત નિવૃત્તિ, રૂખસદ કે બરતરફી જેવી ગંભીર શિક્ષામાં પરિણમી શકે છે. વળી, ફરજ પર ચાલુ રાખવાથી સત્તાનો દુરઉપયોગ કરી સાક્ષી પુરાવાનો નાશ થઈ શકે તેમ હોવાથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. મહિલા કોન્સ્ટેબલના પતિએ જ SP કચેરીએ જાણ કરી
આ કથિત પ્રેમ પ્રકરણમાં SP સુધી આ મામલો પહોંચવાનું મુખ્ય કારણ મહિલા કોન્સ્ટેબલના પતિ છે. મહિલા કોન્સ્ટેબલના પતિને આ સમગ્ર માહિતી મળતા, તેમના દ્વારા આ બાબતે SP કચેરીમાં જાણ કરવામાં આવતા જિલ્લા પોલીસવડા સફીન હસન દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કથિત પ્રેમપ્રકરણમાં કાર્યવાહીને પગલે સમગ્ર પોલીસ બેડામાં આ ચર્ચાનો વિષય બન્યો છે.
