પરિણીતાના ઘરે આવી મોબાઈલ નંબર માંગ્યો:મહિલાને સંબંધ રાખવા દબાણ કરતા પતિએ બે શખસો સામે ફરિયાદ નોંધાવી
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા પંચાયત વિસ્તારમાં એક મહિલાને સંબંધ રાખવા દબાણ કરવા અને તેના પતિને માર મારવા બદલ બે શખસો સામે ઘોઘા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે ઘોઘા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના નવાબંદરના માછીમાર રમેશભાઈ ભોલુભાઈ બારૈયા ઉં.વ.34એ ઘોઘા પોલીસ સ્ટેશનમાં રાહુલ વિનુભાઈ સોલંકી અને તેના મિત્ર રાહુલ ઘુઘાભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલના રોજ બંને આરોપીઓ રમેશભાઈના ઘરે આવ્યા હતા અને તેમની પત્ની પર સંબંધ રાખવા દબાણ કર્યું હતું અને મોબાઈલ નંબર માંગ્યો હતો. પરિણીતાએ ઇનકાર કરતા તેઓએ સમાજમાં બદનામ કરવાની ધમકી આપી જતા રહ્યા હતા. ત્યાર બાદ સાંજે ફરી પાછા આવી ઘરપાસે આંટા ફેરા મારવા લાગતા રમેશભાઈએ બંને શખસોને તેમની પત્નીનો પીછો ન કરવા જણાવ્યું, ત્યારે તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને રમેશભાઈને ઢીંકા-પાટુ વડે માર માર્યો હતો. આ દરમિયાન રાહુલ વિનુભાઈએ પાવડાના હાથા વડે રમેશભાઈના ડાબા હાથની કલાઈ પર માર માર્યો, જેનાથી તેમને મુંઢ ઈજા થઈ. બંને શખસો જતા-જતા દંપતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. રમેશભાઈની પત્નીએ પણ પીછો કરવા અને ત્રાસ આપવા બદલ અલગથી ફરિયાદ નોંધાવી છે. ઘોઘા પોલીસે બંને શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read more
