ભત્રીજાએ કાકી પર લૂંટના ઇરાદે હુમલો કર્યો:ગઢડાના સીતાપર ગામે દેવું ચૂકવવા દાગીના લૂંટવાનો પ્રયાસ, પોલીસે ધરપકડ કરી
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સીતાપર ગામે વૃદ્ધ મહિલા પર થયેલા જીવલેણ હુમલાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ કેસમાં વૃદ્ધ મહિલાનો સગો ભત્રીજો જ આરોપી નીકળ્યો છે, જેણે દેવું ચૂકવવાના ઇરાદે લૂંટનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી કાનજી ઉર્ફે કાન્તિ રામજી સતાણીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત ૩ નવેમ્બરના રોજ કાનજી સતાણીએ પોતાના સગા કાકીને નિશાન બનાવીને લૂંટના ઇરાદે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી કાનજી સતાણીને મોટું દેવું થઈ ગયું હતું. આ દેવું ચૂકવવા માટે તેણે શોર્ટકટ અપનાવવાનું નક્કી કર્યું અને પોતાના જ કાકીના કાનમાં પહેરેલા સોનાના દાગીના લૂંટવાનો ઘાતકી પ્લાન બનાવ્યો હતો. આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા માટે બોટાદ પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી. પોલીસની ટીમ સાથે આવેલો ‘જેની’ નામનો ડોગ આરોપીના ઘર પાસે જઈને ઊભો રહેતા પોલીસને કાનજી પર શંકા ગઈ હતી. ડોગ સ્ક્વોડના આ સંકેતને પગલે પોલીસે કાનજી ઉર્ફે કાન્તિની સઘન પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આરોપી કાનજી સતાણીએ દેવું ચૂકવવાના બદઈરાદાથી કાકી પર હુમલો કર્યાની કબૂલાત કરી હતી. બોટાદ ડિવાયએસપી મહર્ષિ રાવલે આ અંગે માહિતી આપી હતી અને પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
