Gujarati News

બાળકના રસીકરણ સમયે વીડિયો કોલમાં મશગુલ નર્સની બદલી:ફિક્સ પગારમાં એક વર્ષ વધારે નોકરી કરવી પડશે, બેદરકારી અને શિસ્તભંગ કરતાં રાજકોટ આરોગ્ય વિભાગની કાર્યવાહી

Published: November 12, 2025 • Language: English

રાજકોટનાં નાનામૌવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ દરમિયાન વીડિયો કોલમાં વ્યસ્ત રહીને નાના બાળકનું રસીકરણ કરવાની ગંભીર બેદરકારી દાખવનાર ફીમેલ હેલ્થ વર્કર એકતાબેન શિંગાળીયા સામે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવ્યા છે. દિવ્યભાસ્કર દ્વારા આ ઘટના સામે લાવવામાં આવ્યા બાદ મનપાના આરોગ્ય અધિકારી દ્વારા ત્વરિત તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન નર્સની બેદરકારી સાબિત થતાં તેની બદલી અને ફિક્સ પગારનાં સમયમાં વધારો જેવી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. બેદરકારીનો વાયરલ વીડિયો અને તપાસ
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે તા. 10ના સવારે 10:30 કલાકે નાનામૌવા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા FHW એકતાબેન શિંગળીયાનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેઓ રસીકરણની સંવેદનશીલ કામગીરી દરમિયાન તેના અંગત મોબાઈલ ફોન પર વીડિયો કોલમાં પોતાના સ્વજન સાથે વાતચીત કરવામાં મશગૂલ હોવાનું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. તેમનું ધ્યાન કામગીરીને બદલે ફોન પર હોવાથી બાળકના રસીકરણની સુરક્ષા અને ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા હતા. આ વીડિયો વાયરલ થતા જ આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ આ ગંભીર બેદરકારીને તાત્કાલિક ધ્યાનમાં લીધી હતી. અને ખાતરી આપી હતી કે, તપાસમાં બેદરકારી સામે આવશે તો નર્સ સામે નિયમ મુજબ શિસ્તભંગના કડક પગલાં લેવામાં આવશે. તપાસ કમિટીનું ગઠન અને ઘટનાની પુષ્ટિ
આરોગ્ય અધિકારીના આદેશ બાદ તાત્કાલિક ધોરણે એક તપાસ કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું, જેમાં RCH અધિકારી, CTTB ઓફિસર અને મેનેજરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કમિટી દ્વારા તપાસ પૂર્ણ કરવામાં આવી છે. તપાસ કમિટીએ ઘટના સમયે હાજર તમામ સ્ટાફના નિવેદનો નોંધ્યા હતા. જેમાં ફીમેલ હેલ્થ વર્કર એકતાબેન શિંગળીયાનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું. નિવેદનો અને પુરાવાઓના આધારે, તપાસ કમિટીએ એ વાતને સમર્થન આપ્યું હતું કે ખરેખર નર્સ દ્વારા રસીકરણની કામગીરી દરમિયાન વીડિયો કોલમાં પોતાના સ્વજન સાથે વાતચીત કરવામાં આવી રહી હતી. આથી, ફરજ પ્રત્યેની બેદરકારી અને શિસ્તભંગની ઘટના સાબિત થઈ હતી. બેદરકારી બદલ લેવાયેલા પગલાં
આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું કે, આ ઘટના સાબિત થતાં આરોગ્ય શાખા દ્વારા તાત્કાલિક શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. જેમાં ફીમેલ હેલ્થ વર્કર એકતાબેન શિંગળીયાની તાત્કાલિક અસરથી નાનામૌવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી મોરબી રોડ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓ કાયમી કર્મચારી છે અને 5 વર્ષના ફિક્સ પગારના સમયગાળામાં હતા. જોકે આ બેદરકારી બદલ, તેમનો ફિક્સ પગારનો સમયગાળો 5 વર્ષથી વધારીને 6 વર્ષ કરવા માટેની ભલામણ વહીવટી શાખાને કરવામાં આવી છે. આગામી સમયમાં મેઈન શાખા દ્વારા આ અંગેનો આદેશ જારી કરીને અમલ પણ કરવામાં આવશે. આ પ્રકારે કામગીરીના સમય દરમિયાન બેદરકારી દાખવવી એ ફરજ પરની ગંભીર બેદરકારી ગણાય છે, જેને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, રસીકરણ જેવી સંવેદનશીલ પ્રક્રિયા દરમિયાન વીડિયો કોલમાં મશગૂલ રહેવું એ બાળકની સુરક્ષા પર મોટો સવાલ ઊભો કરે છે. ઇન્જેક્શન આપતી વખતે જો નર્સનું ધ્યાન વિડીયો કોલમાં હોય તો ડોઝની માત્રા, ઇન્જેક્શન આપવાની જગ્યા અથવા પ્રક્રિયામાં ભૂલ થવાની સંભાવના રહે છે, જે બાળકના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. જોકે, તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને અન્ય કર્મચારીઓ માટે પણ એક દાખલો બેસાડવામાં આવ્યો છે કે સરકારી ફરજોમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

Read more

← Back to Home