Gujarati News

પૈસા માટે ડ્રાઈવરની ગદ્દારી:ગાંધીનગરના સરગાસણની સાઇટ પરથી હીટાચી મશીનનો ડ્રાઇવર 3.36 લાખના સ્પેરપાર્ટ્સ ચોરી વતન ભાગી ગયો

Published: November 4, 2025 • Language: English

ગાંધીનગરના સરગાસણ ખાતે નેનોસિટી સાઇટ પર કામ કરી રહેલા એક હીટાચી મશીનનો ડ્રાઇવર મશીનમાંથી અંદાજે 3.36 લાખની કિંમતના મહત્વના સ્પેરપાર્ટ્સની ચોરી કરીને વતન ભાગી ગયો હતો. આ ચોરી કરેલો માલ પરત આપવા માટે મશીનના સંચાલક પાસેથી પૈસા પડાવ્યા છતાં તેણે આજદિન સુધી સ્પેર પાર્ટસ પરત નહીં કરતા ઇન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાઈ છે. 26 હજારના પગારે ડ્રાઈવરને નોકરી પર રાખ્યો હતો
ગાંધીનગરના પાલજ ગામ ખાતે રહેતા ખુડુભાઈ ભાવેસભાઈ વણઝારાએ તેમના માસીના દીકરા રમેશભાઈ ચૌહાણની માલિકીનું હીટાચી મશીન 2021માં ખરીદ્યું હતું . જેનો માટીકામમાં ઉપયોગ થાય છે. તેમણે એક મહિના પહેલાં ઉપેન્દ્રસિંઘ ઉર્ફે અમિત (રહે. ગામ રેવા, જિ. સતના, મધ્યપ્રદેશ) નામના વ્યક્તિને માસિક 26,000ના પગારથી ડ્રાઇવર તરીકે નોકરીએ રાખ્યો હતો. જેને ગયા મહિનાનો પગાર પણ તેને ચૂકવવામાં આવ્યો હતો. ગત તા. 27 ઓક્ટોબરના રોજ ખુડુભાઈ સાઇટ પર ગયા ત્યારે કામ બંધ હતું અને હીટાચી મશીન તથા ડ્રાઇવર ઉપેન્દ્રસિંઘ બન્ને હાજર હતા. બીજા દિવસે તા. 28ના રોજ સવારે નવેક વાગે ખુડુભાઈ સાઇટ પર જતાં હીટાચી મશીન તો ત્યાં હતું. પરંતુ ડ્રાઇવર ઉપેન્દ્રસિંઘ ગાયબ હતો. બાદમાં હીટાચી મશીનની તપાસ કરતાં મશીનમાંથી મીટરની ડિસ્પ્લે તેમજ એક્સિલરેટર મોટર ગાયબ હતી. અને ડ્રાઇવર ઉપેન્દ્રસિંઘ ચોરી કરીને ભાગી ગયો હોવાનું સ્પષ્ટ થયું હતું. હિટાચીના સ્પેરપાર્ટસ ગીરો મૂકીને ઉછીના પૈસા લઈ લીધા!
ઘણા પ્રયાસો છતાં ઉપેન્દ્રસિંઘનો સંપર્ક થયો નહોતો. આખરે તા. 1 નવેમ્બરના રોજ તેના મોબાઇલ પર સંપર્ક થયો હતો. ત્યારે ઉપેન્દ્રસિંઘે જણાવ્યું હતું કે, હું મારા વતનમાં આવી ગયો છું અને હીટાચી મશીનની ડિસ્પ્લે અને એક્સિલરેટર મોટર મારી પાસે છે. તેણે કબૂલ્યું હતું કે તેને પૈસાની જરૂર હોવાથી તેણે આ વસ્તુઓ એક વ્યક્તિને આપીને ઉછીના પૈસા લીધા છે. જેણે ધમકી આપી હતી કે ,તમે મને પૈસા મોકલાવો તો જ હું તમને તમારી વસ્તુઓ પાછી મોકલાવી દઉં. આખરે ખુડુભાઈએ તેની માંગણી મુજબ મોકલાવેલ સ્કેનર ઉપર 15 હજાર મોકલી પણ આપ્યા હતા.જોકે પૈસા મોકલાવ્યા છતાં ઉપેન્દ્રસિંઘે વસ્તુઓ પાછી મોકલાવી નહોતી અને વધારે પૈસાની માંગણી કરી હતી. આથી ખુડુભાઈ વણઝારાએ હીટાચી મશીનના ડ્રાઇવર ઉપેન્દ્રસિંઘ ઉર્ફે અમિત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Read more

← Back to Home