Gujarati News

નિર્દોષ ભારતીય 43 વર્ષ અમેરિકાની જેલમાં રહ્યો:હવે કોર્ટે નિર્દોષ જાહેર કર્યો, વળતરની તો વાત દૂર, US સરકાર ડિપોર્ટ કરવાના પ્રયાસમાં; કોર્ટનો સ્ટે

Published: November 4, 2025 • Language: English

અમેરિકામાં 43 વર્ષ સુધી ખોટા આરોપમાં જેલમાં રહેલા ભારતીય મૂળના સુબ્રહ્મણ્યમ વેદમને હાલમાં રાહત મળી છે. બે અલગ-અલગ અદાલતોએ હાલમાં તેના ડિપોર્ટેશન પર રોક લગાવી દીધી છે. સૌથી પહેલા એક ઇમિગ્રેશન જજે સોમવારે તેના ડિપોર્ટેશન પર સ્ટે આપ્યો છે, જ્યાં સુધી બોર્ડ ઑફ ઇમિગ્રેશન અપીલ (BIA)એ નક્કી ન કરી લે કે શું તેનો કેસ ફરીથી સાંભળવામાં આવે કે નહીં. બીજી તરફ, યુ.એસ. ડિસ્ટ્રિક્ટ કોર્ટ પેન્સિલવેનિયાએ પણ એ જ દિવસે તેની ડિપોર્ટેશન પ્રક્રિયાને હટાવવાનો આદેશ આપ્યો. રિહાઈ પછી ફરી કસ્ટડીમાં લેવાયા હતા NBC ન્યૂઝ મુજબ હવે મામલો ઇમિગ્રેશન અપીલ બોર્ડમાં જશે, જેનો નિર્ણય આવવામાં કેટલાક મહિનાઓ લાગી શકે છે. 64 વર્ષના વેદમને આ જ વર્ષે 3 ઓક્ટોબરના રોજ મુક્ત કરવામાં આવ્યો હતો. તે અમેરિકી રાજ્ય પેન્સિલવેનિયાનો કાયમી નિવાસી છે. 1980માં તેના પર પોતાના ક્લાસમેટની હત્યાનો આરોપ લાગ્યો હતો. જોકે વેદમે હંમેશાં પોતાની નિર્દોષતાનો દાવો કર્યો, તેમ છતાં તેને 1983 અને 1988માં બેવાર દોષી ઠેરવવામાં આવ્યો અને પેરોલ વિના આજીવન કેદની સજા સંભળાવવામાં આવી. રિહાઈ પછી જેલમાંથી નીકળતા જ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે તેને ફરી કસ્ટડીમાં લઈ લીધો હતો. વેદમ હજી લુઇઝિયાનાના એક ડિપોર્ટેશન સેન્ટરમાં બંધ છે. મૃતકની સાથે છેલ્લીવાર વેદમને જોવામાં આવ્યો હતો સુબ્રહ્મણ્યમ વેદમ અને થોમસ કિન્સર બંને 1980માં પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી હતો. તે લગભગ 19 વર્ષનો હતો અને એકબીજાને ઓળખતા હતા. અહેવાલ મુજબ, વેદમે થોમસ કિન્સરને કહ્યું કે તેને ડ્રગ્સ ખરીદવા માટે ક્યાંક જવું પડશે. તેણે કિન્સર પાસે લિફ્ટ માગી. પછી બંને સાથે નીકળી ગયા. કિન્સરને છેલ્લે એ સમયે દેખાયો હતો. થોડા દિવસો પછી કિન્સરની વાન તેના એપાર્ટમેન્ટની બહાર પાર્ક કરેલી મળી આવી, પરંતુ તે પોતે ગુમ હતો. નવ મહિના પછી યાત્રાળુઓને જંગલવાળા વિસ્તારમાં એક લાશ મળી, જે પાછળથી થોમસ કિન્સરનો હોવાનું બહાર આવ્યું. તેને ગોળી મારવામાં આવી હતી. કિન્સર છેલ્લે વેદમ સાથે દેખાયો હતો અને પોલીસ માને છે કે હત્યા પછી વેદમે શંકાસ્પદ વર્તન દર્શાવ્યું હતું, આનાથી તરત જ વેદમ શંકાસ્પદ બની ગયો, પરંતુ કેસમાં કોઈ સાક્ષી નહોતા. કોઈ સીધો પુરાવો નહોતો. આમ છતાં, વેદમ પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો અને તેને દોષિત ઠેરવવામાં આવ્યો. હત્યાનો આરોપ ખોટો સાબિત થયો આ વર્ષે ઓગસ્ટમાં કિન્સરના હત્યાકેસમાં નવા પુરાવા સામે આવ્યા. તપાસમાં જાણવા મળ્યું કે હત્યામાં વપરાયેલી બંદૂક વેદમ સાથે સંકળાયેલી ન હોવાનું માનવામાં આવે છે.
