Gujarati News

પોરબંદરમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરૂ:જિલ્લા ચૂંટણી અધિકારીએ SIR અંગે માહિતી આપી

Published: November 4, 2025 • Language: English

પોરબંદર જિલ્લામાં મતદાર યાદીની શુદ્ધતા સુનિશ્ચિત કરવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા ખાસ સઘન સુધારણા (SIR) ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત જિલ્લાના તમામ બૂથોમાં 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ઘર-ઘર ગણતરીનો તબક્કો ચાલશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.ડી. ધાનાણીએ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અંગે વિગતવાર માહિતી આપી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, બૂથ લેવલ ઓફિસર (BLO) મતદારોના ઘરે જઈને બે નકલવાળા ગણતરી ફોર્મ આપશે. મતદારે આ ફોર્મમાં જરૂરી વિગતો ભરવાની રહેશે અને પોતાનો રંગીન ફોટો ચોંટાડી સહી સાથે એક નકલ BLO ને પરત કરવાની રહેશે. આધાર નંબર આપવો વૈકલ્પિક છે. જો મતદાર પોતે હાજર ન હોય, તો પરિવારનો કોઈ સભ્ય પણ ફોર્મ ભરીને આપી શકશે. જો કોઈ મતદાર ત્રણ વખતની મુલાકાત છતાં મળી ન આવે, તો BLO દ્વારા તે અંગે નોંધ લેવામાં આવશે. આ ઝુંબેશ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 483 BLO અને સુપરવાઇઝર્સ તહેનાત કરવામાં આવ્યા છે. મતદાર યાદીનો ડ્રાફ્ટ 9 ડિસેમ્બરે પ્રસિદ્ધ કરવામાં આવશે. કલેક્ટર એસ.ડી. ધાનાણીએ તમામ લાયક મતદારો યાદીમાં સમાવિષ્ટ થાય અને કોઈ પણ ચૂકી ન જાય તે માટે નાગરિકોને સહકાર આપવા અપીલ કરી હતી.

Read more

← Back to Home