બે કલાકમાં રાજુલામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો:ટીંબી ગામની રુપેણી નદીમાં પૂર, આજે ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ; 3 દિવસ ભારે વરસાદ સાથે વાવાઝોડાની ચેતવણી
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં ડિપ્રેશનને કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આજે ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે જુનાગઢ, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોએ સતર્ક રહેવું જોઈએ. હાલમાં ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારી, સાબરકાંઠા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદ તાલુકાના ટીંબી ગામની રુપેણી નદીમાં ફરીવાર પૂર આવ્યું છે. ઉના શહેરમાં સતત ધોધમાર વરસાદ પડવાના કારણે રોડ પર પાણી ભરાતા લોકો મુશ્કેલી અનભવી રહ્યો છે. સવારના 6થી 4 વાગ્યા સુધીમાં રાજ્યના 63 તાલુકામાં માવઠું વરસ્યું છે. બપોરના 2થી 4 વાગ્યા એટલે કે, બે કલાકમાં જ અમરેલીના રાજુલામાં 1.34 ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા છથી સાત દિવસથી પડી રહેલાં કમોસમી વરસાદથી ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. હવે સરકાર સહાય કરે તે માટે ખેડૂતો મીટ માંડીને બેઠા છે. આ વર્ષે ઓક્ટોબરમાં સૌથી વધુ સરેરાશ સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો
ગુજરાતમાં આ વર્ષે દિવાળી બાદ પણ કમોસમી વરસાદ ચાલુ રહેતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છિનવાઈ ગયો છે. ઓક્ટોબર મહિનો ખેડૂતો માટે આકરો સાબિત થયો છે. કારણ કે, છેલ્લા દસ વર્ષમાં આ વર્ષે ઓક્ટોબર મહિનામા સૌથી વધુ સરેરાશ સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા છ દિવસમાં રાજ્યમાં સરેરાશ અઢી ઈંચ વરસાદ ખાબકતા ખેતીપાકને વ્યાપક નુકસાન થયું છે. હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ દિવસ રાજ્યમાં છુટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં સરેરાશ અઢી ઈંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા 6 દિવસથી અલગ અલગ વિસ્તારમાં ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છ દિવસમાં રાજ્યમાં સરેરાશ અઢી ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા છ દિવસ દરમિયાન સૌથી વધુ જે તાલુકાઓમાં વરસાદ વરસ્યો તેની વિગત નીચે મુજબ છે.
