નવા વર્ષે વેપારી પર હુમલો કરનાર 11 લોકોની ધરપકડ:ફટાકડા ફોડવા મુદ્દે કપડાના વેપારી અને પિતરાઈ ભાઈ પર હુમલો, લોખંડની પાઈપ અને લાકડીઓથી માર મારતા ઇજાગ્રસ્ત
અમદાવાદના પાલડીમાં નવા વર્ષના દિવસે જ વહેલી સવારે ફટાકડા ફોડવા જેવી બાબતમાં મારામારી થઈ હતી. કપડાના વેપારી અને તેના પિતરાઈ ભાઈ પર ફટાકડા ફોડવા બાબતે ટોળાએ હુમલો કર્યો હતો. લોખંડી પાઇપ અને લાકડીઓ વડે હુમલો કરવામાં આવતા વેપારીના પિતરાઈ ભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેવામાં આવ્યો હતો. જે બાદ કપડાના વેપારીએ નરેન્દ્રસિંહ રાજપુરોહિત, અર્જુનસિંહ રાજપુરોહિત સહિત 11 લોકો સામે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પાલડી પોલીસે તમામ 11 લોકોની ધરપડક કરી વધુ તપાસ શરૂ કરી છે. ફટાકડા ફોડવા મુદ્દે બોલાચાલી બાદ છૂટા હાથની મારામારી
પાલડી ભઠ્ઠા પાસે આવેલા વ્રજ પ્લાઝામાં એક કપડાંની દુકાનના વેપારી, તેના પિતરાઈ ભાઈ અને દુકાનમાં કામ કરતા લોકો નવા વર્ષના દિવસે વહેલી સવારે દુકાન આગળ ફટાકડા ફોડી રહ્યા હતા. જે દરમિયાન ઉપરના ફ્લોર પર આવેલી અન્ય કપડાની દુકાનના વેપારીએ થોડા દૂર ફટાકડા ફોડવા કહ્યું હતું. જે દરમિયાન ફરિયાદીના પિતરાઈ ભાઈની અન્ય દુકાનના વેપારી નરેન્દ્રસિંહ રાજપુરોહિત સાથે બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલી બાદ બંને પક્ષ વચ્ચે છૂટા હાથની મારમારી થઈ હતી. જે બાદ નરેન્દ્રસિંહ રાજપુરોહિતે દુકાનમાંથી લોખંડી પાઇપ અને લાકડી લાવીને ફરિયાદીના પિતરાઈ ભાઈ રોનક પ્રજાપતિના માથાના ભાગે હુમલો કર્યો હતો. વેપારી અને પિતરાઈ ભાઈ પર ટોળાનો લાકડીઓથી હુમલો
પિતરાઈ ભાઈ રોનક પ્રજાપતિને બચાવવા માટે ગયેલા ફરિયાદી સાગર પ્રજાપતિ પર પણ ટોળાએ લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જેથી આ મારામારીની ઘટનામાં ફરિયાદીના પિતરાઈ ભાઈ રોનક પ્રજાપતિને માથાના ભાગે ઇજાઓ થતા રોડ પર બેભાન થઈ ગયો હતો. જે બાર તેને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે એસ.વી.પી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમજ મારામારીની ઘટનામાં ફરિયાદી અને દુકાનના સ્ટાફને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હતી. પોલીસે હુમલો કરનાર 11 આરોપીને ઝડપી પાડ્યા
જીવલેણ હુમલો કરવામાં આવતા ફરિયાદી સાગર પ્રજાપતિએ હુમલો કરનાર નરેન્દ્રસિંહ રાજપુરોહિત, અર્જુનસિંહ રાજપુરોહિત, શ્રીપાલસિંહ રાજપુરોહિત, રણછોડ દેવાસી, નવીન દેવાસી, વિકાસ રાજપુરોહિત, મહેશ ભાટી, લક્ષ્મણ ચૌધરી, જીતેન્દ્ર ખટીક, ગોપાલસિંહ રાજપુરોહિત, મુકેશસિંહ રાજપુરોહિત સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પાલડી પોલીસે મારામારી કરનાર અને હુમલો કરનાર તમામ 11 લોકોની રાયોટિંગ સહિતના ગુના હેઠળ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read more