આનો અર્થ એ થયો કે વેદમ સામેનો આરોપ ખોટો સાબિત થયો, કારણ કે ગોળી અને હથિયાર મેળ ખાતાં નહોતાં. વેદમ પર 1980માં તેના મિત્ર થોમસ કિન્સરની હત્યા કરવાનો આરોપ હતો. કિન્સરને જોનાર તે છેલ્લી વ્યક્તિ હતી. સાક્ષીઓ કે નક્કર પુરાવા વિના તેને બે વાર દોષિત ઠેરવવામાં આવ્યા અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. બાદમાં એવું જાણવા મળ્યું કે પ્રોસિક્યુશન (સરકારી વકીલ)એ જાણીજોઈને કોર્ટથી આ પુરાવા છુપાવ્યા હતા. ત્યાર બાદ કોર્ટે તેમની સજા રદ કરી અને તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો. તે 3 ઓક્ટોબરે જેલમાંથી મુક્ત થવાનો હતો, પરંતુ એ જ દિવસે ઇમિગ્રેશન વિભાગે તેને ફરીથી કસ્ટડીમાં લીધો અને દેશનિકાલની પ્રક્રિયા શરૂ કરી. વેદમ 9 મહિનાની ઉંમરે અમેરિકા ગયો હતો સુબ્રહ્મણ્યમ વેદમ નવ મહિનાની ઉંમરે તેમનાં માતા-પિતા સાથે કાયદેસર રીતે યુનાઇટેડ સ્ટેટ્સ આવ્યો હતો. તેના પિતા પેન સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા અને પરિવાર સ્ટેટ કોલેજમાં રહેતો હતો. વેદમ યુનાઇટેડ સ્ટેટ્સના પર્મનેન્ટ રેસિડન્સી છે. વકીલોના મતે તેની નાગરિકતા અરજી મંજૂર કરવામાં આવી હતી, પરંતુ 1982માં તેના પર હત્યાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો અને તેની ધરપકડ કરવામાં આવી. વેદમની બહેન સરસ્વતી વેદમે કહ્યું- અમને ખુશી છે કે બે કોર્ટોએ સંમતિ આપી છે કે તેને ડિપોર્ટ ન કરવો જોઈએ. અમને આશા છે કે કોર્ટ પણ સમજશે કે તેને ભારત મોકલવો એ વધુ એક મોટો અન્યાય હશે. તેમણે કહ્યું- તે 43 વર્ષથી એક એવા ગુના માટે જેલમાં રહ્યો, જે તેણે કર્યો જ નથી અને તેણે પોતાનું આખું જીવન યુનાઇટેડ સ્ટેટ્સમાં વિતાવ્યું છે. તેને હમણાં ડિપોર્ટ કરવો ખોટું હશે. ICE શા માટે દેશનિકાલ કરવા માગે છે? ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) 40 વર્ષ જૂના ડ્રગકેસના આધારે વેદમને ભારત મોકલવા માગે છે. વકીલોનો દલીલ છે કે વેદમે પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું અને 40 વર્ષ સુધી ખોટી રીતે જેલમાં રહ્યો છતાં અન્ય કેદીઓને શિક્ષણ આપ્યું, તેથી જૂનો કેસ દેશનિકાલ માટેનો આધાર ન હોવો જોઈએ.

Read more

← Back to Home