પૈસાની લેતીદેતી મામલે હુમલો:પૈસાની લેતી-દેતીમાં યુવક અને તેના પિતા પર જીવલેણ હુમલો, ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ
શહેરના તિલકનગર વિસ્તારમાં રહેતા એક યુવક અને તેના પિતા પર ગત રાત્રે મિત્ર સહિત ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં જૂની રૂપિયાની લેતી-દેતી બાબતે થયેલી બોલાચાલીની દાઝ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં યુવકને માથાના ભાગે છરીના ઘા માર્યો હતો અને પિતાને પણ ગંભીર ઇજાઓ થતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ ત્રણેય શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે થી જાણવા વિગતો અનુસાર શહેરના તિલકનગર વિસ્તારમાં આવેલ ચારભાઈ બીડીવાળો ખાંચો પ્લોટ નં. 768 ખાતે રહેતા ભાવિન મુકેશભાઈ રાઠોડ ઉ.વ. 25 એ ફરિયાદ નોંધાવી હતી કે, ગતરાત્રિના આશરે અગિયાર વાગ્યાના સુમારે તેઓ પોતાના પરિવાર સાથે ઘરમાં હાજર હતા. ત્યારે રાત્રે ઘરનું બારણું ખખડાવતા તેના પિતાએ બારણું ખોલ્યું હતું. બહાર ભાવિનના મિત્ર દર્શન અને તેના અન્ય મિત્રો ઊભા હતા. પિતાના બોલાવવાથી ભાવિન બહાર આવતા જ દર્શન હરેશભાઈ મકવાણા જેમફાવે તેમ બોલવા લાગ્યો અને ગાળો આપવા લાગ્યો હતો. દર્શને ભાવિન અને તેમના પિતાને ઢીકા-પાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. જ્યારે ગાળો દેવાની અને માર મારવાની ના પાડી, ત્યારે દર્શન એકદમ ઉશ્કેરાઈ ગયો અને તેના હાથમાં રહેલ છરી વડે એક ઘા ભાવિનના માથામાં મારી દીધો હતો, દર્શનની સાથે આવેલ ભાવેશ ચુડાસમાના હાથમાં ધોકો વડે તેણે ભાવિન અને તેમના પિતાને માર મારમાર્યો હતો, આ દરમિયાન, પાછળથી દેવ ઉર્ફે ઢેબર વિનુભાઈ બારૈયા પણ આવ્યો, જેના હાથમાં પાઇપ હતો. દેવે આ પાઇપ વડે ભાવિનના પિતાના માથામાં ઘા માર્યો હતો, દેકારો થતાં ભાવિનના કાકા-કાકી તથા પડોશી સહિતના લોકો દોડી આવ્યા હતા. આ જોઈને ત્રણેય હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જતા-જતા દર્શને ભાવિનને ધમકી આપી હતી કે, “આજ તો તું બચી ગયો, હવે મળ્યો એટલે તને પતાવી દેવાનો છે.” હુમલા માં ઈજાગ્રસ્ત ભાવિન અને તેમના પિતાને 108 મારફતે સર.ટી.હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરે ભાવિનના માથાના ભાગે ટાંકા લીધા હતા, આ બનાવનું કારણ આશરે એકાદ વર્ષ પહેલા ભાવિનની તેમના મિત્ર દર્શન સાથે રૂપિયાની લેતી-દેતી થઈ હતી. આ બાબતે અવારનવાર બોલાચાલી થતી હતી, જેની દાઝ રાખીને દર્શન, ભાવેશ અને દેવ ઉર્ફે ઢેબરે એકબીજાની મદદગારી કરીને આ જીવલેણ હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી, ભાવિનએ સારવાર બાદ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે દર્શન, ભાવેશ અને દેવ ઉર્ફે ઢેબર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
